સુરેન્દ્રનગરના સાંકળીમાં ઉપસરપંચના ત્રાસથી કોળી યુવકનો આપઘાત

OBC News: બગદાણાની ઘટના હજુ તાજી છે ત્યાં સુરેન્દ્રનગરના સાંકળીમાં કોળી યુવકને ગામના કાઠી ઉપસરપંચે બજારમાં માર મારતા આપઘાત કરી લીધો.
koli youth suicide

OBC News: ગુજરાતમાં હવે દલિતોની જેમ કોળી સમાજના યુવાનો પર પણ સવર્ણોની દાદાગીરી વધતી જઈ રહી હોય તેમ લાગે છે. બગદાણામાં કોળી યુવક નવનીત બાધલિયા પર ડાયરા કલાકાર અને ભાજપ નેતા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને જીવલેણ હુમલો કરાવ્યાની ઘટના તાજી છે, ત્યારે સુરેન્દ્રનગરના સાંકળી ગામે કાઠી જાતિના ઉપસરપંચના ત્રાસથી કંટાળીને એક કોળી યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

સુરેન્દ્રનગરના સાંકળી ગામની ઘટના

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકળી ગામના 25 વર્ષીય કોળી યુવક જયેશ મેણીયાએ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને યુવકનો મૃતદેહ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ કરવા અંગે અને આરોપી ઉપર કડક પગલાં ભરવા અંગેની ખાતરી આપતા મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કોળી યુવકને માર મારવાના કેસમાં માયા આહીરના પુત્ર જયરાજની ધરપકડ

koli youth suicide

મામલો શું હતો?

મળતી માહિતી મુજબ મૃતક યુવક જયેશ મેણીયાએ ભૂલથી એક ડેટિંગ એપ્લિકેશન પર કોઈ કોમલ નામના આઈડીને ગામના ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચરનો મોબાઈલ નંબર આપી દીધો હતો. આ બાબતથી ઉશ્કેરાઈને ઉપસરપંચ રાજુભાઈએ જયેશને ગામના ઝાંપે માર માર્યો હતો. ત્યારબાદ તેઓ જયેશને બાઈક પર બેસાડી ગામના ચોકમાં લઈ આવ્યા હતા અને ત્યાં જાહેરમાં માફી મગાવી તેનો વીડિયો ઉતાર્યો હતો અને ફરી માર માર્યો હતો. રાજુભાઈએ જયેશને ફોનમાંથી બધું ડિલીટ કરી નાખવા અને કોઈને ન કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપસરપંચ રાજુભાઈએ જયેશને એમ પણ કહ્યું હતું કે, “મારો મોબાઈલ નંબર કોઈને કેમ આપે છે? કચ્છવાળા કોમલબેન મારી સાથે બોલાચાલી કરે છે, જેથી તું દવા પીને મરી જજે અને ગામમાં દેખાતો નહીં.” આ અપમાન અને ધમકીથી લાગી આવતા જયેશ મેણીયાએ પોતાના ઘરે બાથરૂમમાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.

આ પણ વાંચોઃ કોળીનો ચાળો ન કરે એવું કરીશ, બગદાણા કેસમાં હીરા સોલંકી મેદાનમાં

ઘટનાને કોળી સમાજમાં ભારે આક્રોશ, હોસ્પિટલે ટોળાં ઉમટ્યાં

એ પછી જયેશને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે કોળી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને ન્યાયની માગ કરી હતી. તેમજ આરોપી પકડાયા બાદ જ મૃતદેહ સ્વીકારાશે તેવું જણાવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડી પરિવારજનોને સોંપ્યો હતો. મૃતકના પિતાએ ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચર સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવકને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સરકારી ભરતીઓમાં OBCને અન્યાય સહન નહીં કરીએઃ કોળી સમાજ

koli youth suicide

10 દિવસની સારવાર બાદ કોળી યુવકનું મોત

આ ઘટનામાં શરૂઆતમાં વઢવાણ પોલીસને જાણ કરવામાં આવતા તેણે માત્ર ઘટનાની અરજી લીધી હતી. બાદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ ઉપસરપંચ રાજુ કાળુ ખાચર સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. હવે 10 દિવસની સારવાર બાદ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે યુવકનું મોત થયું છે અને પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવશે?

ફરાર ઉપસરપંચને પકડવા ટીમો બનાવાઈ

પ્રથમ તબક્કામાં યુવકના મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો અને આ બાબતે તપાસ અને નિષ્પક્ષ કાર્યવાહીની ખાતરી આપતા કલાકો પછી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. હાલના તબક્કામાં ઉપસરપંચને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાવવામાં આવી છે, જેમાં એસઓજી, એલસીબીની ટીમો પણ કામે લગાવડવામાં આવી છે. આ અંગે વધુ તપાસ વઢવાણ પોલીસ મથકના પીઆઈને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાટણમાં ઠાકોર સમાજે યુવાનોને અદ્યતન લાઈબ્રેરી ભેટમાં આપી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x