આવા જજો હોય ત્યાં ન્યાયની આશા કેવી રીતે રાખવી?

હાઈકોર્ટના એક જજે ત્રણ મહિનામાં દહેજના કારણે થયેલા મોતના 510 કેસોમાંથી 508 કેસોમાં આરોપીઓને જામીન આપી દીધાં. આવા જજો કેવી રીતે ન્યાય કરી શકે?
Judge Pankaj Bhatia

ભારતના ન્યાયતંત્રમાં જ્યારે કોઈ પીડિત અદાલતના દ્વાર ખખડાવે છે, ત્યારે તેની આંખોમાં એક જ આશા હોય છે કે કાયદો તેને રક્ષણ આપશે અને ગુનેગારને સજા અપાવશે. પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જે વિગતો બહાર આવી છે, તેણે સમગ્ર દેશના ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને સામાન્ય માણસના અતૂટ ભરોસાને જળમૂળથી હચમચાવી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પંકજ ભાટિયાએ માત્ર 90 દિવસમાં દહેજ હત્યાના 510 કેસોમાંથી 508 કેસોમાં આરોપીઓને જામીન આપી દીધા હતા.

ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, જસ્ટિસ ભાટિયાએ માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં દહેજ હત્યાના 510 નિયમિત જામીન કેસોની સુનાવણી કરી હતી. આ 510 માંથી 508 કેસમાં આરોપીઓને જામીન આપી દીધા હતા. ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો 99.61 ટકા કેસમાં આરોપીઓ જેલની બહાર આવી ગયા હતા. દહેજ માટે દીકરીઓને જીવતી સળગાવવી, ગળે ટૂંપો આપવો, કે ઝેર આપીને મારી નાખવી જેવા જઘન્ય અપરાધોમાં આટલી હદની ઉદારતા ન્યાયતંત્રની ગરિમા સામે એક કાળું પ્રશ્નાર્થ ચિન્હ ઊભું કરે છે. શું ન્યાયમૂર્તિના મનમાં પીડિત પક્ષની વેદનાનો લેશમાત્ર અંશ પણ નહીં હોય?

મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ભાટિયાના એક નિર્ણયને ‘અત્યાર સુધીનો સૌથી વધુ ચોંકાવનારો અને નિરાશાજનક’ આદેશ ગણાવ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું કે, દહેજ હત્યા જેવા અતિ ગંભીર ગુનામાં કયા આધારે જામીન આપવામાં આવ્યા? સુપ્રીમ કોર્ટે આ આદેશને રદ કરવાની સાથે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલે ગંભીર સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો હતો. જોકે, આ ટીકા બાદ જસ્ટિસ ભાટિયાએ ન્યાયિક જવાબદારી નિભાવવાને બદલે ‘લાગણી દુભાઈ’ હોવાનું ગાણું ગાઈને જામીન કેસોની સુનાવણીમાંથી મુક્તિ માંગી હતી.

આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા આદિવાસી યુવતી ન્યાયની રાહમાં મોતને ભેટી

જજ માટે શું દીકરીના જીવની કોઈ કિંમત નહોતી?

રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તે રુંવાડા ઊભા કરી દે તેવો છે. આ તમામ 508 જામીન ઓર્ડરની ભાષા, તેનું માળખું અને જામીનની રકમ જેવી શરતો લગભગ એક સમાન હતી. તપાસમાં બહાર આવ્યું કે 340 કેસમાં મૃત્યુનું કારણ ગળેફાંસો હતું, 27 માં ઝેર પી લેવું, 16 માં ગળું દબાવવું અને 11 માં દીકરીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આટલા ભયાનક તથ્યો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોવા છતાં જજ સાહેબે દરેક ઓર્ડરમાં એક જ વાક્ય લખ્યું કે ‘રેકોર્ડ પર દહેજ માટે અત્યાચારના કોઈ સીધા પુરાવા નથી’. જ્યારે ન્યાય તોળનાર જજ ખુદ આવી સંકુચિત અને સ્ત્રીવિરોધી માનસિકતા ધરાવતા હોય, ત્યારે ગરીબ અને લાચાર પિતા પોતાની વ્હાલસોયી દીકરી ખોયા પછી ન્યાયની આશા કોની પાસે રાખે? આવી ન્યાયિક ઉદારતા વાસ્તવમાં ગુનેગારોને લાયસન્સ આપવા જેવી છે કે “તમે દીકરીઓને મારી નાખો, અમે તમને જામીન આપી દઈશું”.

ન્યાયતંત્રના આંધળા વહીવટ સામે જનઆક્રોશ

અદાલતોએ સમજવું પડશે કે જામીન એ કદાચ વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર હોઈ શકે, પણ દહેજ હત્યા જેવા સામાજિક કલંક અને જઘન્ય હત્યાના કેસમાં તે કોઈ કાળે નિયમ ન બનવો જોઈએ. જે જજ માત્ર ‘કોપી-પેસ્ટ’ આદેશો કરીને આરોપીઓને છૂટા મૂકે છે, તેઓ ન્યાયતંત્રના પાયાને ઉધઈની જેમ અંદરથી ખોતરી રહ્યા છે. શું આ જજ સાહેબને એ ન સમજાયું કે જે આરોપીઓનો કોઈ ‘ગુનાહિત ઈતિહાસ’ નથી, તેમણે જ પ્રથમવારમાં એક સ્ત્રીનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું છે? ગુનાહિત ઈતિહાસ ન હોવો એ જામીનનો પાસપોર્ટ ન હોઈ શકે.

આ પણ વાંચો: બાબરાના ચમારડીમાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું હળહળતું અપમાન

ન્યાયિક જવાબદારીનો અભાવ

આ કિસ્સો સાબિત કરે છે કે ન્યાયતંત્રમાં પણ કડક જવાબદારી (Accountability) હોવી અનિવાર્ય છે. જો ઉચ્ચ અદાલતોના જજો જ આટલા સંવેદનહીન અને બેજવાબદાર બની જશે, તો સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ જોખમાઈ જશે. ગરીબ માણસ જ્યારે વકીલની ફી ભરીને વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાય છે, ત્યારે તેને અંતે જામીનનો આવો જથ્થાબંધ વેપાર જોવા મળે તો તેનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય તે સ્વાભાવિક છે. અલ્હાબાદ હાઈકોર્ટના આ કિસ્સાએ ન્યાયતંત્રની અંદર વ્યાપેલી શિથિલતાને ખુલ્લી પાડી દીધી છે.

આ પણ વાંચો: ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x