ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13 થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે 30 જૂન સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. એ મુજબ કચ્છમાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. આવતીકાલ 30 જૂને 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
1-2 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ, જ્યારે 4 જુલાઈના રોજ ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આ પણ વાંચો: ‘તું દલિત છે, બગીમાં બેસીને નીકળ્યો તો ગોળી મારી દઈશું’
નર્મદા ડેમની જળ સપાટી વધી, ૧૮ જળાશયો હાઇએલર્ટ પર
ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં ૨૦૬ જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને ૪૬.૨૧ ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના ૧૩ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ ૧૮ જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ ૨૦૨૪માં ૨૮ જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર ૩૮.૨૪ ટકા હતું. સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પણીની આવક વધી છે. ઉપરવાસમાંથી ૫૪૦૩૨ ક્યુસેક પાણીની આવક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવાનીરની આવક થઈ હતી. હાલમાં નર્મદા ડેમની સપાટી ૧૧૮.૦૮ મીટર છે. પાણી આવક થતા સીએચપીએચ ૧ અને આરબીપીએચના ૪ પાવર હાઉસ ચાલુ થયા હતા. પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થઈ હતી. નર્મદાની મેન કેનાલમાં ૧૨૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ ની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.
રાજ્યના અનેક જળાશયો 100 ટકા ભરાઈ ગયા
મળતી માહિતી અનુસાર ગુજરાતના જે જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બોગાડ, બોટાદના ગોમા-ભીમાદ, દાહોદના કાલી-૨, જામનગરના વાગોડિયા, કચ્છના કાલાઘોઘા, સુરેન્દ્રનગરના વાંસલ-લીમ ભોગાવો ૧-સુબરી, તાપીના દોસવાડાનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે ૩૧ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૩૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા, ૫૯ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૮ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછું છે.
પ્રદેશ પ્રમાણે જોવામાં આવે તો, સૌરાષ્ટ્રમાંથી ૧૦, મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત-કચ્છમાંથી ૧-૧ જળાશય સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ ૧૬,૪૬૫૦ મિલિયન ક્યુબિક છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૯.૨૮ ટકા જેટલી છે.
અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો
અમદાવાદમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૨૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા ૧૦ વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ છે. વર્ષ ૨૦૨૪માં ૨૮ જૂન સુધી અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૪.૭૪ ટકા વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: પાટણવાડા વણકર સમાજે લગ્નમાં DJ-વરઘોડા પર પ્રતિબંધ મૂક્યો
અમદાવાદ જિલ્લામાંથી હાલ અમદાવાદ શહેરમાં સરેરાશ ૮ ઈંચ સાથે ૨૭ ટકા વરસાદ નોંધાયો છે. વર્ષ ૧૯૯૫થી ૨૦૨૪ એમ ૩૦ વર્ષની સરેરાશ જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસામાં ૩૨ ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે. ૨૧ જૂનના એટલે કે એક અઠવાડિયા પહેલા અમદાવાદમાં સરેરાશ ૧૬ ટકા વરસાદ નોંધાયો હતો. આમ એક જ અઠવાડિયામાં સિઝનનો વધુ ૧૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૪ અમદાવાદ શહેરમાં સિઝનનો સરેરાશ માત્ર ૫ ટકા વરસાદ હતો. જેની સરખામણીએ અત્યારે પાંચ ગણો વધુ વરસાદ છે.
અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકામાં સૌથી વધુ વરસાદ
હાલની સ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સૌથી વધુ ૩૭ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અહીં અત્યાર સુધી ૧૦.૯૨ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધોળકા અને ધોલેરામાં સિઝનનો સૌથી વધુ ૩૦ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ધોળકામાં ૮.૬૨ ઈંચ અને ધોલેરામાં ૮.૧૮ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સાણંદમાં હજુ સુધી સિઝનનો સૌથી ઓછો ૧૩.૨૧ ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ૧૦ વર્ષની વાત કરવામાં આવે તો અગાઉ ૨૮મી જૂન સુધી ૨૦૧૫માં સૌથી વધુ ૧૮ ટકા વરસાદ નોંધાયો હતો. હાલ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખૂશી વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસામાં સિઝનનો સરેરાશ ૧૧૨ ટકા વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ