જાતિવાદી તત્વોને ક્યારે, કઈ બાબતે માઠું લાગી જાય તે કહી શકાય તેમ નથી. ઉત્તરપ્રદેશના જાલૌનની એક ખાનગી શાળામાં આવું જ કંઈક બન્યું છે. જ્યાં એક દલિત વિદ્યાર્થીએ માટલામાંથી પાણી પીતા શાળાના આચાર્યે તેને જાતિસૂચક અપશબ્દો કહીને ઢોર માર માર્યો હતો. મારના કારણે દલિત વિદ્યાર્થીને કાન અને પગમાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. આ મામલે હવે વિદ્યાર્થીના પિતાએ શાળાના આચાર્ય રાજેશ તિવારી વિરુદ્ધ હુમલો અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો છે.
ઘડામાંથી પાણી પીવા બદલ માર માર્યો
ઉત્તરપ્રદેશના જાલૌનના કાલ્પી શહેરમાં ધોરણ 1 થી 8 સુધી ચાલતી એક ખાનગી શાળામાં આચાર્યએ ચોથા ધોરણના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને ઘડામાંથી પાણી પીવા બદલ ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જાતિવાદી આચાર્યે દલિત વિદ્યાર્થીને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા. મારને કારણે વિદ્યાર્થીને કાન અને પગમાં ઈજા થઈ હતી.
સાંજે વિદ્યાર્થી ઘરે પહોંચ્યો અને તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. તેના પિતાએ આ મામલે SP ને ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કાલ્પી પોલીસ સ્ટેશનમાં માહિતી આપ્યા પછી પણ ત્યાંના પીઆઈએ તેમની ફરિયાદ લખી નહોતી અને સમાધાન માટે દબાણ કરવા માટે તેમને કાગળ પર સહી કરવા માટે કહ્યું હતું. એ પછી SP ના આદેશ બાદ આચાર્ય વિરુદ્ધ હુમલો અને SC/ST ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સવર્ણ પાયલટે કહ્યું, ‘પ્લેન ઉડાવવું તારું કામ નહીં, તું જઈને જૂતા સીવ’
દલિત વિદ્યાર્થીને કાન અને પગમાં ઈજા પહોંચી
જોલ્હુપુર ગામના રહેવાસી વીરપ્રતાપ અહિરવારે એસપીને જણાવ્યું કે તેમનો પુત્ર રિતિક કાલ્પી શહેરના મણિગંજમાં આવેલી બંદીછોર કબીર બાલ વિદ્યાલયમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. 30 ઓગસ્ટના રોજ, રિતિક બપોરે ઘડામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે આચાર્ય રાજેશ તિવારીની પુત્રી પણ ત્યાં આવી. તેણે રિતિકના હાથમાંથી પાણીનો ગ્લાસ છીનવી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ રિતિકે તેને ગ્લાસ આપ્યો નહોતો. આ આખી ઘટના થોડે દૂર ઉભેલા પ્રિન્સિપાલ રાજેશ તિવારીએ જોઈ હતી. જેનાથી તે ગુસ્સે ભરાયો હતો અને તેણે રિતિકને જાતિસૂચક અપશબ્દો કહીને લાકડીથી માર મારવાનું શરૂ કર્યું હતું. જેના કારણે રિતિકના કાન અને પગમાં ઈજા થઈ હતી.
એ પછી તેને સારવાર માટે સીએચસી લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. ઘરે પહોંચેલા વિદ્યાર્થીએ તેના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
પોલીસે આરોપી સાથે સમાધાન કરાવી દીધું
દલિત વિદ્યાર્થી રિતિકના પિતાએ જણાવ્યું કે, જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે તેમનું આચાર્ય સાથે સમાધાન કરાવી દઈને એક કાગળ પર સહી કરાવી લીધી હતી. મંગળવારે, તેમણે એસપીને જાણ કરી અને કેસ નોંધવાની માંગ કરી હતી. એ પછી પોલીસ અધિક્ષક ડૉ. દુર્ગેશ કુમારે કાલ્પી પોલીસ સ્ટેશનના પીઆઈને આરોપી આચાર્ય વિરુદ્ધ એસસી એસટી એક્ટ અને મારામારી હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.
એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
કાલ્પી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પરમહંસ તિવારીએ જણાવ્યું કે આચાર્ય રાજેશ તિવારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આ મામલે આરોપી આચાર્ય રાજેશ તિવારીએ જણાવ્યું કે 30 ઓગસ્ટના રોજ બપોરે શાળામાં પાણી પીતી વખતે બે બાળકો ઝઘડવા લાગ્યા હતા, તેમણે કોઈ અપશબ્દોનો ઉપયોગ કર્યો ન હતો, તેમણે બંને બાળકોને સમજાવ્યા અને તેમને વર્ગમાં જવા કહ્યું હતું. જો કે, દલિત વિદ્યાર્થીના હાથ અને કાન પર જે પ્રકારની ઈજાના નિશાન જોવા મળ્યાં અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તે જોતા આચાર્યનો ખુલાસો ગળે ઉતરે તેમ નથી.
આ પણ વાંચો: ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો, નખ ખેંચી કાઢ્યા?