ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD અને PSIની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં દોડની પ્રેકટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે પરંતુ મેરિટમાં તેના માર્ક્સની ગણતરી કરવામાં આવતી ન હોવાથી ગામડાઓમાંથી આવતા દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાની મુદ્દો બહુચરાજીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે ઉઠાવ્યો છે. આ મામલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે અને દોડના માર્ક્સ અંગે ફેરવિચારણાની માગ કરી છે.
ભરતજી ઠાકોર દ્વારા દોડના માર્કની ગણતરી કરવા ઉપરાંત રિઝનિંગનું વેઈટેજ ઘટાડવા સહિતના 7 મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. દોડના માર્ક કાઢી નાખવામાં આવ્યા હોવાથી ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય થતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, દોડના ગુણ કાઢી નાખવાથી ગામડાના SC-ST અને OBC ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે અને તેથી આ મુદ્દે ફેરવિચારણા થવી જોઈએ.

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં 13,591 પોસ્ટ પર સીધી ભરતીની જાહેરાત
ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલ અને PSIની ભરતીમાંથી દોડના ગુણ કાઢી નાખવાની જોગવાઈને કારણે ગામડાના વિદ્યાર્થીઓ, SC-ST અને OBC સમાજના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. આ વર્ગના યુવાનો દોડમાં 1થી 15 જેટલા ગુણ મેળવતા હતા અને પોલીસની નોકરીમાં શારીરિક કૌશલ્ય મહત્વનું હોવાથી દોડના ગુણ રાખવાથી દળમાં વધુ સશક્ત ઉમેદવારો આવી શકે છે.

મેથ્સ રીઝનિંગ 75 ટકાથી ઘટાડી 15 ટકા કરોઃ ભરતજી
ભરતજી ઠાકોરે કહ્યું છે કે, પોલીસની ભરતીમાં મેથ્સ-રીઝનીંગનું વધુ પડતું વેઈટેઝ અન્યાયકારી છે. જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ 15%, નાયબ મામલતદારની પરીક્ષામાં 12.5% હોય છે. પરંતું પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ 75% અને પીએસઆઈની પરીક્ષામાં 100% દાખલ કરવામાં આવ્યુ છે. આના લીધે ગુજરાતના 80% વિદ્યાર્થીઓ જે આર્ટસ-કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેમને અન્યાય થાય છે. મેથ્સ રીઝનિંગ પોલીસ માટે અનિવાર્ય નથી. તેથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ 15% કરવામાં આવે.
લઘુત્તમ લાયકાનું 40 ટકાનું ધોરણ અન્યાયકારી છેઃ ભરતજી
ભરતજીએ વધુમાં રજૂઆત કરી છે કે, અંતિમ પરિણામ નકકી કરતી વખતે જીપીએસસી, નાયબ મામલતદાર, પી.આઈ. કે યુપીએસસીની કોઈ પરીક્ષામાં 40%ની જોગવાઈ નથી. માઈનસ પદ્ધતિમાં જો પેપર અતિશય અઘરૂ કાઢવામાં આવે તો કટઓફ 40% થી નીચે જઈ શકે દા.ત. 2023માં તલાટીની પરીક્ષામાં જનરલ સિવાય તમામનું કટઓફ 40%થી નીચે ગયું હતું.
આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી
જીપીએસસીએ 31/03/2018ના પરિપત્રથી લઘુતમ લાયકાત ધોરણની જોગવાઈઓ રદ કરી છે. સ્ટાફ સિલેકશન કમિશનની ભરતીમાં લઘુતમ લાયકાત ધોરણ જનરલ માટે 30%, EWS અને ઓબીસી માટે 25% અને એસસી એસટી અને દિવ્યાંગ માટે 20% છે. ગુજરાતમાં તમામ વર્ગ માટે 40% છે જે અનામત વર્ગના ઉમેદવારોને અન્યાયકારી છે.
‘ભરતીમાં બેસતા મોટા અધિકારીઓ અન્યાય કરે છેઃ ભરતજી ઠાકોર
ભરતજી ઠાકોરે ભરતીમાં બેસતા મોટા અધિકારીઓ દલિતો, આદિવાસીઓ અને ઓબીસી યુવકોને અન્યાય કરતા હોવાની પણ રજૂઆત કરી છે. તેમણે કહ્યું છે કે, OBC, SC-STના યુવાનો જે ગામડામાંથી આવે છે એમને દોડમાં ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે. જે મોટા અધિકારી ભરતીમાં બેસે છે, તેમના દ્વારા ખાસ કરીને OBCના યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. આ યુવાનોને ન્યાય મળવો જોઈએ. ગામડાના દલિત, આદિવાસી, ઓબીસી સમાજના યુવાનો મહેનત કરી ગુજરાત પોલીસમાં સેવા આપવા માગે છે. પરંતુ અધિકારીઓ તેમને અન્યાય કરે છે. આવા યુવાનોના ન્યાય માટે આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરવાનું થશે તો પણ અમે ઉતરીશું.”
અનંત પટેલ સહિત અનેક ધારાસભ્યોનું સમર્થન મળ્યાનો દાવો
ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કર્યાને બે દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આ બાબતે સીએમ કાર્યાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ભરતજીનું કહેવું છે કે, મેં જે મુદ્દા ઉઠાવ્યા છે તેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. ઘણા બધા ધારાસભ્યોએ આ બાબતે રજૂઆત પણ કરી છે. જેથી આનું નિરાકરણ આવશે એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: ભારતમાં બંધુઆ મજૂરોમાં 100 ટકા SC, ST અને OBC












