JEE Main Success Story of Tribal Girl Rohini: આદિવાસી સમાજને માત્ર જળ, જંગલ અને જમીનના રક્ષકો માની તેમને પછાત, ગણતા લોકોની માન્યતા ખોટો પાડતી એક ઘટના સામે આવી છે. તમિલનાડુના એક ગરીબ આદિવાસી પરિવારમાંથી આવતી રોહિણીએ ખેતરોમાં કામ કરતી વખતે એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોયું હતું. તેણીએ ખેતમજૂરી કરવાની સાથે સાથે અભ્યાસ કર્યો અને પહેલા જ પ્રયાસમાં દેશની સૌથી અઘરી ગણાતી JEE મેઈન્સ પરીક્ષા પાસ કરી બતાવી છે.
રોહિણી દિવસે ખેતરોમાં દૈનિક મજૂર તરીકે કામ કરતી અને રાત્રે JEE મુખ્ય પરીક્ષાની તૈયારી કરતી. ખેતરોમાં કામ કરતી વખતે તેણે ન માત્ર એન્જિનિયર બનવાનું સપનું જોયું, પરંતુ તેને પુરું પણ કર્યું. એક ગરીબ આદિવાસી પરિવારમાંથી આવતી રોહિણીની સફળતાની કહાની સંઘર્ષ અને હિંમતનું જીવંત ઉદાહરણ છે. રોહિણીએ સાબિત કર્યું છે કે દ્રઢ નિશ્ચય અને સખત મહેનતથી ગમે તેટલી મુશ્કેલીઓ હોય તો પણ સફળતા મેળવી શકાય છે.

રોહિણીના માબાપ ખેતમજૂરી કરે છે
તમિલનાડુના એક આદિવાસી પરિવારમાંથી આવતી, રોહિણીએ ગરીબીને ખૂબ નજીકથી જોઈ છે. તેનો પરિવાર આખો દિવસ બીજા લોકોના ખેતરોમાં રોજીરોટી માટે મજૂરી કરે છે. છતાં, ઘરના ખર્ચાઓ ભાગ્યે જ પૂરા થાય છે. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, પંચમલાઈ ટેકરીઓમાં નાના ઘરમાં રહેતી રોહિણીના મોટા સપના હતા. તે એન્જિનિયર બનવા માંગતી હતી.
આ પણ વાંચો: દિવસે ખેતમજૂરી રાત્રે વાંચન કરી આદિવાસી દીકરીએ NEET પાસ કરી

ખેતરમાં મજૂરી કરવાની સાથે ભણવાનું ચાલું રાખ્યું
રોહિણીએ તમિલનાડુના ચિન્ના ઇસુપુરમાં એક સરકારી શાળામાં 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેના પિતા મથિયાઝાગન કેરળમાં મજૂરીકામ કરે છે, અને મા વાસંતી ઘરની નજીક ખેતરોમાં કામ કરે છે. રોહિણી પણ માની સાથે ખેતરોમાં કામ કરવા જતી હતી. મજૂર તરીકે કામ કરતી વખતે, એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોતી રોહિણી દિવસ દરમિયાન કામ કરતી અને રાત્રે અભ્યાસ કરતી. તેણીને સમજાયું કે શિક્ષણ એ ગરીબી દૂર કરવાનો અને તેના સપના પૂરા કરવાનો એકમાત્ર રસ્તો છે.
દેશની સૌથી મુશ્કેલ IIT-JEE પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી
IIT-JEE ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક છે. રોહિણી માટે તે સરળ નહોતું. તેમ છતાં, તેણીએ JEE મેન્સ માટે માત્ર તૈયારી જ નહીં પણ પ્રથમ પ્રયાસમાં જ ક્વોલિફાય પણ કર્યું. 2024 ની JEE મેન્સ પરીક્ષામાં, રોહિણીએ 73.8% મેળવ્યા, અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે તેના રાજ્યની પ્રથમ આદિવાસી છોકરી બની. તેની સફળતાએ સમાજની અન્ય છોકરીઓ માટે એક માર્ગ મોકળો કર્યો.
આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી
સફળતાનો શ્રેય શાળા અને સરકારને આપ્યો
JEE મેન્સ પરીક્ષામાં ક્વોલિફાઇંગ સ્કોર મેળવનાર રોહિણીએ તેની સફળતાનો શ્રેય ફક્ત તેના માતાપિતાને જ નહીં પરંતુ તેના શાળાના મુખ્ય શિક્ષક અને તમિલનાડુ સરકારને પણ આપ્યો, કારણ કે તેણે તેનું સંપૂર્ણ શિક્ષણ તમિલનાડુ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી આદિવાસી શાળામાંથી મેળવ્યું હતું.
આજે રોહિણી ક્યાં છે?
રોહિણી હવે દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તિરુચિરાપલ્લી એટલે કે NIT ત્રિચીની વિદ્યાર્થીની છે. તેના JEE મેન્સના સારા સ્કોરના આધારે, તેણે મિકેનિકલ એન્જિનિયરિંગ કરવા માટે NIT ત્રિચીમાં પ્રવેશ મેળવ્યો છે. એક ખેતમજૂર માતાપિતાની દીકરીની મજૂરી કરીને જેઈઈ પાસ કરવાની આ કહાની અનેક યુવાનોને પ્રેરણા આપશે.
(All Photos Credit: ANI)
આ પણ વાંચો: પિતાવિહોણી દલિત દીકરીને માતાએ ખેતમજૂરી કરીને DSP બનાવી















