14મી એપ્રિલે ગુજરાતના દલિતો 14 મુદ્દાનું માંગણીપત્ર રજૂ કરશે

ગુજરાતનો દલિત સમાજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ 14 મુદ્દાઓનું વિસ્તૃત માંગણીપત્ર રજૂ કરી ન્યાય માંગશે.
Gujarats Dalits to present fourteen point demand

અમદાવાદ: ગુજરાતમાં દલિત સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચારોમાં સરકાર જે રીતે ઢીલું વલણ દાખવી રહી છે, તેને લઈને દલિત સમાજમાં ભારે રોષ વ્યાપેલો છે. ત્યારે 14મી એપ્રિલે ગુજરાતના દલિતો કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ 14 મુદ્દાઓનું વિસ્તૃત માંગણીપત્ર રજૂ કરી ન્યાય માંગશે.

એ રીતે ભારતીય બંધારણના શિલ્પી, અર્થશાસ્ત્રી અને સામાજિક ન્યાયના મહાન યોદ્ધા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આગામી 14મી એપ્રિલે ઉજવવામાં આવનારી જન્મજયંતિ આ વર્ષે માત્ર એક ઉત્સવ કે ઉજવણી બનીને નહીં રહે, પરંતુ તે હકોના રક્ષણ માટેનું એક સબળ આંદોલન બનશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ દલિત સમાજના સર્વાંગી ઉત્થાન, સુરક્ષા અને સમાનતા માટે 14 મુદ્દાઓનું એક વ્યાપક માંગણીપત્ર રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હકપત્રક માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર (અમદાવાદ) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે દલિત સમાજની પ્રવર્તમાન સામાજિક-આર્થિક પરિસ્થિતિ અને કાયદાકીય અવરોધો પર ઊંડો પ્રકાશ પાડે છે.

કાંતિલાલ પરમારે તૈયાર કરેલા માગણીપત્રકમાં શું છે?

આ માંગણીપત્રમાં સૌથી મહત્વનો મુદ્દો દલિતો પર વધતા અત્યાચારોનો છે. માંગ કરવામાં આવી છે કે ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ’નો માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક રીતે કડક અમલ થવો જોઈએ. ગંભીર અત્યાચારના કિસ્સામાં પીડિતોને આર્થિક સહાય ઉપરાંત નિયમ 15 મુજબ સંપૂર્ણ પુનઃવસન આપવું અનિવાર્ય છે. ગ્રામીણ વિસ્તારોમાં દલિત સરપંચોને ભેદભાવમુક્ત વાતાવરણમાં સ્વતંત્ર રીતે વહીવટ કરવાની સુરક્ષા આપવી અને જે દલિત આગેવાનોએ હક્કો માટે લડત આપી છે તેમની સામેના ખોટા કેસો તાત્કાલિક પાછા ખેંચવા સરકારને આગ્રહ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાજપના મંત્રીએ કહ્યું, ‘ગાયનું દૂધ બુદ્ધિશાળી બનાવે છે, ભેંસનું ભ્રષ્ટ’

દલિતોને ફાળવેલી જમીનો હજુ પણ કાગળ ઉપર

દાયકાઓથી દલિત પરિવારોને કાગળ પર ફાળવેલી જમીનો હજુ પણ કબ્જા વિહોણી છે. આ હકપત્રકમાં સ્પષ્ટ માંગ છે કે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ચલાવીને દલિત પરિવારોને તેમની જમીનનો વાસ્તવિક કબજો અપાવવામાં આવે. આર્થિક મોરચે, અનુસૂચિત જાતિ પેટા યોજના (SCP) હેઠળ વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે અને તે રકમ અન્ય હેતુઓ માટે ડાયવર્ટ ન થાય તેની કાયદેસરની ખાતરી માંગવામાં આવી છે. નવા ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ માટે દલિત યુવાનોને સરળ શરતો પર સબસિડીવાળી લોન પૂરી પાડીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.

વિદેશ અભ્યાસની લોન અને શિષ્યવૃત્તિમાં વધારો કરો

શિક્ષણ એ પ્રગતિની ચાવી છે, પરંતુ વધતી જતી ખાનગીકરણની પ્રક્રિયામાં દલિત વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તે માટે વિદેશ અભ્યાસની લોન અને શિષ્યવૃત્તિમાં ધરખમ વધારો કરવાની માંગ છે. વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં દલિત વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધા સજ્જ આધુનિક હોસ્ટેલ્સ બનાવવાની માંગણી પણ મુખ્ય છે. સરકારી ક્ષેત્રમાં વર્ષોથી ખાલી પડેલી બેકલોગની હજારો જગ્યાઓ તાત્કાલિક વિશેષ ભરતી ઝુંબેશ દ્વારા ભરવી જોઈએ. ખાનગી ક્ષેત્રમાં પણ દલિતોને પ્રતિનિધિત્વ મળે અને સરકારી ટેન્ડરોમાં દલિત કોન્ટ્રાક્ટરો માટે અનામતની જોગવાઈ કરવી એ આર્થિક લોકશાહી તરફનું મોટું ડગલું ગણાશે.

આ પણ વાંચો: જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

ગટરમાં ઉતરીને થતી સફાઈ પર સંપૂર્ણ પ્રતિબંધ

ગુજરાતમાં આજે પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ જેવી કુપ્રથા જીવંત છે. આ પ્રથાને જડમૂળથી નાબૂદ કરી ગટર અને સફાઈના કામમાં 100% ટેકનોલોજીનો ઉપયોગ થાય અને સફાઈ કામદારોને આરોગ્ય વીમો તથા સુરક્ષા કીટ મળે તે મુદ્દો પણ માંગણીપત્રમાં અગ્રસ્થાને છે.

કાંતિલાલ પરમારે જણાવ્યું હતું કે, બંધારણીય અધિકારો માટેની આ લડત એ કોઈ પક્ષ સામે નથી પણ વ્યવસ્થા સામે છે. 14મી એપ્રિલે દલિત સમાજ એકજુથ થઈને આ હકપત્રક દ્વારા સરકારને જગાડવાનું કામ કરશે. સાચા અર્થમાં ડૉ. બાબાસાહેબના વિચારોના ભારતનું નિર્માણ ત્યારે જ થશે જ્યારે સમાજના છેવાડાના માણસને સુરક્ષા અને સન્માન મળશે.

આ પણ વાંચો: BSP ને છેલ્લાં 19 વર્ષથી 20 હજારથી વધુનું દાન નથી મળ્યું!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x