જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં જાતિગત ભેદભાવની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના ઝાંસીમાં એક વાલ્મિકી યુવક સાથે મિત્રતા કરવી એક રાજપૂત યુવકને મોંઘી પડી ગઈ. માથાભારે તત્વોએ રાજપૂત યુવકને‘તું રાજપૂત થઈને દલિત સાથે કેમ ફરે છે?’ કહીને હુમલો કર્યો હતો.
મામલો ઝાંસીના સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અંબાબાઈ ગામમાં બન્યો હતો. જીવણ રાજપૂત નામનો એક યુવાન તેના દલિત મિત્ર અજય વાલ્મીકી સાથે તેના ઘરની નજીક ઉભો હતો. ત્યારે ગામના કેટલાક માથાભારે તત્વો ત્યાં પહોંચી ગયા હતા અને જીવણ રાજપૂતને જાતિવાદી નિવેદનો કરીને ધમકી આપવા લાગ્યા હતા. તેમણે કથિત રીતે જીવણને પૂછ્યું હતું કે, “તું રાજપૂત થઈને એક દલિત સાથે કેમ ઉભો છે?” જેને લઈને પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને ગુંડાઓએ જીવણ રાજપૂતને લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી નિર્દયતાથી માર મારવાનું શરૂ કરી દીધું છે. જ્યારે અજય વાલ્મીકીએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. બંને મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને તબીબી તપાસ માટે ઝાંસી જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
રાજપૂત યુવકને રાજપૂતોએ જ માર માર્યો
ઘટનાની વિગતો આપતા જીવન રાજપૂતે જણાવ્યું, “હું મારા મિત્ર અજય વાલ્મીકીના ઘરની નજીક ઉભો હતો અને તેના હાલચાલ પૂછી રહ્યો હતો. એ દરમિયાન શિશુપાલ રાજપૂત અને તેના બે સાગરિતો ત્યાં આવ્યા અને અમને ગાળો ભાંડવા લાગ્યા. તેમણે મને કહ્યું કે, ‘તું રાજપૂત થઈને દલિતો સાથે કેમ ફરે છે?’ જ્યારે મેં તેમને કહ્યું કે, તે મારો મિત્ર છે. ત્યારે તેમણે અમને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે મારો મિત્ર અજય વાલ્મિકી અમને બચાવવા આવ્યો, ત્યારે તેને પણ માર મારવામાં આવ્યો.”
આ પણ વાંચો: પાલીતાણામાં મંદિરે બેઠેલા 3 દલિતોને ચાર શખ્સોએ દોડાવીને માર્યા
અજય વાલ્મિકીએ શું કહ્યું?
અજય વાલ્મીકીએ કહ્યું કે, “હું નોકરી પરથી પાછો આવીને મારા મિત્ર જીવણ રાજપૂત પાસે ઉભો રહીને વાતો કરતો હતો. ત્યારે શિશુપાલ રાજપૂતે આવીને મારા મિત્ર જીવણ રાજપૂતને પૂછ્યું કે તે તેની સાથે કેમ ઉભો છે. જ્યારે મેં વિરોધ કર્યો, ત્યારે તેણે અમને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે મારો મિત્ર તેને બચાવવા આવ્યો, ત્યારે તેમણે તેના પર દાતરડાથી હુમલો કર્યો.”
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ સિપરી બજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિનોદ કુમાર મિશ્રાએ આ બાબતને ગંભીરતાથી લીધી અને તપાસ ટીમની રચના કરી છે. પોલીસ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા અને બંને મિત્રોને સારવાર માટે ઝાંસી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટમાં ઇજાઓની પુષ્ટિ થઈ છે. ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો: ‘દરેક ગામમાં બોર્ડ લગાવો, મુસ્લિમોને નો એન્ટ્રી’, ટીનએજ કથાવાચિકાનો બફાટ











Users Today : 5