દિવસેને દિવસે અમદાવાદની સરહદો વિસ્તરતી જઈ રહી છે અને હવે તેમાં અન્ય પાંચ ટાઉનનો ઉમેરો થાય તેવી શક્યતા છે. રાજ્ય સરકારે અમદાવાદની આસપાસની પાંચ મ્યુનિસિપાલિટીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે એએમસીની હદમાં સાણંદ, મહેમદાવાદ, બારેજા, કલોલ અને દહેગામને મર્જ કરી દેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એએમસીની હદમાં આવતી પાંચ મ્યુનિસિપાલિટીને ભેળવી દેવાનો સમય પણ ઘણો જ મહત્વનો છે કેમ કે, જાન્યુઆરી ૨૦૨૬માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. તેથી પ્રસ્તાવિત વિલીનીકરણથી અમદાવાદનો ભૌગોલિક વિસ્તાર અને વસ્તીનો આધાર નોંધપાત્ર રીતે વધશે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય હેતુ કોઓર્ડિનેટેડ અર્બન ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરવાનો છે. હાલમાં આ વિસ્તારોમાં નોંધપાત્ર વિકાસ થયો છે અને માળખાગત સુવિધાઓ અને આવશ્યક સેવાઓ માટે વ્યવસ્થિત આયોજનની જરૂર છે. આનાથી આ વિસ્તારો એએમસીમાં ભળી જશે અને તેનાથી સંભવિત રીકે માળખાગત વિકાસમાં સુધારો કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો: એસટી નિગમે રોજિંદા મુસાફરોના પાસના ભાડામાં વધારો ઝીંક્યો
છેલ્લા કેટલાક વર્ષોમાં સાણંદ અને કલોલમાં રેસિડેન્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ વિકાસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સાણંદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું હબ બની ગયું છે અને હજી ત્યાં સેમિકન્ડક્ટર અને અન્ય સ્પેશિયલાઈઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ આવવાની છે. સાણંદની જેમ કલોલનો વિકાસ પણ ઘણો ઝડપથી થયો છે અને ત્યાં રેસિડેન્શિયલની સાથે સાથે ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સની સંખ્યા પણ વધી છે. સૂત્રોનું કહેવું છે કે, આ મ્યુનિસિપાલિટીઝના વિકાસની ગતિ વધારવા માટે ઘણી મહેનત કરવી પડશે.
જો કે, એએમસી માટે પ્રસ્તાવિત પાંચ મ્યુનિસિપાલિટીને અમદાવાદમાં ભેળવવી આસાન નહીં હોય કેમ કે, નવા ઉમેરાયેલા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અપગ્રેડ કરવા માટે છસ્ઝ્રને ઘણા સંસાધનોની જરૂર પડશે. જેમાં પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રોડ નેટવર્ક અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે, આ ઉપરાંત મોટા પ્રમાણમાં આર્થિક રોકાણ પણ કરવું પડશે.
બીજી તરફ તે વિસ્તારોના રહેવાસીઓને સારી સુવિધાઓ તો મળશે પરંતુ તેમનું આર્થિક ભાર વધી જશે કેમ કે, તેમને કદાચ વધારે મ્યુનિસિપલ ટેક્સ ચૂકવવા પડી શકે છે. જેને લીધે શરૂઆતમાં કદાચ લોકો વિરોધ પણ કરી શકે છે, તેથી એએમસી ટેક્સને લઈને નિયંત્રિત વલણ અપનાવશે. આ ઉપરાંત વહીવટી પડકારો પણ રહેલા છે કેમ નવા વિસ્તારોનો ઉમેરો થતાં એએમસીએ તેના વર્કફોર્સમાં વધારો કરવો પડશે અને નવી ઓફિસો પણ શરૂ કરવી પડશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો, નાણાકીય અમલીકરણ, વહીવટી ક્ષમતા તથા લોકોના મંતવ્યોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું પડશે. જો કે, તેમાં ૨૦૨૦માં બોપલ અને ઘુમાનું મર્જર થયું હતું તેની પ્રક્રિયાથી મદદ મળશે. પરંતુ પ્રત્યેક વિસ્તારના પડકારો અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તેથી એએમસીએ અલગ-અલગ વિસ્તારો માટે ચોક્કસ રણનીતિ તૈયાર કરવી પડશે.
આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ