વર્ષ 2026ની શરૂઆતમાં જ દેશના અલગ અલગ ભાગોમાં દલિતો પર હુમલા, હત્યા અને જાતિસૂચક અપશબ્દો કરી માર મારવાની ઘટનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. એક બાજુ લાખો દલિતો 1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવમાં શૌર્ય દિવસ મનાવવા ઉમટ્યા હતા.
બીજી તરફ ગ્વાલિયરમાં મનુવાદીઓ બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરનું પૂતળું અને ફોટો સળગાવી રહ્યા હતા. હવે મધ્યપ્રદેશના મુરૈનામાં એક દલિત પરિવાર પર માથાભારે તત્વોએ ગાય ચરાવવા જેવી નજીવી બાબતે 10 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. 12 જેટલા ગુંડાઓ લાકડીઓ, સળિયા લઈને દલિત પરિવાર પાસે પહોંચી ગયા હતા. એ દરમિયાન ફાયરિંગ પર કરવામાં આવ્યું હતું. હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. એ દરમિયાન દલિત વૃદ્ધે હાથ જોડીને માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે.
મધ્યપ્રદેશના મુરૈનાના રાજારામપુરાની ઘટના
ઘટના મધ્યપ્રદેશના મુરૈનાના જૌરા તાલુકાના રાજારામપુરા ગામની છે. જ્યાં માથાભારે તત્વોએ એક દલિત પરિવાર પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો. પીડિત પરિવારે ખેતરમાં ગાયો ચરાવવા અને બાજરીના સાંઠા ઉપાડવાનો ઇનકાર કર્યો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા ગુંડાઓ દલિત પરિવારના ઘરે પહોંચી ગયા હતા અને 10 રાઉન્ડ ગોળીબાર કર્યો, પછી લાકડીઓથી હુમલો કર્યો.
આ પણ વાંચો: પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે
દલિત જાટવ પરિવારના 5 લોકો ઘાયલ થયા
આ ઘટનામાં દલિત પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા છે અને તેમને જૌરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિત પરિવારે પોલીસ પર રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ઘટના નવા વર્ષના પહેલા દિવસે ગુરુવારે બપોરે 3 વાગ્યે બની હતી. શુક્રવારે સવારે તેનો વીડિયો સામે આવ્યો હતો.
ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા હુમલો કર્યો
પીડિત મહારાજ જાટવના જણાવ્યા અનુસાર, ગામના ગુંડા બનવારી ગુર્જર અને તેના સાથીઓની ગાયો તેમના ખેતરમાં ચરતી હતી. જ્યારે પરિવારે તેની સામે વિરોધ કર્યો ત્યારે આરોપીઓ ખેતરમાં પડેલી બાજરાની કડબ ઉપાડી ગયા હતા. આ મુદ્દે વિવાદ વધ્યો અને ગુંડાઓએ બદલો લેવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: RSS કાર્યકરે બીમાર દલિત વૃદ્ધને મંદિરમાં પેશાબ ચટાડ્યો
8-10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, લાકડીઓથી માર માર્યો
એવું કહેવાય છે કે બનવારી ગુર્જર તેના 10-12 સાથીઓ સાથે દલિત પરિવારના ઘરે પહોંચ્યો હતો. પહેલા તેમણે 8-10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પછી પરિવાર પર લાકડીઓથી હુમલો કર્યો. વીડિયોમાં યુવાનો લાકડીઓ પકડેલા દેખાય છે. ઝઘડામાં રમેશ જાટવ, મહારાજ જાટવ, બહાદુર જાટવ, મહાદેવી જાટવ અને સિમલા જાટવ ઘાયલ થયા છે. હુમલા દરમિયાન, પરિવારના એક વૃદ્ધ સભ્યે હાથ જોડીને ગુંડાઓ સામે વિનંતી કરી અને માફી માંગી હતી, તેમ છતાં આરોપીઓએ હિંસા બંધ નહોતી કરી.
પોલીસ પર FIR દાખલ કરવામાં વિલંબ કરવાનો આરોપ
ઘટના બાદ, ઘાયલ પરિવારના સભ્યો જૌરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમનો આરોપ છે કે તેમની ફરિયાદ નોંધવામાં પોલીસે ભારે વિલંબ કર્યો હતો. મોડી રાત્રે FIR દાખલ કરવામાં આવી હતી. બનવારી ગુર્જર, વિશ્રામ ગુર્જર, દામોદર ગુર્જર, બંટી ગુર્જર અને વીરા ગુર્જર સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીએ શું કહ્યું?
જૌરાના એસડીઓપી નીતિન બઘેલે જણાવ્યું હતું કે ગાય અને ઘાસચારાને લઈને વિવાદ થયો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે શરૂઆતમાં ગુર્જર પરિવારના એક યુવાન સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કર્યો હતો. હાલ વીડિયો અને ઉપલબ્ધ પુરાવાના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: જામખંભાળિયામાં આહિર વૃદ્ધે ધો.10ની દલિત સગીરાની છેડતી કરી














*ભારતનો જાતિવાદ, બ્રાહ્મણવાદ અને મનુવાદ, દલિતો પીડિતો બહુજનો અને વિધર્મીઓ માટે એક અણુબોમ્બ જેવું દુષ્કર્મ કરી રહ્યો છે, જે વિશ્વનાં દેશોને પણ દઝાડી શકે એમ છે. જાગૃત અને બુદ્ધિજીવી લોકોએ સાવધાન રહેવું જરૂરી છે અને એક્તા/સંગઠન શક્તિ સાથે સામનો કરવો જોઈએ…!