અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડીના સુખરામનગર ખાતે આજે સવારના સમયે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલા સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સના બ્લોક નંબર 12ની ગેલેરીનો મોટો હિસ્સો અચાનક ધડાકાભેર ધરાશાયી થયો હતો. આ સ્લમ ક્વાર્ટર્સ વર્ષો જૂના હોવાથી તેની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. સવારના સમયે જ્યારે રહીશો પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક ગેલેરી તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગેલેરીનો માર્ગ જ નીચે ઉતરવા માટેનો મુખ્ય રસ્તો હતો, જે તૂટી પડવાને કારણે ઉપરના માળે રહેતા પરિવારો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા હતા.
ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
આ દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાની સાથે જ ગોમતીપુર ફાયર સ્ટેશનની ટીમ બેથી વધુ ફાયર ફાઈટર અને રેસ્ક્યુ વાહનો સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા ડિવિઝનલ ફાયર ઑફિસર આર. જી. ગોસ્વામીએ પોતે મોરચો સંભાળ્યો હતો.

આ પણ વાંચો: દેશની હાઈકોર્ટોમાં સામાજિક અસંતુલન: 80% જજો ‘ઉચ્ચ’ જ્ઞાતિના
ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, ગેલેરી ધરાશાયી થવાને કારણે પ્રથમ અને બીજા માળના લોકો નીચે ઉતરી શકે તેમ નહોતા. ફાયરની ટીમે હાઈડ્રોલિક લેડર અને દોરડાની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. કાટમાળ વચ્ચેથી રસ્તો કરી, ઘરમાં ફસાયેલા કુલ 39 જેટલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ કરાયેલા લોકોમાં 15થી વધુ મહિલાઓ, 10 બાળકો અને વયસ્કોનો સમાવેશ થાય છે. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા રહીશોએ અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

એક વૃદ્ધ કાટમાળની ઝપેટમાં આવી ગયા, જાનહાનિ નહીં
આટલી મોટી દુર્ઘટના હોવા છતાં, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ગેલેરી ધરાશાયી થઈ ત્યારે એક વૃદ્ધા કાટમાળની ઝપેટમાં આવી ગયા હતા. તેમને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચતા ફાયરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચે અન્ય કોઈ દબાયેલું નથી તેની ખાતરી કરવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.
ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ચૂકી છે
સુખરામનગરના આ સ્લમ ક્વાર્ટર્સની હાલત લાંબા સમયથી ભયજનક હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ જ બ્લોકમાં ગેલેરી પડવાની નાની-મોટી ઘટનાઓ બની ચૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ ક્વાર્ટર્સને જર્જરિત જાહેર કરી અગાઉ ઘણી વખત નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ જોખમી હાલતમાં અહીં રહેવા મજબૂર છે.
આ પણ વાંચો: સુપ્રીમના જજે કહ્યું, ‘સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી થાય છે!’
ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એસ્ટેટ વિભાગે હવે આ બ્લોકને સંપૂર્ણપણે ભયજનક જાહેર કરી તેને ખાલી કરાવવાની પ્રક્રિયા તેજ કરી છે. કોર્પોરેશન દ્વારા આસપાસના અન્ય બ્લોકનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવી હોનારત ફરી ન સર્જાય.
પૂર્વ અમદાવાદના સ્લમ ક્વાર્ટર્સ ભયજનક સ્થિતિમાં
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવા અનેક સ્લમ ક્વાર્ટર્સ આવેલા છે જે અત્યંત જર્જરિત છે. સુખરામનગરની આ ઘટના તંત્ર અને રહીશો બંને માટે લાલબત્તી સમાન છે. જો સમયસર આ ક્વાર્ટર્સનું પુનઃનિર્માણ કે સમારકામ કરવામાં નહીં આવે, તો ચોમાસા દરમિયાન મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ પૂરતું ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં દબાણો હટાવાતા સેંકડો ગરીબો ઘરવિહોણાં થયા










