Widow Pension Cut Gujarat: ગુજરાત સરકાર એક તરફ ‘નારી શક્તિ’ અને ‘મહિલા સશક્તિકરણ’ના મસમોટા દાવાઓ કરીને જનતાની વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ અને અત્યંત આઘાતજનક છે. અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) હેઠળ જે રીતે લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે સરકાર ગરીબ અને નિરાધાર મહિલાઓને સહાય આપવાને બદલે તેમના હક છીનવવામાં વધુ રસ ધરાવે છે.
વિધાનસભાના ફ્લોર પર ખુદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જે આંકડા રજૂ કર્યા છે, તે સાબિત કરે છે કે અમદાવાદમાં એક જ વર્ષમાં 94 ટકા લાભાર્થીઓનું પેન્શન બંધ કરી દેવાયું છે. આ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગરીબ વિધવાઓના મુખેથી કોળિયો છીનવી લેવાનું એક સુનિયોજિત સરકારી તિકડમ જણાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ
એક જ વર્ષમાં 46 હજાર વિધવાઓના નામ ગાયબ
સરકારી આંકડાઓ જ સરકારની પોલ ખોલી રહ્યા છે અને તંત્રની પોલમપોલ ઉજાગર કરી રહ્યા છે. વર્ષ 2025ના ડેટા પર નજર કરીએ તો: જાન્યુઆરી 2025માં અમદાવાદ જિલ્લાના 15 તાલુકાઓમાં કુલ 49375 મહિલાઓ વિધવા પેન્શનનો લાભ મેળવતી હતી. જે ડિસેમ્બર 2025માં ઘટીને માત્ર 2924 થઈ ગયો હતો.
એટલે કે, માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં 46,451 મહિલાઓના નામ યાદીમાંથી ગુપચુપ રીતે ‘ડીલિટ’ કરી નાખવામાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં, કોઈ પેન્શનરનું મૃત્યુ થાય, તેઓ પુનઃલગ્ન કરે અથવા આર્થિક રીતે અત્યંત સદ્ધર બને ત્યારે તેમનું નામ યાદીમાંથી કમી કરવામાં આવે છે. પરંતુ એક જ વર્ષમાં 94 ટકા મહિલાઓ કાં તો મૃત્યુ પામી હોય અથવા સદ્ધર થઈ ગઈ હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. આ આંકડાકીય તફાવત એ વાતનો સીધો પુરાવો છે કે સરકારે જાણી જોઈને આંકડા ઘટાડવા માટે કોઈ મોટી કાતર ફેરવી છે.
જટિલ દસ્તાવેજો અને રિ-વેરિફિકેશનનું હથિયાર
સૂત્રો અને જાણકારોના મતે, સરકાર જ્યારે બજેટમાં કાપ મૂકવા માંગતી હોય ત્યારે તે ‘રિ-વેરિફિકેશન’ (પુનઃ ચકાસણી) ના નામે ગરીબ મહિલાઓ પાસે એવા દસ્તાવેજો માંગે છે જે પૂરા કરવા તેમના માટે અશક્ય હોય. ગરીબ અને ઓછું ભણેલી વિધવા મહિલાઓ જ્યારે આ જટિલ સરકારી પ્રક્રિયામાં ફસાઈ જાય છે અને દસ્તાવેજો રજૂ નથી કરી શકતી, ત્યારે તંત્ર ‘લાભાર્થી ગેરહાજર છે’ તેમ માનીને તેમનું પેન્શન કાયમી ધોરણે બંધ કરી દે છે. અમદાવાદ જિલ્લામાં આખું વર્ષ થઈને કુલ 3.76 કરોડ રૂપિયા ચૂકવાયા છે, જે જાન્યુઆરીની 49 હજારની સંખ્યાના પ્રમાણમાં ખૂબ જ નજીવી રકમ છે. આનો અર્થ એ થયો કે વર્ષના મધ્ય ભાગમાં જ મોટાભાગની મહિલાઓનું પેન્શન અટકાવી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: “ધ્વનિ મત” વિશે સાંભળ્યું હશે, પરંતુ તેની પ્રક્રિયાનો અર્થ જાણો છો?
ગરીબોના હક પર તરાપ: જવાબદારી કોની?
વિધાનસભામાં જ્યારે આ આંકડા રજૂ થયા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. શું અમદાવાદ જિલ્લામાં એક જ વર્ષમાં 46 હજારથી વધુ મહિલાઓ આર્થિક રીતે એટલી સક્ષમ થઈ ગઈ કે તેમને સરકારી સહાયની જરૂર નથી? કે પછી સરકારે પોતાની તિજોરી પરનો બોજ ઓછો કરવા માટે આ નિરાધાર મહિલાઓને મધરાતે રઝળતી મૂકી દીધી છે? 1250 કે 1500 રૂપિયા જેવી નાની રકમ આ મહિલાઓ માટે ઘર ચલાવવાનો મોટો સહારો હોય છે, અને તે પણ છીનવી લેવું એ માનવીય સંવેદનાઓનું ખૂન છે.
સંવેદનશીલ સરકારના દાવાઓ પોકળ નીકળ્યાં
સરકારની આ ‘ડીલિટ’ કરવાની નીતિ ગરીબો પ્રત્યેની તેની સંવેદનહીનતા છતી કરે છે. મોંઘવારીના આ સમયમાં વિધવા સહાયના લાભાર્થીઓમાં 94 ટકાનો ઘટાડો એ વહીવટી નિષ્ફળતાની ચરમસીમા છે. જો તંત્ર આ બાબતે તટસ્થ તપાસ નહીં કરે અને ખરેખર જરૂરિયાતમંદ મહિલાઓને ફરીથી યોજનામાં નહીં જોડે, તો સરકારના ‘મહિલા ઉત્કર્ષ’ના તમામ દાવાઓ પોકળ સાબિત થશે. વિધવાઓના હક છીનવવાનું આ તિકડમ લોકશાહીમાં ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે.
આ પણ વાંચો: ‘મત નહીં આપો તો ‘હિસાબ’ થશે’, સરપંચના ટેકેદારની દલિતોને ધમકી











