નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક મંદિરના જૂના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા મળી આવતા ચકચાર મચી ગઈ છે. શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના નખ અને ચામડાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં આ પહેલી એવી ઘટના છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવ્યા હોય.
મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે મંદિરના એક જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે. આ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીગ્નેશ સોની અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન વન વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી. સર્ચ ઓપરેશનમાં 37 આખા વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા, 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે.

અવશેષો 35 વર્ષ જૂના હોવાની શક્યતા વન વિભાગની પ્રાથમિક તપાસ મુજબ, આ ચામડા અને નખ આશરે 35 વર્ષથી વધુ સમયથી આ જગ્યા પર હોવાનું અનુમાન છે. જોકે, આ વસ્તુઓ અસલી છે કે કેમ તેની ખાતરી કરવા માટે વન વિભાગે નમૂનાઓ FSLમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો: ગાયો ચરાવતા રોકતા દલિત પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ

મૃતક મહારાજની સંડોવણી અંગે તપાસ મંદિરમાં રહેતા મહારાજ, જેઓ મૂળ મધ્યપ્રદેશના હોવાનું કહેવાય છે, તેમનું ગત 7 જુલાઈ, 2025 ના રોજ નિધન થયું છે. આ તમામ વાઘના નખ અને ચામડા તે જ રૂમમાંથી મળી આવ્યા છે જ્યાં મહારાજ રહેતા હતા. વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે નિધન થયેલા મહારાજ કોના કોના સંપર્કમાં હતા? આટલો મોટો જથ્થો અહીં ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો? તપાસમાં મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા વન વિભાગે આ મામલે ફોરેસ્ટ અધિનિયમ (તસ્કરી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસમાં આગામી દિવસોમાં ઘણા “મોટા માથા” ઓના નામ બહાર આવવાની શક્યતા છે. હાલ તો આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં મહંત ગૌશાળામાંથી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતો ઝડપાયો?










