દિલ્હીની વિવાદાસ્પદ એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની અને રાજકીય લડાઈનો આજે અંત આવ્યો છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. અદાલતે તેના ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તપાસ એજન્સી CBI કોઈ પણ ગંભીર પુરાવા રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે.
ચુકાદો સંભળાવતા કોર્ટે તપાસ એજન્સીની કાર્યપદ્ધતિ અને ચાર્જશીટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે તપાસમાં અને રજૂ કરાયેલા દસ્તાવેજોમાં અનેક ખામીઓ છે. અદાલતે કહ્યું કે, “જ્યારે કોઈ બંધારણીય કે જાહેર પદ પર બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેની પાછળ નક્કર પુરાવા હોવા અનિવાર્ય છે. માત્ર કલ્પનાઓ કે શંકાના આધારે કોઈ વ્યક્તિને મુખ્ય કાવતરાખોર સાબિત કરી શકાય નહીં. તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલી વાર્તામાં આંતરિક વિરોધાભાસો જોવા મળ્યા છે.”

કોર્ટે વધુમાં ઉમેર્યું કે, એક્સાઇઝ પોલિસી બનાવવા માટે સંસ્થાકીય સ્તરે વિવિધ તબક્કે વિચાર-વિમર્શ થયો હતો. રેકોર્ડ પરના દસ્તાવેજો દર્શાવે છે કે આ એક વહીવટી પ્રક્રિયા હતી, જેમાં કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઈરાદો કે ગેરરીતિ જણાતી નથી. CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઘણા પ્રશ્નો એવા હતા જેનો સંતોષકારક જવાબ એજન્સી પાસે નહોતો.
આ પણ વાંચો: 100 ગામના આદિવાસીઓએ મળીને 1.5 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બનાવી

કેજરીવાલ અને સિસોદિયા ભાવુક થયા
કોર્ટનો આ મહત્વનો ચુકાદો આવતા જ અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા અત્યંત ભાવુક થઈ ગયા હતા. કોર્ટ પરિસરમાં હાજર રહેલા કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. મીડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલે ગળગળા અવાજે કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જે રીતે દારૂ કૌભાંડનો હોબાળો મચાવ્યો હતો, તેને આજે કોર્ટે સંપૂર્ણપણે ફગાવી દીધો છે. અમે હંમેશા કહેતા હતા કે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. આજે ફરી એકવાર સત્યની જીત થઈ છે.”
आख़िर में अधर्म और अन्याय हारता है और सच ही जीतता है।
सत्यमेव जयते pic.twitter.com/GZghEdhJf3
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 27, 2026
તેમણે આગળ આક્ષેપ કરતા કહ્યું કે, “મોદીજી અને અમિત શાહે મળીને આઝાદ ભારતનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર રચ્યું હતું. આમ આદમી પાર્ટીને નેસ્તનાબૂદ કરવા માટે અમારા પાંચ મુખ્ય નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે જ્યારે એક સિટિંગ સીએમને તેમના ઘરેથી ધરપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યા હોય.” આટલું કહેતા જ કેજરીવાલની આંખો ભીની થઈ ગઈ હતી અને મનિષ સિસોદિયાએ તેમને સાંત્વના આપી હતી.
આ પણ વાંચો: કેરળમાં નોકરીના માત્ર 4 મહિનામાં દલિત પૂજારીએ રાજીનામું આપ્યું
કેજરીવાલના વકીલોની ધારદાર દલીલો
અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ એન. હરિહરન અને એડવોકેટ મુદિત જૈને દલીલો રજૂ કરી હતી. હરિહરને કોર્ટમાં સાબિત કર્યું કે એજન્સી પાસે કોઈ જ નક્કર પુરાવા નથી. હજારો પાનાના દસ્તાવેજોની તપાસ કર્યા પછી પણ CBI કોઈ એવી કડી જોડી શકી નથી જે ભ્રષ્ટાચાર કે નાણાકીય ગેરરીતિ તરફ નિર્દેશ કરતી હોય. કોર્ટે તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને જણાવ્યું કે, આરોપી નંબર 1 અને 2 સહિત તમામ 23 લોકોને ડિસ્ચાર્જ કરવાનો કેસ બને છે.
सत्य को परेशान किया जा सकता है लेकिन पराजित नहीं…. pic.twitter.com/Iuzs9xLN0R
— AAP (@AamAadmiParty) February 27, 2026
આ ચુકાદાથી આમ આદમી પાર્ટીને મોટું રાજકીય બળ મળ્યું છે. પાર્ટી હવે વધુ આક્રમકતા સાથે મેદાનમાં ઉતરી શકે છે. બીજી તરફ, CBI અને કેન્દ્ર સરકાર માટે આ ચુકાદો આંચકા સમાન છે, કારણ કે કોર્ટે તપાસની ગુણવત્તા પર આકરા પ્રહારો કર્યા છે. આ જીત સાથે કેજરીવાલે ફરી સાબિત કર્યું છે કે તેઓ ‘કટ્ટર ઈમાનદાર’ની છબી સાથે રાજકારણમાં ટકી રહેશે.
આ પણ વાંચો: આ રીતે ‘ભણશે ગુજરાત?’ નર્મદા જિલ્લાની 145 શાળાઓમાં માત્ર એક શિક્ષક










