દેશભરમાં હાલ સિમ્બોલ ઓફ નોલેજ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ જાતિવાદને કારણે દલિતોના મોતનો સિલસિલો અટકતો નથી. આવી જ એક ઘટના કેરળના કન્નૂરમાંથી સામે આવી છે. જ્યાં જાતિવાદી શિક્ષકો દ્વારા કરવામાં અપમાનથી કંટાળીને એક હોનહાર દલિત વિદ્યાર્થીએ કોલેજની બિલ્ડીંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો છે.
મામલો કેરળના કન્નૂરનો છે. અહીંની ડેન્ટલ કોલેજમાં બીડીએસ (BDS) ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૨૨ વર્ષીય નિતિન રાજે કોલેજની બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ મામલે કોલેજના બે ફેકલ્ટી સભ્યો સામે ગંભીર આરોપો લાગ્યા છે. આ શિક્ષકો નીતિનને તેની જાતિ, રંગ અને માતા-પિતાના મજૂરીના વ્યવસાયને લઈ માનસિક રીતે હેરાન કરતા હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો: ભેદભાવથી કંટાળી દલિત IAS એ 4 જ વર્ષમાં રાજીનામું આપી દીધું!
10 એપ્રિલના રોજ બનેલી આ ઘટના બાદ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે નીતિનની હોવાનું મનાય છે. આ ક્લિપમાં નીતિનનું દર્દ અને આક્રોશ સ્પષ્ટપણે અનુભવાય છે. તેણે આરોપ લગાવ્યો હતો કે, “શિક્ષકોએ જાહેરમાં મારું અપમાન કર્યું છે. મારી ઉત્તરવહી ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચીને સ્પેલિંગની ભૂલો બદલ મજાક ઉડાવવામાં આવી. એટલું જ નહીં, શિક્ષકોએ મારી માતા વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી અને મને ધમકી આપી કે જો હું અવાજ ઉઠાવીશ તો મારા હાથ-પગ કાપી નાખવામાં આવશે.”
નીતિનની બહેન નિકિતાના જણાવ્યા મુજબ, તેમના માતા-પિતા મજૂરી કામ કરતા હોવાથી પ્રોફેસરો તેને અવારનવાર નીચું દેખાડવા પ્રયત્ન કરતા હતા. બિલ્ડિંગ પરથી પડવાના બે કલાક પહેલા જ નીતિને પરિવાર સાથે વાત કરી હતી. પરિવારે આ મૃત્યુ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે નિતિન તેની પોતાની કોલેજની બિલ્ડિંગને બદલે બાજુમાં આવેલી મેડિકલ કોલેજની બિલ્ડિંગ પરથી નીચે કૂદ્યો હતો.
આ પણ વાંચો: ટોળાએ પતિની હત્યા કરતા પત્નીએ આપઘાત કર્યો, બે બાળકો પણ ગંભીર

આ ઘટનાની ગંભીરતાને જોતા કન્નૂર પોલીસે શરૂઆતમાં અકુદરતી મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ ઓડિયો પુરાવા અને પરિવારના નિવેદનો બાદ બીએનએસ (BNS) ની કલમ 108 (આત્મહત્યા માટે ઉકસાવા) અને SC-ST (એટ્રોસિટી) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કોલેજ મેનેજમેન્ટે પણ તાત્કાલિક પગલાં લેતા સંબંધિત વિભાગના વડા અને એક એસોસિયેટ પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા છે.
બીજી તરફ, પોલીસ તપાસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ હરિપ્રસાદના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નીતિન પર ઓનલાઇન લોન એપનું દેવું હતું અને રિકવરી એજન્ટો તેને ધમકાવી રહ્યા હતા. એજન્ટોએ કોલેજના સ્ટાફનો પણ સંપર્ક કર્યો હોવાનું મનાય છે. હાલ સાયબર પોલીસ અને વિશેષ તપાસ ટીમ (SIT) તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. નીતિનના મોત બાદ કેરળમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજાયા છે. રાજ્ય માનવ અધિકાર પંચે કન્નૂર પોલીસ કમિશનર પાસે આ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
આ પણ વાંચો: 19 વર્ષની આદિવાસી યુવતીએ નક્સલી તરીકે સરેન્ડર કરતા વિવાદ











