કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મોદી સરકાર અને વિશ્વ હિંદુ પરિષદ પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્દ્રનીલે કહ્યું કે, મોદી સરકારના રાજમાં સૌથી વધુ ગાયનું માંસ એક્સપોર્ટ થાય છે. તેમણે વિશ્વ હિંદુ પરિષદને ગુંડા ટોળકી ગણાવીને તેને નકલી હિંદુ સંગઠન અને ભાજપની બી ટીમ ગણાવીને આકરી ઝાટકણી કાઢી હતી.
આખો મામલો રાજકોટમાં ગઈકાલે દશેરાના તહેવાર નિમિત્તે રેસકોર્સ ખાતે આયોજિત રાવણ દહન કાર્યક્રમ સાથે જોડાયેલો છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને તેમના નામની પાછળ ‘ખાન’ લગાવવા કહ્યું હતું. એ પછી ઇન્દ્રનીલ રાજગુરુએ VHP અને ભાજપ પર આકરા અને ગંભીર પ્રહારો કર્યા હતા. તેમણે VHPને ગુંડા ટોળકી, ‘ભાજપની બી ટીમ’ અને ‘નકલી હિન્દુ નેતાઓ’ કહ્યા હતા.
ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે, આ એક ગુંડા ટોળકી છે. આ લોકોનું હિન્દુત્વ ફક્ત રાજકીય સ્વાર્થ પૂરતું સીમિત છે. આ VHPની ટોળકી ભાજપના ઈશારે ચાલે છે. આ ભાજપની બી ટીમ છે, જે ઉઘરાણાં કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલું જ નહીં, આ ટોળકી ગાયોના નામે લોકો પાસેથી પૈસા ઊઘરાવે છે.
આ પણ વાંચો: દલિત યુવકને લાકડી-દંડાથી માર મારી જાતિવાદીઓએ પતાવી દીધો
ગૃહમંત્રી મુસ્લિમો સાથે દાંડીયા રમે ત્યારે કેમ કંઈ બોલતા નથીઃ ઈન્દ્રનીલ
ઇન્દ્રનીલ રાજગુરુએ VHPની નીતિઓમાં રહેલાં બેવડાં ધોરણો પર સવાલ ઉઠાવતાં પૂછ્યું કે આ ટોળકી માત્ર અમુક વ્યક્તિઓ પર જ નિશાન કેમ સાધે છે? જ્યારે ગૃહમંત્રી કોઈ મુસ્લિમ સાથે દાંડિયારાસ લે છે તો તેમને કેમ કહેવા ગયા નહીં? મોહન ભાગવત જ્યારે એમ કહે છે કે મુસ્લિમો સાથે સંકલનથી રહેવું જોઈએ, ત્યારે તેમને કેમ કંઈ કહેવા જતા નથી? જ્યારે વડાપ્રધાન મોદી કહે છે કે મુસ્લિમોને સમાનતાનો અધિકાર મળવો જરૂરી છે, ત્યારે શું આ ટીમ મોદીને ‘ખાન’ કહેશે? આ ટોળકી ફક્ત ભાજપને અનુકૂળ હોય એવા મુદ્દાઓ પર નિવેદનો કરીને રાજકારણ ગરમાવે છે.
મુસ્લિમ નામ રાખી અનેક હિન્દુઓ ગૌમાંસની પેઢીઓ ચલાવે છેઃ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ
ઇન્દ્રનીલ રાજગુરુએ ગૌ-રક્ષાના મુદ્દે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું હતું કે હાલ મોદી સરકારમાં સૌથી વધુ ગૌ-માંસની નિકાસ થાય છે. ટોળકી ગાયોના નામે ઉઘરાણાં કરે છે પણ જ્યારે નિકાસની વાત આવે છે ત્યારે તેઓ મૌન રહે છે. મુસ્લિમ નામ રાખી હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે. જેઓ ગૌ-માંસને અહીંથી એક્સપોર્ટ કરવાનું કામ કરે છે. ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ કેમ કંઈ બોલતી નથી? સવાલો દ્વારા તેમણે ગૌ-રક્ષાના મુદ્દે પણ રાજનીતિ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
રાજગુરુએ વધુમાં દાવો કર્યો કે તેમણે આ ટોળકીની વાસ્તવિકતા અને ખોખલાપણાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીને મેં ખુલ્લી પાડીને નબળી પુરવાર કરી છે. આ ટોળકીને તકલીફ પડે ત્યારે આવાં નિવેદનો કરે છે. આ લોકોની વાસ્તવિકતા ગુજરાતની જનતા સામે આવી ગઈ છે અને તેમની પાસે કોઈ દમ નથી. આ સમગ્ર નિવેદનબાજીએ રાજકોટના સ્થાનિક રાજકારણથી લઈને રાજ્યના રાજકારણ સુધી ગરમાવો લાવી દીધો છે.
આ પણ વાંચો: ભીમ આર્મી ઉપાધ્યક્ષે ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવતા મનુવાદીઓનો હુમલો
વીએચપીના નેતાએ શું કહ્યું હતું?
આ વિવાદ ગાંધી જયંતિના દિવસે વીએચપીના નેતાએ કરેલા નિવેદન સાથે જોડાયેલો છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ ઇન્દ્નનીલ રાજ્યગુરુ અને જિજ્ઞેશ મેવાણી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, “જો આ નેતાઓને મુસ્લિમોથી પ્રેમ હોય તો તેની પાછળ ‘ખાન’ લગાવી દે. હિન્દુઓની જનસંખ્યા 100 કરોડ છે. જો તેમનામાં તાકાત હોય તો કાશ્મીર ઘાટી અને મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જઇને ચૂંટણી જીતી બતાવે. મુસ્લિમોએ જો તેમના મોહંમદને પૂજવા હોય તો મસ્જિદ અને તેના ઘરે પૂજે. લોકોને અડચણરૂપ બની અરાજકતા ફેલાવવાનું બંધ કરે. જો મુસ્લિમો અરાજકતા ફેલાવશે તો લાઠીઓ ખાવા તૈયાર રહે. ગોધરાકાંડ અને ત્યાર બાદની સ્થિતિ હજુ ભૂલ્યા નથી આવી ભૂલ ફરી ન કરતાં.”
આ પણ વાંચો: વીસનગરમાં આંબેડકર ભવનની જમીન પર હવે પાલિકા કચેરી બનશે!











Users Today : 1723