Adivasi News: બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલીયા ગામે પોલીસ અને આદિવાસી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે આદિવાસી સમાજને લઈ રહેલા અન્યાય મામલે હવે કોંગ્રેસના ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી(Jignesh Mevani), દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી(Kanti Kharadi) અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર(Geniben Thakor)ની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક આદિવાસીઓએ ગઈકાલે દાંતા SDM કચેરી(Danta SDM office) બહાર મેદાનમાં ધરણા(protest) યોજી ન્યાયની માંગ કરી હતી. આ ધરણા બાદ આદિવાસીઓના હક અધિકારોના મામલે રાજકીય ગરમાવો આવી ગયો હતો.
ધરણા પ્રદર્શન દરમિયાન મેવાણીએ સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો પાડલીયા ઘર્ષણ મુદ્દે કાયદાકીય રીતે ન્યાયિક કાર્યવાહી કરી આદિવાસી સમાજને ન્યાય નહીં મળે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આદિવાસી પટ્ટો આંદોલનના માર્ગે વળશે.
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યે આદિવાસીઓના નામે અબજોની જમીન ખરીદી!
“ગુજરાતની કચેરીઓના પાયામાં આદિવાસીઓનો પરસેવો”
જિજ્ઞેશ મેવાણીએ પાડલીયાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનું કાર્યાલય હોય, સચિવાલય હોય કે દાંતા એસડીએમની કચેરીનું આ મકાન હોય – આ તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસીઓનું લોહી અને પરસેવો રેડાયેલો છે. જ્યારે સરકાર, IAS-IFS જેવા શબ્દો નહોતા, ત્યારે પણ જંગલ હતું અને આદિવાસી સમાજ હતો.
કોંગ્રેસ પાર્ટીએ યુપીએની સરકાર દરમિયાન જંગલ-જમીનનો કાયદો બનાવ્યો 50-52 ટકા વધારે દાવાઓ પડતર રાખી, ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણીબુઝીને આદિવાસી સમાજ અને પોલીસ, આદિવાસી સમાજ અને વન વિભાગ વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું ષડયંત્ર રચેલું છે. જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત, જો જળ-જંગલ-જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત. જો જંગલ જમીનને લઈને કોઈ વિવાદ ન હોત તો વન વિભાગ અને આદિવાસી સમાજ, પોલીસ વચ્ચે ઘર્ષણ થવાનું કોઈ જ કારણ ન હતું.
આ પણ વાંચો: ‘વિકાસના નામે આદિવાસીઓ એક ઈંચ જમીન નહીં આપે..’
ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધી આંદોલનની ચીમકી
જિગ્નેશ મેવાણીએ આ ઘટનામાં ભોગ બનેલા આદિવાસીઓ અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જોકે, તેમણે તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કરતા કહ્યું કે, જિલ્લા પોલીસ, તંત્રે જે રીતે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી છે, એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને કાંતિ ખરાડીનું નિવેદન સાંભળીને તેમની ફરિયાદ પણ નોંધવી પડે. તમારી અને મારી વચ્ચે માથાકૂટ થઈ હોય, તમારા-મારા તરફથી કંઈક થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કહે છે.
પરંતુ પોલીસ એ મુજબ વર્તતી નથી. જો આ પ્રમાણેની ન્યાયિક પ્રક્રિયા નહીં કરવામાં આવે, આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે. અમે આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ-જમીનનો અધિકાર મળે સંકલ્પબદ્ધ છીએ.
આ પણ વાંચો: અમદાવાદના રિક્ષાવાળા પાસેથી પોલીસ વર્ષે 180 કરોડ વસૂલે છે?












