કચ્છના માંડવીમાં 45 મહિલાઓએ ગોબર-ગૌમૂત્રથી સ્નાન કર્યું

કચ્છના માંડવી તાલુકાના ગંગાપર ગામે 45 જેટલી મહિલાઓએ AI ના જમાનામાં સૌંદર્ય નિખાર અને મનની શાંતિ માટે ગોબર અને ગૌમૂત્રથી સ્નાન કર્યું.
kutch-mandavi-gangapar-panchgavya-bath-controversy
kutch-mandavi-gangapar-panchgavya-bath-controversy

દુનિયા આખી એકબાજુ એઆઈ તરફ આગળ વધી રહી છે અને માનવજાત માટે મોટી સમસ્યાઓનો ઉકેલ શોધી રહી છે, બીજી તરફ આપણો કથિત વિશ્વગુરુ ભારત દેશ જાણે ઉર્ધ્વગતિ કરી રહ્યો હોય તેમ હરીફરીને ગાય,ગોબર અને ગૌમૂત્ર તરફ વળી રહ્યો હોય તેવી સ્થિતિ છે. આવી વધુ એક ઘટના કચ્છમાંથી સામે આવી છે. અહીંના માંડવી તાલુકાના ગંગાપર ગામે આવેલી ગૌશાળામાં 45 જેટલી મહિલાઓ માટે ગોબર અને ગૌમૂત્રથી સ્નાન કર્યું હતું. જેને લઈને સ્થાનિક સ્તરે તેમજ સોશિયલ મીડિયા પર વિવિધ વર્ગો દ્વારા વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, ગૌસેવા ગતિવિધિના પશ્ચિમ કચ્છ સંયોજક નવીન ભુડિયાની પ્રેરણાથી ગંગાપર સેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ ગંગાપર પાટીદાર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે શુદ્ધ ખોરાક આરોગતી દેશી ગાયનું તાજું ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં અને ઘીના ચોક્કસ મિશ્રણથી તૈયાર કરવામાં આવતા પંચગવ્ય વડે સ્નાન કરવાથી શારીરિક ત્વચાના વિવિધ રોગોમાં રાહત મળે છે તેમજ માનસિક અને આત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. અગાઉ પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં પુરુષો માટે આવા પ્રયોગો સમયાંતરે કરવામાં આવતા હતા. પરંતુ મહિલાઓ માટે સામાજિક મર્યાદાઓ અને ખાનગીપણું જાળવવું આવશ્યક હોવાથી આવું આયોજન શક્ય બનતું નહોતું. આ વખતે ગંગાપરની ગૌશાળા ખાતે ચારે બાજુથી સુરક્ષિત અને બંધ જગ્યામાં ખાસ વ્યવસ્થા ઊભી કરીને મહિલાઓ માટે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

3 વર્ષની બાળકીઓથી લઈને વૃદ્ધાઓએ ભાગ લીધો

ૐ સુરભ્યૈ નમ: ના વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલા આ વિચિત્ર કાર્યક્રમમાં 3 વર્ષની માસૂમ બાળકીઓથી લઈને 67 વર્ષની વયની વડીલ મહિલાઓ સહિત વિવિધ વયજૂથની મહિલાઓ જોડાઈ હતી. આ કાર્યક્રમમાં એકંદર 45 જેટલી બહેનોએ આખા શરીર પર ગોબર અને ગૌમૂત્ર લગાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવા આયોજનો વારંવાર યોજવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ વિધિના પ્રચાર સંયોજક રામજી વેલાણી સાથેની વાતચીતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યકર્તા જયશ્રીબેન હિરાણી અને ઇરાબેન જાટિયાએ જણાવ્યું હતું કે, ગાયનું ગોબર દુર્ગંધ મારે છે તેવી જે સમાન્ય માન્યતા લોકોમાં હોય છે, તે આ અનુભવથી સાવ ખોટી સાબિત થઈ છે. તેમણે આ સ્નાન બાદ અત્યંત સંતોષ અને નવીન અનુભવ થયો હોવાનું ઉમેર્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્થાનિક મહિલાઓ અને યુવાનોનો પણ મોટો સહકાર સાંપડ્યો હોવાનું કાર્યકર્તા હિરેન વાસાણીએ જણાવ્યું હતું.

તબીબી વિજ્ઞાન શું કહે છે

બીજી તરફ, આ આયોજન અને તેના દાવાઓ સામે વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા તદ્દન ભિન્ન દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવી રહ્યો છે. આધુનિક ડર્મેટોલોજી (ત્વચા વિજ્ઞાન) અને મેડિકલ સાયન્સ અનુસાર, ગાયના છાણ (ગોબર) કે ગૌમૂત્રથી ત્વચાના રોગો મટવા, સૌંદર્યમાં વધારો થવો કે કોઈ પણ પ્રકારની માનસિક કે આત્મિક શાંતિ મળવા અંગેના કોઈ પણ પ્રમાણિત વૈજ્ઞાનિક પુરાવા (Scientific Evidence) વિશ્વભરમાં ઉપલબ્ધ નથી.

તબીબોના મતે, ગાયના તાજા છાણ અને ખુલ્લા ગૌમૂત્રમાં અનેક પ્રકારના બેક્ટેરિયા, વાયરસ અને પરોપજીવી સૂક્ષ્મજીવો (Pathogens) હોઈ શકે છે. જો આ ઘટકો શરીર પર ઘસવામાં આવે કે તેનાથી સ્નાન કરવામાં આવે તો ત્વચા પર એલર્જી, ખંજવાળ કે ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાનું જોખમ રહેલું છે.

આ પણ વાંચોઃ દલિત યુવકને 6 ગૌરક્ષકોએ માર મારી ગોબર ખવડાવ્યું!

વર્તમાન ટેકનોલોજીનો યુગ અને વૈજ્ઞાનિક અભિગમ

આજના 21મી સદીના આધુનિક યુગમાં જ્યાં સમગ્ર વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, સ્પેસ રિસર્ચ અને જીનોમિક્સ જેવી અદ્યતન ટેકનોલોજી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે પરંપરા અને આસ્થાના નામે પશુઓના મળ-મૂત્ર વડે સ્નાન કરવા જેવા પ્રયોગો સામે વિચારકો અને તર્કશાસ્ત્રીઓ સવાલો ઉઠાવી રહ્યા છે.

બંધારણીય રીતે પણ દેશના દરેક નાગરિકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ (Scientific Temper) અને તર્કસંગત વિચારસરણીનો વિકાસ થાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. વિજ્ઞાનવાદીઓનું માનવું છે કે, ચામડીની સંભાળ કે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માટે તબીબી રીતે પ્રમાણિત પદ્ધતિઓ અને વિજ્ઞાન આધારિત સારવાર જ અપનાવવી જોઈએ.

આમ, એક તરફ જ્યાં સ્થાનિક આયોજકો અને સહભાગી મહિલાઓ તેને પોતાની પરંપરા, આસ્થા અને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડીને યોગ્ય ઠેરવી રહ્યા છે; તો બીજી તરફ વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ વર્ગ આ પ્રકારના પ્રયોગોને તથ્યહીન અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનારા ગણાવીને તર્કબદ્ધ અભિગમ અપનાવવાની હિમાયત કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ બજરંગ દળે દલિત આધેડને બળજબરીથી ગોબર ખવડાવી ઢોર માર માર્યો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x