ન્યાયી સીમાંકનનો આધાર પારદર્શિતા, પરામર્શ અને નિષ્પક્ષતા છે

તમિલનાડુના સીએમ સ્ટાલિને ફરી એકવાર સીમાંકન મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે ત્યારે શું છે સીમાંકનનો આ વિવાદ અને તેની શું અસર થઈ શકે છે તે સમજીએ.
How are the delimitation of constituencies determined?
How are the delimitation of constituencies determined?

ચંદુ મહેરિયા
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનની પહેલથી દેશના 37 વિપક્ષો સીમાંકનના મુદ્દે એકત્ર થયા છે. દક્ષિણના રાજ્યોએ વસ્તી નિયંત્રણના કાર્યક્રમોનો અસરકારક અમલ કરતાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે થતાં લોકસભા બેઠકોના સીમાંકનમાં તેમની બેઠકો ઘટવાની આશંકા છે. બેઠકો ઘટતાં કેન્દ્ર સરકારમાં તેમનો અવાજ નબળો પડશે તેથી તેઓ સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દક્ષિણના રાજ્યોની લોકસભા બેઠકો ઘટશે નહીં તેવું આશ્વાસન આપ્યું છે પરંતુ વિરોધ અટક્યો નથી. બંધારણીય જોગવાઈઓને અનુરૂપ બંધારણીય જરૂરિયાત એવા સીમાંકને આજકાલની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.

ગ્રામ પંચાયતથી લોકસભા સુધીના મત વિસ્તારોની સીમાઓની આંકણી એટલે સીમાંકન, પરિસીમન કે ડીલિમિટેશન. ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાના મતાનુસાર કોઈ દેશની સંસદ કે રાજ્યની વિધાનસભાના ચૂંટણી ક્ષેત્રોની સીમા નક્કી કરવાની પ્રક્રિયા એટલે સીમાંકન. ભારતમાં મત વિસ્તારનું સીમાંકન વસ્તીના આધારે થાય છે. સીમાંકનનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી દેશની વસ્તીમાં તેમની હિસ્સેદારી પ્રમાણે હોય. એક વ્યક્તિ એક મતનો સિધ્ધાંત સચવાય અને મતવિસ્તારો સમાન હોય.

આ પણ વાંચોઃ કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

બંધારણના આર્ટિકલ ૮૧માં લોકસભાની રચના પ્રક્રિયાની જોગવાઈ છે. તે પ્રમાણે રાજ્યોની વસ્તીના ધોરણે એક સમાન મતવિસ્તારોમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યોથી લોકસભા રચાશે. આર્ટિકલ ૮૨માં દર દાયકે થતી વસ્તી ગણતરી પછી વસ્તીના આધારે લોકસભાની કુલ બેઠકોની રાજ્યોમાં વહેંચણી કરવાની અને તે પ્રમાણે મતવિસ્તારોનું સીમાંકન કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૭૦માં રાજ્યોની વિધાનસભાઓની પણ આ જ ધોરણે રચના થશે. જ્યારે અનુચ્છેદ ૩૩૦ અને ૩૩૨માં અનુસૂચિત જાતિ, જનજાતિઓ માટેની અનામત બેઠકોની જોગવાઈ છે.

જુદા જુદા વરસોના ચાર ડીલિમિટેશન એકટ પ્રમાણે દેશમાં ચાર વખત લોકસભા બેઠકોનું સીમાંકન થયું છે. ૧૯૫૨, ૧૯૬૩, ૧૯૭૩ અને ૨૦૦૨માં સીમાંકન થયું હતું. સીમાંકન માટે અલગ સીમાંકન આયોગ નામક બંધારણીય સંસ્થાની રચના કરવાની હોય છે. તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ બની શકે છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કે તે નક્કી કરે તે ઈલેકશન કમિશનર, સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત તેમાં એસોસિએટ મેમ્બર તરીકે નિષ્ણાતો કે લોકસભા-ધારાસભાના પાંચ-પાંચ સભ્યોની નિમણૂક કરવાની હોય છે.

આ પણ વાંચોઃ શું લોકશાહીમાં નાગરિક જેમ ન્યાયધીશને પણ અસંમતિનો હક છે?
આ કમિશન વસ્તીગણતરીના અધિકૃત આંકડા સાથે દેશ અને રાજ્યના ચૂંટણી કમિશન સાથે મળીને મત વિસ્તારોની સીમા અને બેઠકોની સંખ્યા નક્કી કરે છે. સીમાંકનની કામગીરી સંપૂર્ણ પારદર્શિતાથી, રાજકીય પક્ષો અને લોકો સાથેના પરામર્શનથી અને પૂર્ણ તટસ્થતાથી કરવાની હોય છે. સીમાંકન આયોગ જે બેઠકોની સંખ્યા નક્કી કરે અને મત વિસ્તારોની જે હદ આંકે તે ફાઈનલ ગણાય છે. તેને કોઈ કોર્ટમાં પડકારી શકાતી નથી. સંસદ અને વિધાનગૃહોમાં સીમાંકન આયોગનો અહેવાલ તો રજૂ થાય છે પરંતુ તેના પર કોઈ ચર્ચા કરી શકાતી નથી. આ પ્રકારની જોગવાઈને કારણે સીમાંકન આયોગનું કામ ખૂબ જ કઠિન અને સર્વોપરી છે.

૧૯૫૧, ૧૯૬૧ અને ૧૯૭૧ના દાયકે થયેલી વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન આયોગની રચના થઈ હતી અને બેઠકોની સંખ્યા નક્કી થઈ હતી. ૧૯૫૨માં લોકસભાના સભ્યોની કુલ સંખ્યા ૪૯૪ હતી. તે પછી ૧૯૬૨માં ૫૨૨ હતી. અને ૧૯૭૩માં ૫૪૩ થઈ. ૧૯૬૦માં ગુજરાતના અલગ રાજ્યની રચના થયા બાદની ૧૯૬૨ની ચૂંટણીમાં રાજ્યમાં લોકસભાની બેઠકો ૨૨ હતી. જે વસ્તીના વધારા સાથે ૧૯૬૭માં ૨૪ અને ૧૯૭૭માં ૨૬ થઈ હતી. ગુજરાત વિધાનસભાની સીટો ૧૯૬૨માં ૧૫૪, તે પછી ૧૬૮ અને ૧૯૭૫થી ૧૮૨ છે.

આ પણ વાંચોઃ તરુણોના Social Media ઉપયોગ પર બંધીના વખાણ અને વિરોધ

લોકસભાની કુલ બેઠકો ૫૪૩ અને ગુજરાત વિધાનસભાની બેઠકો ૧૮૨ છેલ્લા પચાસ વરસોથી સ્થિર છે અને વસ્તી વૃધ્ધિ છતાં તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ બંધારણ સુધારા મારફતે ભારત સરકારે તેમાં કોઈ વધારો ન કરવાનો કરેલો નિર્ણય છે. ૧૯૭૬માં આંતરિક કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પચીસ વરસો માટે (૨૦૦૦ સુધી) લોકસભાની બેઠકોમાં ફેરફાર ના કરવા બેતાળીસમો બંધારણ સુધારો કર્યો હતો. એ વખતે એવું કારણ આગળ ધર્યું હતું કે જે રાજ્યોએ કુટુંબ નિયોજન કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડ્યા છે તેમની બેઠકો ઘટે નહીં અને વસ્તી વધારાને રોકી શકાય તે માટે આ જરૂરી છે.

૨૦૦૧માં ૮૪મા બંધારણ સુધારાથી અટલ બિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળની એન ડી એ સરકારે વળી બીજા પચીસ વરસો સુધી એટલે કે ૨૦૨૫ સુધી લોકસભાની ૫૪૩ બેઠકો યથાવત રાખવાનો નિર્ણય કર્યો. હવે ૨૦૨૫માં નવો સીમાંકન એકટ અને આયોગ રચવાનાં છે. આ દાયકાના આરંભે થનારી વસ્તી ગણતરીના કોઈ અણસાર જણાતા નથી પરંતુ તેના આધારે થનારા સીમાંકન અને બેઠકોમાં વધારા-ઘટાડાની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચોઃ Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા

How are the delimitation of constituencies determined

દક્ષિણના રાજ્યોની દલીલ છે છે કે ઉત્તર ભારતની તુલનામાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે સીમાંકન થાય તો તેમને નુકસાન થવાની અને બેઠકો ઘટવાની વાતમાં દમ છે. વળી તેમની બેઠકો ઘટવા કરતાં ઉત્તરની બેઠકો વધતાં સત્તા સંતુલનમાં તેમની ભૂમિકા સાવ નામશેષ થઈ જવાનો ડર પણ છે. તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા, કર્ણાટક અને કેરળ એ પાંચ દક્ષિણ ભારતીય રાજ્યોની કુલ બેઠકો હાલમાં ૧૨૯ કે લોકસભાની કુલ બેઠકોમાં ૨૪ ટકા છે. ઉત્તરના મોટા રાજ્યોની બેઠકો ૧૭૪ કે ૩૨ ટકા છે. હવે જો વસ્તી વૃધ્ધિને ધ્યાનમાં લઈ બેઠકોની વહેંચણી થાય તો એકલા ઉત્તરપ્રદેશ અને બિહારની બેઠકો જ વધીને કુલ બેઠકોના ૩૦ ટકા અને દક્ષિણના પાંચ રાજ્યોની ઘટીને ૧૯ ટકા થશે. એટલે દક્ષિણ ભારતના રાજકીય પક્ષો સીમાંકન ૩૦ વરસો સુધી ટાળવાની માંગ કરી રહ્યા છે.

દુનિયાના અન્ય લોકશાહી દેશો પૈકી અમેરિકામાં ૭ લાખની વસ્તીએ એક અને યુ.કેમાં ૧ લાખની વસ્તીએ ૧ એમ.પી. છે. જ્યારે ભારતમાં આશરે પચીસ લાખે એક એમ.પી. છે. વળી તેમાં પણ ભિન્નતાછે. કેરળમાં ૧૭ લાખે, રાજસ્થાનમં ૩૩ લાખે અને લક્ષદીપમાં ૫૦ હજારે એક એમ.પી છે. આ વિસંગતતા ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે પણ છે.

આ પણ વાંચોઃ ગટર-જાજરૂ સફાઈના કામને કેમ ટોક્સિક વર્ક કલ્ચરમાં ગણતા નથી?

સીમાંકનની બંધારણીય જરૂરિયાતનો રાજકીય પક્ષો પોતાના ફાયદા કે હિત માટે ઉપયોગ કરતા હોય છે. સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધીશના નેતૃત્વમાં બંધારણીય સંસ્થા એવું ડીલિમિટેશન કમિશન સત્તા પક્ષની કઠપૂતળી બની સીમાંકન કરે છે તેવી ફરિયાદ આજના સત્તા પક્ષો જ્યારે વિપક્ષો હતા ત્યારે અને વિપક્ષો જ્યારેક સત્તા પક્ષો હતા ત્યારે કરતા રહ્યા છે. પોતાની વોટ બેન્કને એક તરફ કરતું અને વિરોધી વોટ બેન્કને વિભાજિત કરતું સીમાંકન થતું રહ્યું છે.એટલે આઝાદીના પંચોતેર વરસો પછી લોકતંત્રની મજબૂતી માટે પરામર્શન, પારદર્શિતા અને નિષ્પક્ષતાના આધારે સીમાંકન થાય તે દેશહિતમાં છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચોઃ મારો ન્યાય, સરળ અને સમજાય તેવી મારી ભાષામાં કયારે?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x