આરટીઆઈના કાયદાને મોદી સરકાર દિન પ્રતિદિન નબળો પાડીને લોકોના માહિતીના અધિકારનું હનન કરી રહી છે, એ બાબત તો હવે સૌ જાણે છે. પરંતુ ઉત્તરપ્રદેશના એક ગામમાં જાતિવાદી સરપંચ પતિએ એક દલિત વ્યક્તિએ માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરવા બદલ કુહાડીથી જીવલેણ હુમલો કરી દીધો. દલિત વ્યક્તિનો કોઈ વાંક નહોતો, તેણે માત્ર ગ્રામ પંચાયતની કામગીરીને લઈને આરટીઆઈ કરી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. આટલી અમથી વાતથી સરપંચના પતિએ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે દલિત વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો.
ઘટના ઉત્તરપ્રદેશના જાલૌનના કાસિમપુર ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોની માહિતી માંગવી એક દલિત પરિવાર માટે મોંઘી પડી. RTI દાખલ કરવાની અદાવતમાં સરપંચના પતિ અને ગ્રામ પંચાયત અધિકારી સહિત અડધો ડઝન લોકોએ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરીને તેમના પર હુમલો કર્યો. હુમલામાં ઘાયલ દલિત વ્યક્તિને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટના બાદ, પીડિત પરિવારે પોલીસ અધિક્ષક ડૉ. દુર્ગેશ કુમારને મળીને ન્યાય અને આરોપીઓની ધરપકડની માંગ કરી છે.

ગામના વિકાસ કાર્યો મામલે RTI કરી માહિતી માંગી હતી
કાસિમપુર નિવાસી શશિકાંત, જે અનુસૂચિત જાતિ સમાજના છે, તેમણે જણાવ્યું કે તેમણે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ગામમાં થઈ રહેલા વિકાસ કાર્યોની માહિતી માંગી હતી. માહિતી ન મળતાં તેમણે CDO ઓફિસમાં પ્રથમ અપીલ દાખલ કરી, જે હાલમાં વિચારણા હેઠળ છે.

આરટીઆઈ કરવા કુહાડીથી હુમલો કર્યો
શશિકાંતે જણાવ્યું કે 24 જૂને સાંજે 7 વાગ્યાની આસપાસ, જ્યારે તેમના પિતા અવનીન્દ્ર કુમાર ઘરની નજીક આવેલા બાકડા પર બેઠા હતા, ત્યારે ગામના સરપંચના પતિ ગોપી ઉર્ફે ચંદ્રશેખર કુશવાહાના અને તલાટી શિવસાગર અવસ્થી તેમના સાગરિતો કરણ સિંહ, થાન સિંહ, વિકાસ, રાજેશ કુમાર અને રાહુલ સાથે ત્યાં પહોંચ્યા. આ લોકોએ “તમે અમારી વિરુદ્ધ RTI દાખલ કરી છે, હવે પરિણામ ભોગવો,” એમ કહીને મારા પિતાને ઘેરી લીધા હતા. હુમલાખોરોએ પહેલા તેમને લાતો અને મુક્કાથી માર માર્યો, પછી થાન સિંહે તેમના માથા પર કુહાડીથી માર માર્યો, જ્યારે ગોપીએ લાકડીથી હુમલો કર્યો. મારા પિતા ગંભીર રીતે ઘાયલ થતા પરિવારના સભ્યો ચીસો પાડી રહ્યા હતા, ત્યારે આરોપીઓ જાતિવાદી અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ભાગી ગયા.

આ પણ વાંચો: ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી
પીડિતને CHC થી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલને CHC માધોગઢ લઈ ગઈ. જ્યાં તેમની હાલત ગંભીર બનતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. પીડિતનો આરોપ છે કે ગોહાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં FIR નોંધવામાં આવી ન હતી અને ન તો કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ન્યાય માટે SP ને અપીલ કરવામાં આવી
અવનીન્દ્રકુમારના પરિવારે જાલૌનના એસપી પાસે કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે, RTI કરીને માહિતી માંગવી એ તેમનો બંધારણીય અધિકાર છે અને તેના પર હુમલો થયો એ લોકશાહીનું અપમાન છે. આ ઘટનાની રાજકીય અસર પણ જોવા મળી છે. સમાજવાદી પાર્ટીએ આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસ અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે પોલીસ તરફથી હજુ સુધી કોઈ અધિકારીક નિવેદન અપાયું નથી. પીડિત પરિવાર આ મામલાની નિષ્પક્ષ તપાસ થાય અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં દેવીપૂજક કિશોર મૃત્યુ પામ્યો છતાં વળતર ન મળ્યું










