ગુજરાત સરકારે નોકરીના કલાકો 9 થી વધારીને 10 કરી દીધાં

ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા 'વિકાસ' ના બહાને મજૂરોના કામના કલાકો 9થી વધારીને 10 કર્યા છે.
Gujarat government increases working hours

ગુજરાત વિધાનસભામાં આજે રાજ્ય સરકારે ‘ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા બિલ’ બહુમતીના જોરે પસાર કરી દીધું, જેમાં શ્રમના કલાકો 9 થી વધારીને 10 કરી દીધાં છે. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ શબ્દનો પ્રયોગ કરીને વાસ્તવમાં મજદૂરોના પાયાના અધિકારો પર કાતર ફેરવી દેવામાં આવી છે. સરકારનો દાવો છે કે આનાથી ઉત્પાદકતા વધશે, પણ પ્રશ્ન એ છે કે શું આ ઉત્પાદકતા શ્રમિકોના લોહી-પરસેવાના ભોગે આવશે?

કામના કલાકોની માયાજાળ, મજૂરોનું શોષણ થશે?

બિલમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દો દૈનિક કામના કલાકોનો છે. અત્યાર સુધી શ્રમિકો માટે 9 કલાકની મર્યાદા હતી, જેને વધારીને હવે 10 કલાક કરી દેવામાં આવી છે. આ માત્ર એક કલાકનો વધારો નથી, પરંતુ શ્રમિકના અંગત જીવન પર મોટો ફટકો છે. જો કોઈ વ્યક્તિ 10 કલાક ઓફિસ કે ફેક્ટરીમાં વિતાવે અને આવવા-જવાના સરેરાશ 2 કલાક ગણીએ, તો તેના દિવસના 12 કલાક માત્ર કામ પાછળ ખર્ચાય છે. આ ઉપરાંત, સળંગ કામના કલાકો પણ 5થી વધારીને 6 કરી દેવાયા છે. એટલે કે, હવે શ્રમિકે વિરામ લીધા વગર વધુ સમય સુધી મશીનની જેમ કામ કરવું પડશે. આ ફેરફાર સીધો ઉદ્યોગપતિઓને ફાયદો કરાવે છે, કારણ કે તેઓ ઓછા સ્ટાફ પાસે વધુ કલાકો કામ કરાવી શકશે.

આ પણ વાંચો: કામના કલાકોમાં વધારો કોના ઈશારે કરાયો, ઉદ્યોગપતિઓના?

ઓવરટાઈમની રમત: નફો માલિકનો, થાક મજૂરનો

સરકારે ત્રણ મહિનાના ઓવરટાઈમની મર્યાદા 125 કલાકથી વધારીને 144 કલાક કરી છે. આ સુધારા પાછળની દલીલ એવી છે કે તેનાથી ઉત્પાદકતા વધશે અને શ્રમિકોની આર્થિક સુખાકારી વધશે. પરંતુ સત્ય એ છે કે, ઓવરટાઈમ વધારવાથી ઉદ્યોગપતિઓને નવી ભરતી કરવાની જરૂર રહેશે નહીં. બેરોજગારીના આ સમયમાં નવા યુવાનોને નોકરી આપવાને બદલે છે તે જ કર્મચારીઓ પાસે વધુ કામ કરાવીને માલિકો પોતાનો નફો બમણો કરશે. શ્રમિકને મળતા ઓવરટાઈમના પૈસા તેના સ્વાસ્થ્યના ભોગે આવશે, જે લાંબે ગાળે સામાજિક અને શારીરિક નુકસાન પહોંચાડશે.

મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી

મહિલાઓને રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપવા પાછળ મહિલા સશક્તિકરણનું ગાણું ગાવામાં આવ્યું છે. સરકારે માલિકો પર સુરક્ષા, પરિવહન અને અલગ શૌચાલય જેવી જવાબદારીઓ નાખી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં હજુ પણ અનેક નાની સંસ્થાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. મહિલાઓની સુરક્ષા માટેની આ શરતોનું પાલન કેટલું થશે તે મોટો પ્રશ્ન છે. આ જોગવાઈથી ઉદ્યોગપતિઓને રાત્રિ પાળીમાં સસ્તું સ્ત્રી શ્રમબળ ઉપલબ્ધ થશે, જ્યારે સુરક્ષાની જવાબદારીમાં છટકબારીઓ શોધવાનું પણ તેમના માટે સરળ બની જશે.

આ પણ વાંચો: ભારતમાં 4 નવા શ્રમ કાયદા લાગુ, જાણો તેનાથી શું શું બદલાયું

ઉદ્યોગોને મનમાની કરવાની છૂટ આપી દેવાઈ!

આ બિલમાં 20થી વધુ કર્મચારી ધરાવતી સંસ્થાઓને આવરી લેવામાં આવી છે, જેનો અર્થ છે કે ગુજરાતના મોટાભાગના મધ્યમ અને મોટા ઉદ્યોગોને હવે મનમાની કરવાની છૂટ મળી ગઈ છે. જ્યારે વિધાનસભામાં વિપક્ષ દ્વારા લાઈવ પ્રસારણની માગ સાથે હોબાળો થતો હતો, ત્યારે સરકારે ચર્ચાના નામે બહુમતીના જોરે આ બિલ પસાર કરી દીધું. સ્પષ્ટ છે કે, સરકાર હવે કલ્યાણકારી રાજ્યને બદલે કોર્પોરેટ જગતના એજન્ટ તરીકે કામ કરી રહી હોય તેમ લાગે છે, જ્યાં શ્રમિકોના હિતોને ઉદ્યોગપતિઓના નફા નીચે દબાવી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, વિપક્ષે આ મામલે માત્ર પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: ભારતમાં બંધુઆ મજૂરોમાં 100 ટકા SC, ST અને OBC

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x