‘બાઈક પર ડૉ. આંબેડકરનો ધ્વજ કેમ છે?‘ પૂછી દલિત નેતા પર હુમલો

બાઇક પર ડૉ.આંબેડકરનો ધ્વજ લગાવીને જતા દલિત નેતાને જાતિવાદી તત્વોએ રસ્તામાં આંતરીને જીવલેણ હુમલો કર્યો. બે લોકો સામે ફરિયાદ નોંધાઈ.
dalit news

જાતિવાદી તત્વોને મહાનાયક ડૉ.આંબેડકરના નામ સાથે જોડાયેલી કોઈપણ બાબતથી કેટલી નફરત છે તેના અનેક ઉદાહરણો આપણે જોયા-જાણ્યા છે. પરંતુ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના ઈટવામાં બનેલી એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. અહીં ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલા એક અગ્રણી દલિત નેતા પર માત્ર એટલા માટે હુમલો કરવામાં આવ્યો કારણ કે તેમણે તેમની બાઇક પર ડૉ.આંબેડકરનો ધ્વજ લગાવેલો હતો. આરોપીઓએ તેમને રસ્તામાં રોકીને જીવલેણ હુમલો કર્યો હતો.

મામલો શું હતો?

આ સમગ્ર મામલો 10 ફેબ્રુઆરીનો હોવાનું કહેવાય છે. ઈટવા પોલીસ સ્ટેશનના મેનહવા ગામના રહેવાસી બહરૈચી પ્રસાદ પ્રેમી, જેઓ સમાજવાદી પાર્ટીની ‘બાબા સાહેબ આંબેડકર વાહિની’ના રાષ્ટ્રીય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ બપોરે આશરે એક વાગ્યાના સુમારે પોતાની બાઇક લઈને ડુમરિયાગંજ તરફ જઈ રહ્યા હતા. સામાજિક અને રાજકીય સક્રિયતાને કારણે તેઓ તેમની બાઇક પર ડૉ. આંબેડકરનો ધ્વજ લગાવે છે.

જ્યારે તેઓ ધોબહા ગામના દલિત મહોલ્લા પાસે પહોંચ્યા, ત્યારે શાહપુર તરફથી આવી રહેલી એક ફોર્ચ્યુનર કારમાં સવાર શખ્સોએ તેમને જોઈને અચાનક વાહન રોકી દીધું હતું. પીડિતના જણાવ્યા અનુસાર, કારમાંથી લવકુશ ઓઝા (રહે. મન્નીજોત ચૌરાહા) અને લાલજી શુક્લા (રહે. મહતિનિયા ખુર્દ) તથા તેમની સાથેના અન્ય અજાણ્યા શખ્સો ઉતરી આવ્યા હતા.

આ પણ વાંચો: SDM એ આદિવાસી ખેડૂતની દંડા મારીને હત્યા કરી નાખી, સસ્પેન્ડ

જાતિસૂચક અપશબ્દો કહી ધ્વજ ફાડી નાખ્યો

આરોપ છે કે હુમલાખોરોએ ગાડીમાંથી ઉતરતાની સાથે જ બહરૈચી પ્રસાદ પ્રેમીને ઉદ્દેશીને અતિશય બીભત્સ અને જાતિસૂચક અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. જાતિવાદી ઝેર ઓકતા આ શખ્સોએ બાઇક પર લાગેલા બંને ધ્વજોને જોરથી ખેંચીને ફાડી નાખ્યા હતા. બાબા સાહેબના ધ્વજનું આ રીતે અપમાન કરવું એ સીધો દલિત સમાજની અસ્મિતા પર પ્રહાર ગણાય. છતાં આરોપીઓને તેની કોઈ ચિંતા નહોતી. હુમલાખોરોએ દલિત નેતાને ઘેરી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દલિત નેતાની માનસિક હાલત બગડી

આ હિંસક અથડામણ અને માનસિક ત્રાસને કારણે બહરૈચી પ્રસાદનું બ્લડ સુગર લેવલ અચાનક ખૂબ વધી ગયું હતું, જેના કારણે તેમનું જીવન જોખમમાં મુકાયું હતું. તેમણે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ દ્વારા સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, જેના કારણે તેમનો આખો પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે.

આ પણ વાંચો: દલિત સગીરાને ખેતરની ઓરડીમાં ગોંધી આખી રાત દુષ્કર્મ આચર્યું

ઘટનાની ગંભીરતાને જોતા, ઈટવા પોલીસે બુધવારે મોડી સાંજે બે નામજોગ અને અન્ય અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઈટવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવીન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે કોઈ પણ પક્ષપાત વગર નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે.”

દલિત સમાજમાં ભારે રોષ

આ ઘટના માત્ર એક વ્યક્તિગત ઝઘડો નથી, પરંતુ તે સમાજમાં વ્યાપેલી ગહન જાતિવાદી અસહિષ્ણુતાનું પ્રતિબિંબ છે. 21મી સદીમાં પણ જ્યારે કોઈ વ્યક્તિ ડૉ. આંબેડકર જેવી વિશ્વવિભૂતિનો ધ્વજ લગાવે અને તેના પર હુમલો થાય, તો તે ચિંતાનો વિષય છે. શા માટે આજે પણ અમુક તત્વો ડૉ. આંબેડકરના નામથી આટલી નફરત કરી રહ્યા છે?

દલિત સંગઠનો અને સામાજિક કાર્યકરોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો આરોપીઓ વિરુદ્ધ ત્વરિત અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોનું મનોબળ વધશે અને સામાજિક શાંતિ જોખમાશે તે નક્કી છે.

આ પણ વાંચો: ‘મત નહીં આપો તો ‘હિસાબ’ થશે’, સરપંચના ટેકેદારની દલિતોને ધમકી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x