ભારતનું બંધારણ કેવી રીતે તૈયાર થયું?

ભારતનું બંધારણ કેવી રીતે તૈયાર થયું તેનો રસપ્રદ ઈતિહાસ જાણીતા બહુજન વાર્તાકાર ધરમશી પરમાર અહીં વિસ્તારથી સમજાવે છે.
Constitution of India
ધરમશી પરમાર

ભારતનું બંધારણ(Constitution of India) કેવી રીતે તૈયાર થયું તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ભારત દેશ અંગ્રેજ હકુમતથી આઝાદ થયો તે પૂર્વે ઈ.સ. ૧૬૦૦માં એલિઝાબેથ પ્રથમના ચાર્ટર એકટ દ્વારા ભારતમાં અંગ્રેજોની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ને વ્યાપાર કરવાનો પરવાનો પ્રાપ્ત થયો હતો. ઈ.સ. ૧૭૬૫માં આ કંપનીને બંગાળ, બિહાર, અને ઉડીસામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ. આ સાથે જ હિન્દુસ્તાન પર અંગ્રેજોના અપ્રત્યક્ષ શાસનની શરૂઆત થઈ.

ભારતને આઝાદ થવાની વાત અને પોતાનું શાસન ચલાવવાની ચર્ચાએ જયારે જોર પકડયું ત્યારે દેશ કેવો બનાવવો? અને દેશનો નાગરિક કેવો હોવો જોઈએ? તે પર ચર્ચાઓ ચાલી. કેટલાક સમજુ, ડાહ્યા અને વિદ્વાન માણસોની સૂઝ, સમજથી બંધારણસભા અને બંધારણ સમિતિની રચના થઈ. ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા શબ્દદેહ પામેલા ભારતીય સંવિધાનનો તા. 26 નવેમ્બર 1949 ના રોજ ભારત સરકાર દ્વારા સ્વીકાર થયો. 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું. ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું.

આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં

આ બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના કરતાં સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના નિર્માણ સમયે ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો, અને ૮, અનુસૂચિઓ હતી. સાર્વભૌમ લોકતાંત્રિક રાષ્ટ્રનું બંધારણ ઘડવાની કામગીરી સામાન્ય રીતે તેનું પ્રતિનિધિત્વ ધરાવતી કોઈ સંસ્થા કરતી હોય છે. બંધારણ વિશે વિચારણા કરવા અને તેને અપનાવવા માટે પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓથી રચાયેલી સભા બંધારણ સભા તરીકે ઓળખાય છે.

ઈ.સ. ૧૯૨૭માં એક પણ ભારતીય પ્રતિનિધિ વિનાના સાયમન કમિશનની રચના થઈ હતી. સાયમન કમિશનની નિષ્ફળતા અને ભારતવાસીઓની માંગ સંતોષવા ઘડાયેલા “ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ” ગોળમેજી પરિષદ પછી ભારતીય પ્રજાની બંધારણ સભા માટેની માગણી બળવતર બની હતી. બહારની કોઈપણ સત્તાએ લાદેલું કોઈપણ બંધારણ ભારતને સ્વીકાર્ય રહેશે નહી. બંધારણ પુખ્ત મતાધિકારના ધોરણે ભારતની પ્રજાએ ચૂંટેલી ભારતવાસીઓની જ બંધારણ સભાએ ઘડેલું હોવું જોઈએ. આવો ઠરાવ કોંગ્રેસની લખનૌની બેઠકમાં પસાર થયો હતો.

Constitution of India

શ્રીમતી એની બેસન્ટની પહેલથી ઈ.સ. ૧૯૨૨માં જ કેન્દ્રીય વિધાનતંત્રના બંન્ને ગૃહોના સભ્યોની સંયુક્ત બેઠક સીમલા ખાતે મળી હતી. તેમાં બંધારણની રચના માટે એક સંમેલન બોલાવવાનો નિર્ણય થયો. ઈ.સ. ૧૯૨૮માં કોંગ્રેસ કારોબારી સમિતિમાં થયેલ ઠરાવ નહેરુ રિપોર્ટ તરીકે પ્રખ્યાત થયો. જે દેશ માટે પૂર્ણ બંધારણ ઘડવાનો પ્રથમ પ્રયાસ હતો. જે રાષ્ટ્રવાદી લોકમતની ભૂમિકા તેમજ સંસ્થાનિક દરજ્જાના સિધ્ધાંત પર બનાવેલ હતો. વિભિન્ન અધિનિયમોના ક્રમિક સુધારા દ્વારા બંધારણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જેના કેટલાક મુસદ્દાઓનો સંવિધાનમાં સ્વીકાર કરવામાં આવેલો.

આ પણ વાંચો: BJP નેતાએ લખ્યું, ‘બાબાસાહેબે નહીં B N રાવે બંધારણ ઘડ્યું?’

સંવિધાનમાં ભારત સરકારના સંસદીય સ્વરૂપનું માળખું તૈયાર કરવામાં આવ્યું. જેમાં કેન્દ્રની સર્વોચ્ય સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. બંધારણની કલમ- ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ જે લોકો દ્વારા સીધા ચૂંટાયેલ સંસદોની લોકસભા અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્યસભા છે. સંવિધાનમાં એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે, એક મંત્રીમંડળ હશે. જેના પ્રમુખ વડાપ્રધાન હશે. રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરશે. ભારતના દરેક રાજ્યમાં એક વિધાનસભા અથવા તો ધારાસભા હશે. રાજ્યમંત્રી મંડળના વડા મુખ્યમંત્રી અને રાજ્યપાલ એ રાજ્યના વડા હશે. વિધાનસભા કે ધારાસભા દ્વારા સભામાં જે ઠરાવો થાય તે મુજબ સરકાર કાર્ય કરશે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નિમવામાં આવશે. જેની જવાબદારી સભાનું સંચાલન કરવાની રહેશે. અને તે કોઈ કારણોસર કોઈપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભા કે ધારાસભામાંની બેઠકમાં પ્રતિબંધિત પણ કરી શકે છે.

બંધારણની રચના માટે પુખ્ત મતાધિકારના પાયા ઉપર થયેલી ચૂંટણી જ સંતોષજનક રીત હતી. તે મુજબ તાત્કાલીક સંજોગોમાં સૌથી ઉચિત અને વ્યવહારુ યોજના તરીકે બંધારણ ઘડવા માટેની સંસ્થામાં પ્રાંતોનું વસતિના ધોરણે પ્રતિનિધિત્વ આશરે દસ લાખે એક સભ્યના પ્રમાણમાં રાખવાની અને પ્રાંતોને ફાળવવામાં આવેલી બેઠકો. આ હેતુ માટે વર્ગીકૃત કરેલા શીખો, મુસ્લિમો અને સાધારણ બેઠકો મુખ્ય કોમો વચ્ચેની તેમની સંખ્યાની તાકાતના આધારે વહેંચી આપવાની ભલામણ કરી હતી. દરેક કોમના પ્રતિનિધિઓ પ્રાંતિય વિધાનસભાના તે કોમના સભ્યોથી પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર ક્રમિક મત પધ્ધતિથી ચૂંટવાના હતા. દેશી રજવાડાઓને ફાળવાયેલા સભ્યોની સંખ્યા પણ બ્રિટિશ – ભારત માટે અપનાવેલા વસતિના તે જ પોરણે નકકી કરવાની હતી.

બ્રિટિશ શાસને બનાવેલ ઈ.સ. ૧૯૩૫ના “ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ” બાદ રાષ્ટ્રીય આંદોલનની સાથે જ બંધારણની રચનાની પ્રક્રિયા અપ્રત્યક્ષરૂપે આગળ વધતી રહી. આ એકટને ભારતીય સંવૈધાનિક વિકાસના અંતિમ ચરણ તરીકે જોવામાં આવે છે. જેમાં બ્રિટિશ હકૂમત હેઠળના પ્રદેશો તથા દેશી રજવાડાંના બનેલા ભારતીય મહાસંધ અથવા અખિલ ભારતની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી. આ અધિનિયમ અંતર્ગત પ્રાંતોમાં દ્વિશાસનનો અંત કરવામાં આવ્યો તથા પ્રાંતિય સ્વાયતતાની શરૂઆત કરવામાં આવી.

આ પણ વાંચો: ભારતમાં 4 નવા શ્રમ કાયદા લાગુ, જાણો તેનાથી શું શું બદલાયું

ઈ.સ. ૧૯૩૪માં કોંગ્રેસે શ્વેતપત્ર દ્વારા વયસ્ક મતાધિકાર અને બંધારણસભાની રચનાની માંગ કરી. ઈ.સ. ૧૯૪૦માં તત્કાલીન વાઈસરોય લોર્ડ લિનલિથગોએ વિશ્વયુધ્ધ બાદ બંધારણસભાના નિર્માણની ખાતરી આપી. ૧૯૪૨માં કેબીનેટ મંત્રી સર સ્ટેફોર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં ‘ક્રિપ્સ મિશન’ ભારત મોકલવામાં આવ્યું, પરંતુ બધા જ રાજકીય પક્ષોએ તેની દરખાસ્તોને જુદાં જુદાં કારણોસર ફગાવી દીધી. કોંગ્રેસને દેશના ભાગલા પડી જવાની શકયતા જણાતાં આ દરખાસ્તને ‘પાછલી તારીખનો ચેક” કહી વખોડી કાઢી.

ઈ.સ. ૧૯૪૫માં તત્કાલીન વાઈસરોય લોર્ડ વેવેલે ૨૫, જૂનના રોજ સીમલા ખાતેના સંમેલનમાં ભારતીયો પોતાનું બંધારણ જાતે ઘડે ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થા તરીકે હિન્દુઓ અને મુસ્લિમોની સમાનતાના ધોરણે એક્ઝિક્યૂટિવ કાઉન્સીલમાં સમાવેશ કરવાની ‘વેવેલ યોજના”નો પ્રસ્તાવ રજૂ કર્યો. કોંગ્રેસની અખંડ હિન્દુસ્તાનની માંગ અને મુસ્લિમ લીગની પૃથક પાકિસ્તાનની માંગણીને કારણે આ વાટાઘાટો પણ નિષ્ફળ ગઈ. વેવેલ યોજનાની નિષ્ફળતા બાદ ઈ.સ.૧૯૪૬માં કેબિનેટ કમિશનને ભારત મોકલવામાં આવ્યું. કમિશનની ભલામણો મુજબ ૨૪, ઓગસ્ટ ૧૯૪૬ના રોજ વચગાળાની સરકારની રચના કરવામાં આવી. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ૧૧, સહયોગી સદસ્યોની સાથે બીજી સપ્ટેમ્બરે સરકાર રચાઈ.

ડિસેમ્બર ૧૯૪૬માં ડૉ. રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં બંધારણસભાનું ગઠન કરવામાં આવ્યું. મુસ્લિમ લીગ દ્વારા આ બંધારણસભાની રચનાનો વિરોધ કરવામાં આવ્યો. તેમણે અલગ પાકિસ્તાનની માંગ કરી. દેશમાં પ્રર્વતી રહેલા આંતરવિગ્રહ, અરાજકતા અને અંધાધૂધીને કારણે કોંગ્રેસ દેશના વિભાજનના વિકલ્પને ના છૂટકે સ્વીકાર કરવા તૈયાર થઈ. ઈ.સ. ૧૯૪૭માં તત્કાલીન વાઈસરૉય માઉન્ટ બેટન દ્વારા અખંડ હિન્દુસ્તાનના વિભાજનની રૂપરેખા ઘડવામાં આવી. માઉન્ટ બેટન યોજના પર સહમતિ બાદ, બ્રિટિશ સંસદ દ્વારા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, ૧૯૪૭ પારિત કરવામાં આવ્યો. ૧૮, જુલાઈ ૧૯૪૭ના રોજ આ અધિનિયમને મહારાણીએ સ્વીકૃતિ પ્રદાન કરી. જેના પરિણામે ૧૫, ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે ભારત અને પાકિસ્તાન નામના બે ડોમેનિયન સ્ટેટ્સની સ્થાપના કરવાનું નક્કી થયું.

આ પણ વાંચો: ગાંધીનગરના શેરથામાં મંદિરની 500 કરોડની જમીન ગાયબ થઈ ગઈ!

અનેક વાદ-વિવાદો, દલિલો, ચર્ચાઓ, વિચારવિમર્શ, વાટાઘાટો અને મંત્રણાઓ બાદ ભારતીય પ્રજાનું પૂર્ણ પ્રતિનિધિત્વ કરતી અને તમામ બાહ્ય સત્તાથી પૂર્ણપણે સાર્વભૌમ એવી ૨૯, ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બંધારણ સમિતિની રચના કરવામાં આવી.ડો. બાબાસાહેબ આંબેડકરની બંધારણના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. સખત મહેનત, કઠીન પરિશ્રમ, અનેક મુદાઓની ચર્ચાઓ, છણાવટ, સુધારણા, વાંચન બેઠકો થકી પ્રજાના સાર્વભૌમત્વને પાયામાં રાખી સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક, ન્યાય, દરજજો, તક, કાયદો, સમાનતા, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, વિશ્વાસ, ઉપાસના, વ્યવસાય, સંગઠન, સ્વતંત્રતા, સ્વાયતતા, લઘુમતિઓ, દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અન્ય પછાતવર્ગોને પર્યાપ્ત રક્ષણ જેવા અનેક મુદાઓને બંધારણ ઘડતરમાં ધ્યાને લીધા. અનેક ભલામણોનો સ્વીકાર થયો.

બંધારણ સમિતિના વિદ્વાન અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરના ખભા પર સંપૂર્ણ ભાર હતો. કેમ કે, સમિતિના સાતમાંથી એક સભ્યે રાજીનામું આપ્યું હતું, બીજા સભ્ય મૃત્યુ પામ્યા હતા, એક સભ્ય અમેરિકા જતા રહ્યા હતા અને તેમના કામોમાં વ્યસ્ત રહ્યા. જ્યારે બાકીના બે સભ્યો નાદુરસ્ત તબિયતના લીધે દિલ્હીથી દૂર જ રહ્યા હતા.

૧૫, ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે દેશના વિભાજન અને સ્વતંત્રતા પછી ભારતની બંધારણ સભા કેબિનેટ મિશન યોજનાનાં બંધનોથી મુક્ત થઈ હોવાનું કહેવાય પરંતુ તે પૂર્ણપણે સાર્વભૌમ બની હતી. ૧૫, નવેમ્બર ૧૯૪૮ થી ૧૭, ઓગસ્ટ ૧૯૪૯ દરમિયાન બંધારણના મુસદ્દાની વિગતે કાર્યવાહી પૂરી થઈ. આમુખનો સૌથી છેલ્લે સ્વીકાર થયો. ૧૪, નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભાના ૧૧ મા સત્રની શરૂઆતમાં ડૉ. આંબેડકરે ૩૯૫ કલમો અને આઠ પરિશિષ્ટો ધરાવતું બંધારણ વાચન માટે રજૂ કર્યું. ત્રણ દિવસની ચર્ચા પછી ૧૭, નવેમ્બરે બંધારણનું ફરી વાચન થયું. અને 26 નવેમ્બરે તેનો સ્વીકાર થયો.

આ પણ વાંચો: રેતીમાં ઉછરેલો દલિત યુવક ‘સૂરજ’ હવે ‘આકાશ’ના તારા ગણશે

ડૉ. આંબેડકરે એ વખતે કહ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે, આ બંધારણ સારી રીતે ચાલશે. એ દેશના તમામ નાગરિકોને અનુકૂળ આવશે. યુધ્ધ કે અશાંતિમાં દેશને અખંડ રાખી શકશે. હું એમ કહીશ કે, આ નવા બંધારણ હેઠળ કશું ખોટું થાય તો તેનું કારણ એ નહીં હોય કે આ બંધારણ યોગ્ય નથી, પરંતુ એમ સમજવું કે બંધારણનું પાલન કરનારા આપણા માણસો ઉણા ઉતર્યા છે.”

26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર થયેલ બંધારણ પર 24  જાન્યુઆરી- 1950 ના રોજ બંધારણ સભાના સભ્યોએ સહી કરી. અને આંબેડકરની અથાગ મહેનત પછી તૈયાર થયેલું ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. ત્યારથી ભારત એક પ્રજાસત્તાક દેશ બન્યો. આજે ભારતના નાગરિક તરીકે આપણે જે કંઈ પણ હક-અધિકારો ભોગવીએ છીએ તે બંધારણના ઘડવૈયાઓના કારણે છે. માટે આજના દિવસે એ તમામ મહાપુરૂષોને યાદ કરીને તેમને આભાર ચોક્કસ કહીએ.

(લેખક વિખ્યાત બહુજન સાહિત્યકાર છે.)

આ પણ વાંચો: ડૉ. આંબેડકરને જ ભારતીય બંધારણના ઘડવૈયા કેમ કહેવામાં આવે છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x