હિંદુ રાષ્ટ્રનું સપનું જોતી ભાજપે મહાકુંભ 144 વર્ષ પછી આવ્યો હોવાનો પ્રચાર કરીને જોરદાર હવા ઉભી કરી હતી. જેના કારણે ધર્માંધ ભારતીયો કશું પણ જોયા જાણ્યાં વિના કુંભમેળામાં ઉમટી પડ્યાં હતા. જેના કારણે મહાકુંભમાં ભારે અરાજકતા સર્જાઈ હતી, પ્રયાગરાજ અને દિલ્હીમાં અકસ્માતમાં અનેક લોકો માર્યા ગયા. પરંતુ સરકારે મૃતકોના આંકડાઓ છુપાવ્યા અને લોકોને વાસ્તવિકતાથી અજાણ રાખી ધર્મનું અફીણ ચટાડ્યે રાખ્યું. પરિણામે મહાકુંભમાં ચોતરફ તકસાધુ તત્વોએ લોકોને લૂંટ્યાં. અનેક જગ્યાએ નકલી ટ્રાવેલ એજન્ટો મહાકુંભ ટુરના નામે પૈસા ઉઘરાવી રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ સિવાય પણ બીજી અનેક અરાજકતા ફેલાઈ હતી, જેનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ, મહાકુંભમાં રૂદ્રાક્ષથી લઈને ઘી, ચંદન સહિત અનેક નકલી ચીજવસ્તુઓ ખૂલ્લેઆમ વેચાતી હતી. એટલું જ નહીં, પાણીની બોટલો પણ કંપનીનું લેબલ લગાવ્યા વિના વેચાતી હતી અને પાણી પણ બ્લેકમા વેચાયું હતું. આટલું ઓછું હોય તેમ મહાકુંભ શરૂ થાય તે પહેલાં અહીં નકલી નોટો છાપતી ગેંગ ઝડપાઈ હતી. નકલી રુદ્રાક્ષ કોલકાતાથી લાવવામાં આવ્યા હતા, જ્યારે પ્રખ્યાત કંપનીઓના બેગ અને પર્સ મુંબઈના બજારમાંથી લાવીને વેચવામાં આવ્યા હતા.
દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ, મેળામાં 7000થી વધુ મીઠાઈની દુકાનો ઉભી કરવામાં આવી હતી, જેમાં નકલી માવાનો સપ્લાય કરવામાં આવતો હતો. આ સિવાય બ્રાન્ડના નામે નકલી જૂતા, ચપ્પલ, ચશ્મા અને કપડાં વેચાતા હતા.
મહાકુંભમાં, મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કર્યા પછી ભંડાર અને પ્રસાદ માટે શુદ્ધ ઘી અને દૂધની બનાવટો ખરીદે છે. પરંતુ, અહીં નકલી દૂધનો ધંધો મોટા પાયે ચાલી રહ્યો હતો. દૈનિક ભાસ્કરના રિપોર્ટમાં એક દુકાનદારે સ્વીકાર્યું હતું કે, અહીં બ્રાન્ડેડ દેશી ઘીના નામે નકલી પેકેટ વેચાઈ રહ્યા હતા. તેમાં વનસ્પતિ ઘી અથવા સસ્તું તેલ ભેળવીને પેક કરવામાં આવતું હતું. તેણે કહ્યું કે, અસલી ઘી 700-800 રૂપિયા પ્રતિ કિલો છે, પણ લોકો સસ્તું માંગે છે. એટલા માટે આ ‘બ્રાન્ડેડ’ ઘી 300-400 રૂપિયામાં મળી જાય છે.
ભક્તો સંગમમાં પૂજા માટે મોટી સંખ્યામાં રુદ્રાક્ષ અને ચંદન ખરીદે છે. આમાં પણ નકલી માલ વેચાયો હતો. ભાસ્કરના રિપોર્ટરે એક દુકાનદાર પાસેથી 500 રૂપિયામાં અસલી રુદ્રાક્ષ ખરીદ્યો. પણ જ્યારે તે એક્સપર્ટને બતાવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે પ્લાસ્ટિકનો બનેલો હતો.
આ પણ વાંચો: કુંભ મેળા વાળી મોનાલીસા કઈ જાતિની છે?

એ જ રીતે, પીળા રંગના કેરીના લાકડાને ચંદનના નામે વેચવામાં આવતું હતું. એક સ્થાનિક દુકાનદારે કબૂલાત કરી કે ક્યારેક અસલી ચંદનની સુગંધ લાવવા માટે તેમાં નકલી એસેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
મહાકુંભ દરમિયાન ઘણી પ્રખ્યાત કંપનીઓના નકલી જૂતા 500-600 રૂપિયામાં વેચાઈ રહ્યા હતા. ‘Nike’, ‘Puma’, ‘Adidas’ જેવી મોટી બ્રાન્ડના લોગોવાળા આવા જૂતા ખરેખર સ્થાનિક કંપનીઓ દ્વારા બનાવેલા સસ્તા ઉત્પાદનો છે. ઘણા લોકો HP, અમેરિકન ટૂરિસ્ટર, સ્કાય બેગ્સ જેવી ઘણી બ્રાન્ડેડ બેગ ખરીદતા હતા, પણ સ્થાનિક દુકાનદારો ડુપ્લિકેટ લોગોનો ઉપયોગ કરીને આ બેગ વેચી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પત્રકારોએ સ્થાનિક વહીવટીતંત્ર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને કોઈ નક્કર જવાબ મળ્યો નહોતો.
આ પણ વાંચો: કુંભનું પાણી નહાવાલાયક નથી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ