દલિતો, આદિવાસીઓની અનામતનો કાયમ વિરોધ કરતા સવર્ણ હિંદુઓ કદી દલિતો કેવી કપરી પરિસ્થિતિમાં જીવન જીવે છે અને કાળી મજૂરી કરીને આગળ આવે છે તેના વિશે જાણવાની તસ્દી પણ લેતા નથી. મહેનત કરવાથી થાકી જતા લોકો માટે એક પ્રેરણાદાયી કહાની તેલંગાણામાંથી સામે આવી છે. જ્યાં એક ખેતમજૂર માતાએ પોતાની દીકરીને ડીએસપી બનાવી છે.
ગરીબી અને પડકારોને ઝીલીને અહીંના કરીમનગર જિલ્લાના માનકોડુની 29 વર્ષીય દલિત યુવતી મોદમપલ્લી મહેશ્વરીએ તેલંગાણા પબ્લિક સર્વિસ કમિશન (TGPAC) ગ્રુપ 1 ની પરીક્ષા પાસ કરી અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) નું પદ મેળવ્યું છે. મહેશ્વરીએ તેમના સ્વર્ગસ્થ પિતાના સિવિલ સેવક બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે અતૂટ નિશ્ચય અને સખત મહેનત દર્શાવી છે.
આર્થિક તંગી છતાં સપનું પૂર્ણ કર્યું
મહેશ્વરીએ હૈદરાબાદના તેલંગાણા SC સ્ટડી સર્કલમાં સિવિલ સર્વિસ પરીક્ષા માટે કોચિંગ મેળવ્યું હતું, જેને તેણી પોતાની સફળતાનો પાયો માને છે. તેણીએ કરીમનગરની સરકારી મહિલા ડિગ્રી કોલેજમાંથી સ્નાતક થયા બાદ પેડ્ડપલ્લી જિલ્લાના ગોદાવરીખાનીમાં સતવાહન યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં M.Sc. ની ડિગ્રી મેળવી. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં, તેણીએ ક્યારેય હાર માની નહોતી.
આ પણ વાંચો: 12,000 કમાતા દલિત યુવકને 36 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી
પિતાની યાદોને પ્રેરણા બનાવી
મહેશ્વરીના પિતા, લક્ષ્મણ ખાડી દેશોમાં મજૂરી કરવા જતા હતા. તેમનું 2021 માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેની માતા, શંકરમ્મા, ખેતમજૂર હતા, તેમણે તેમને અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરણા આપી. મહેશ્વરી કહે છે, “મારા પિતાની યાદો હંમેશા મને સખત મહેનત કરવા અને મારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે.”
સિવિલ સર્વિસીસ પાસ કરવીઃ મહેશ્વરી
મહેશ્વરીનું લક્ષ્ય શિક્ષણ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું છે. તે સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પણ સફળ થવા માંગે છે. તેની કહાની સખત મહેનત, ખંત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ છે. જેમાંથી બીજી દલિત યુવતીઓ પણ પ્રેરણા મેળવશે.
આ પણ વાંચો: આદિવાસી યુવકના માથે તગારું હતું ને ફોન આવ્યો- ‘તેં NEET પાસ કરી લીધી’











Users Today : 873