અમદાવાદમાં મહિલા અધિકાર મંચ દ્વારા ‘વિશ્વ મહિલા દિન’ની ઉજવણી કરાઈ

અમદાવાદના વેજલપુર ખાતે મહિલા અધિકાર મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બહુજન સમાજની મહિલાઓના સશક્તિકરણ અને જાગૃતિ માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.
Mahila Adhikar Manch in Ahmedabad

અમદાવાદના વેજલપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘મહિલા અધિકાર મંચ’ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય કન્વીનર ડૉ. મિતાલી સમોવા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બહુજન સમાજની મહિલાઓ એટલી મોટી સંખ્યામાં ઉમટી પડી હતી કે હોલ નાનો પડ્યો હતો. હકડેઠઠ ભીડ અને ગરમી જેવી પ્રતિકૂળતાઓ છતાં મહિલા સાથીઓનો ઉત્સાહ અને કાર્યક્રમના અંત સુધીની તેમની હાજરીએ સાબિત કર્યું કે મહિલાઓ પોતાના હકો અને સંગઠન માટે જાગૃત બની છે.

કાર્યક્રમની શરૂઆતમાં જયભીમ ક્લાસીસ-ગુપ્તાનગરની દીકરીઓએ અવનવા સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને ઉપસ્થિત સર્વેનું મનોરંજન કર્યું હતું. ખાસ કરીને દીકરી અનિષ્કાએ રાણી લક્ષ્મીબાઈની તેજસ્વી વેશભૂષા ધારણ કરી તેમના જીવન વિશે સુંદર માહિતી આપી હતી, જ્યારે દીકરા નક્સ પટેલે કન્ટેમ્પરરી ડાન્સ રજૂ કરીને કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જાગૃતિ વાળા અને મિતાલી સોનારાએ અત્યંત રસપ્રદ શૈલીમાં કર્યું હતું, જેમાં વિવિધ રમતગમતો દ્વારા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દલિત મહિલાની હત્યા કરી રાજપૂત યુવક તેની પુત્રીને ઉપાડી ગયો

શિક્ષણ અને સામાજિક જાગૃતિના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ડૉ. ફાલ્ગુનીબેન જોષી, પિંકીબેન પરમાર, કાજલબેન ત્રિવેદી, રેણુકાબેન નિલકંઠ અને જાગૃતિબેન બૌદ્ધ દ્વારા અલગ-અલગ વિષયો પર ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા મહિલાઓને યોગાશિક્ષણ, ફોર વ્હીલરની મફત તાલીમ અને લાયસન્સ જેવી રોજગારલક્ષી સેવાઓ તેમજ ૧૮૧ અભયમ જેવી કટોકટીના સમયની વિશેષ સેવાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Mahila Adhikar Manch in Ahmedabad

આ પ્રસંગે સ્ટેટ કન્વીનર અને કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવનાર નીલમબેન પટેલ દ્વારા સંસ્થા તરફથી મુખ્ય કન્વીનર ડૉ. મિતાલી સમોવાનું સરપ્રાઈઝ સન્માન કરવામાં આવ્યું હતું, જે આયોજકો વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સ્નેહનું પ્રતીક બન્યું હતું. આ ઉપરાંત રજનીકાંતભાઈ ભારતીય અને તૃપ્તિબેન પટેલ જેવી સમાજસેવી વ્યક્તિઓનું તેમની વિશિષ્ટ સેવાઓ બદલ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં હાજર 300થી વધુ બહેનોને સેનિટરી પેડ્સ, મંચના લોગોવાળા મગ, “હિન્દુ કોડ બિલ” પુસ્તક અને બુદ્ધિસ્ટ કેલેન્ડર જેવી ઉપયોગી ભેટો અર્પણ કરવામાં આવી હતી, જોકે અપેક્ષા કરતા વધુ ભીડ હોવાથી કેટલીક બહેનોને ભેટ ન મળી શકી તેનો રંજ પણ આયોજકોએ વ્યક્ત કર્યો હતો.

Mahila Adhikar Manch in Ahmedabad

આ પણ વાંચો: ગટરની સફાઈ કરતા માતાપિતાની દીકરીએ જજ બનીને ઈતિહાસ રચ્યો

આ આયોજનમાં લૈંગિક સમાનતા માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ અને વિચારધારાના બહેનો તથા ભાઈઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વેજલપુર ટીમની મહિલા સાથીઓ જેવી કે ઊર્મિલાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન ઝાલા, ચંપાબેન સોનારા, કલ્પનાબેન અને અન્યોએ રાત-દિવસ એક કરીને આ કાર્યક્રમને “એક્સ્ટ્રા સ્ટાઈલિશ” અને સફળ બનાવ્યો હતો.

Mahila Adhikar Manch in Ahmedabad

મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડૉ. મિતાલી સમોવાએ જણાવ્યું હતું કે, બહેનોની અનપેક્ષિત હાજરીને કારણે થોડી અવ્યવસ્થા સર્જાવાથી જે મુશ્કેલીઓ પડી તે બદલ તેઓ માફી માંગે છે અને આગામી સમયમાં આનાથી પણ વિશાળ અને સુવ્યવસ્થિત આયોજન કરવાનું વચન આપે છે. મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા ચાલતું આ “મહિલા અધિકાર મંચ” સંગઠન બહુજન સમાજની સ્ત્રીઓના સર્વાંગી ઉત્થાન માટે કટિબદ્ધ છે. આર્થિક સહયોગ આપનાર દાતાઓ અને નિઃસ્વાર્થ સેવા આપનાર સ્વયંસેવકોના આભાર સાથે આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી, જે વેજલપુરના સામાજિક ફલક પર મહિલા એકતાનું એક સશક્ત ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો: શું રામાયણ મહિલાઓની વિરુદ્ધ છે? જાણો પેરિયારના ધારદાર તર્ક

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x