જો તમારું બાળક હોસ્ટેલમાં રહીને ભણે છે તો આ સમાચાર વાંચીને તમારે ચેતી જવાની જરૂર છે. અગાઉ અનેક હોસ્ટેલોમાં હલકટ ગૃહપતિઓ દ્વારા નિર્દોષ કિશોરોનું શોષણ કરવામાં આવતું હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક હોસ્ટેલના ગૃહપતિ અને આચાર્યે મળીને એક નિર્દોષ દલિત તરૂણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે.
ઘટના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામની જીવનશાળાની હોસ્ટેલની છે. જ્યાં હોસ્ટેલના ગૃહપતિએ હોસ્ટેલમાં રહેતા એક ૧૪ વર્ષના દલિત તરૂણની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. જેના વિશ્વાસે વાલીઓ પોતાના દીકરાને ભણવા માટે મૂકીને ગયા હતા તે ગૃહપતિએ જ તરૂણનું શોષણ કરતા સમાજમાં ચોતરફથી હલકટ ગૃહપતિ પર ફીટકાર વરસી રહ્યો છે. પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગૃહપતિ કિશન ગાગડીયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જસદણના આંબરડી ગામે આવેલ જીવનશાળાની હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે સગીરના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ૧૪ વર્ષના વિદ્યાર્થીએ ગૃહપતિ કિશન ગાગડિયા સામે લાજશરમ નેવે મૂકીને અત્યંત અભદ્ર વર્તન કર્યાનો આરોપ મૂક્યો છે. હલકટ ગૃહપતિ અમુક વિદ્યાર્થીઓને જર્જરિત રૂમમાં લઈ જઈને નિર્વસ્ત્ર કરાવી ન કરવાના કૃત્ય કરતો હતો.
આ પણ વાંચો: અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ, ગુજરાત સુધી દલિતો પર અત્યાચાર
આ અંગે વિદ્યાર્થીએ અગાઉ આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવાને બદલે એ પણ આ કૃત્યમાં સામેલ થઇ જતાં તરૂણે પોતાના વાલીને સમગ્ર બનાવથી વાકેફ કર્યા હતા અને આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જસદણ પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગૃહપતિની ધરપકડ કરી છે.
જસદણના આંબરડી ગામે જીવનશાળા સંસ્થાના હોસ્ટેલમાં ગૃહપતિ વિદ્યાર્થીઓને રૂમમાં બોલાવી ગંદી હરકતો કરતો હોવાથી આ બાબતે વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા આચાર્યને પણ રજૂઆત કરતા હોસ્ટેલમાં આવું જ ચાલશે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. સાથે ગૃહપતિ ૧૪ વર્ષના બાળકો સાથે વિકૃત સેક્સુઅલ હેરેસમેન્ટ કરતો હતો. સાથે વિદ્યાર્થી દ્વારા પોતાના વાલીને આ બાબતે ફોન કરીને હોસ્ટેલમાં આવી ગંદી હરકતો કરવામાં આવતી હોવાનું કહ્યું જેની ઓડિયો કલીપ સામે આવી હતી. સાથે વિદ્યાર્થીઓને અલગ જર્જરિત રૂમમાં બેસાડવામાં આવતા હોવાનો આક્ષેપ વાલીએ કર્યો હતો.
આ પણ વાંચો: દલિત યુટ્યુબરના ઘરમાં ટોળાંએ મળ-મૂત્ર ફેક્યું
જસદણ પોલીસે પોકસો, એન્ટ્રોસિટી, સહિતની કલમો હેઠળ ગૃહપતિ અને આચાર્ય સામે ફરિયાદ નોંધી ગૃહપતિ કિશન ગાગડીયાની ધરપકડ કરી છે. જ્યારે આચાર્યે તેની મદદ કરી હોવાથી તેની ધરપકડ પણ કરશે.
આ મામલે આચાર્ય રત્ના રાઘવાણીએ કહ્યું હતું કે, આ બાબતે હું કંઈ જાણતો નથી, મને ક્યારેય આવી કોઈ ફરિયાદ મળી નથી, મારું નામ બદનામ કરવા માટે લખાવ્યું હોઈ શકે છે.
આ પણ વાંચો: દલિત યુવતીની ગેંગરેપ બાદ હત્યા, ટોળાએ હોબાળો મચાવ્યો