બોટાદ તાલુકાના દલિત સમાજ સાથે થઈ રહેલા સામાજિક અન્યાય અને તેમના હકની જમીનો પરના દબાણ મુદ્દે નવસર્જન ટ્રસ્ટ તથા રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા એક વ્યાપક રજૂઆત કરવામાં આવી છે. આ બંને સંગઠનોના નેજા હેઠળ મોટી સંખ્યામાં દલિત અગ્રણીઓએ બોટાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) ની કચેરીએ પહોંચીને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આ આવેદનપત્રમાં દલિત સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓની અવગણના અને વર્ષો જૂના જમીન વિવાદો અંગે વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. રજૂઆત મુજબ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં દલિત સમાજના સભ્યો લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે, પરંતુ તેમને મળવાપાત્ર બંધારણીય હોદ્દાઓથી વંચિત રાખવામાં આવે છે. ખાસ કરીને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદ માટે દલિત સભ્યોની જ નિમણૂક થવી જોઈએ, પરંતુ બોટાદમાં વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવતું નથી, જે સામાજિક સમાનતાના સિદ્ધાંતો વિરુદ્ધ છે.

આ પણ વાંચો: શું સોશિયલ મીડિયા ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે?
આ ઉપરાંત, જમીન સંપાદન અને ગેરકાયદેસર કબજાનો મુદ્દો પણ આ આવેદનપત્રમાં કેન્દ્રસ્થાને રહ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા વર્ષો પહેલા દલિત સમાજના પરિવારોને ગુજરાન ચલાવવા માટે જમીનો ફાળવવામાં આવી હતી. જોકે, આ જમીનો પર જે-તે સમયના માથાભારે અને વગદાર તત્વોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો છે. પરિણામે, જે પરિવારો પાસે જમીનના કાયદેસરના દસ્તાવેજો છે તેઓ આજે પણ પોતાની જ જમીન પર ખેતી કે અન્ય પ્રવૃત્તિ કરી શકતા નથી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ મામલે અંગત રસ લઈ, પોલીસ અને મહેસૂલ વિભાગ સાથે સંકલન સાધીને આ દબાણો દૂર કરાવે અને દલિત પરિવારોને તેમની જમીનનો પ્રત્યક્ષ કબજો પરત અપાવે.

સમાજની અન્ય પાયાની જરૂરિયાતો અંગે પણ આ રજૂઆતમાં ભાર મૂકવામાં આવ્યો છે. કચેરીઓમાં દલિત સભ્યો માટે બેસવા માટેની પૂરતી વ્યવસ્થા કે ખુરશીની સુવિધા ન હોવી તે અત્યંત ખેદજનક બાબત ગણાવીને તંત્રને આ બાબતે ત્વરિત સુધારો કરવા જણાવાયું છે. સાથોસાથ, દલિત સમાજના અંતિમ સંસ્કાર માટે સ્મશાનની જમીનની ફાળવણી ન થઈ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી સ્મશાન માટે જમીન ફાળવવાની માંગ પણ દોહરાવવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાના અણખોલ નજીક ગટરનું કામ કરતા બે કામદારોના મોત
જો આ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ ન્યાયિક લડતમાં બળદેવભાઈ મકવાણા, મનજીભાઈ સોલંકી, દાનાભાઈ સોલંકી, વિઠલભાઈ સાપરીયા, રામજીભાઈ બથવાર, કિશોરભાઈ મકવાણા, દેવજીભાઈ બાવળવા, સોમાભાઈ રાઠોડ, દાનજીભાઈ સોલંકી, કેશવભાઈ મકવાણા, મનુભાઈ ચૌહાણ, રમેશભાઈ પરમાર, કાન્તીભાઈ ચૌહાણ, વિપુલભાઈ વાઘેલા, ઈમ્તિયાઝભાઈ કુરેશી, સિકંન્દરભાઈ જોખીયા, જાકિરભાઈ સંધી અને નરેન્દ્રભાઈ સોલંકી સહિતના અસંખ્ય આગેવાનો ઉપસ્થિત રહી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો
આ પણ વાંચો: જંગલેશ્વરમાં બુલડોઝર નીચે કચડાયાં ગરીબોનાં સપનાં, હજારો પરિવારો બેઘર









