મહારાષ્ટ્રનું સૌંદળા ગામ બન્યું દેશનું પ્રથમ ‘જાતિમુક્ત ગામ’

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકાના સૌંદળા ગામે એક ઐતિહાસિક નિર્ણય લઈને પોતાને પોતાને ‘જાતિમુક્ત ગામ’ જાહેર કર્યું છે.
Maharashtras Saundla first caste-free village

અહલ્યાનગર: ભારતીય સમાજ વ્યવસ્થામાં સદીઓથી ઘર કરી ગયેલા જાતિગત ભેદભાવ, ઊંચ-નીચના ભેદ અને અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીઓ સામે મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલા સૌંદળા ગામે ક્રાંતિનું રણશિંગૂ ફૂક્યું છે. આ ગામે સ્વયંને સત્તાવાર રીતે ‘જાતિમુક્ત ગામ’ જાહેર કરીને એક નવો અને સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. જ્યારે દેશના અનેક ભાગોમાં આજે પણ જાતિવાદના નામે હિંસા, સામાજિક બહિષ્કાર અને અસમાનતાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે સૌંદળા ગામની આ પહેલ સમગ્ર દેશ માટે સામાજિક પરિવર્તનની એક નવી આશા જન્માવે છે.

ગ્રામસભામાં સર્વસંમતિથી પસાર થયો ક્રાંતિકારી પ્રસ્તાવ

‘ધ વાયર’ના અહેવાલ મુજબ, ગત 5 ફેબ્રુઆરીના રોજ સૌંદળા ગ્રામ પંચાયતની એક વિશેષ બેઠક સાંજે 4 કલાકે સરપંચ શરદ બાબુરાવ અર્ગડેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગામમાં વ્યાપ્ત અદ્રશ્ય જાતિવાદની દીવાલોને તોડવાનો હતો. સરપંચ અર્ગડેએ આ બેઠકમાં સૌંદળા ગામને સંપૂર્ણપણે ‘જાતિમુક્ત’ જાહેર કરવાનો ક્રાંતિકારી પ્રસ્તાવ મૂક્યો હતો. સરપંચ તરીકેના પોતાના ત્રણ કાર્યકાળ દરમિયાન તેમણે અનુભવ્યું હતું કે સામાજિક સમરસતા વિના ગામનો સાચો વિકાસ શક્ય નથી. તેમણે સતત ગ્રામજનો સાથે સંવાદ સાધીને આ પરિવર્તન માટે પાયો તૈયાર કર્યો હતો.

આ પણ વાંચો: દેશની યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118 ટકા વધી

આ બેઠકમાં ગામના સવર્ણ, બહુજન અને મુસ્લિમ સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, ત્યારે તેને કોઈ પણ જાતના વિરોધ વિના સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી. આ દ્રશ્ય ભારતીય લોકશાહી અને બંધારણીય મૂલ્યોના વિજય સમાન હતું.

Maharashtras Saundla first caste-free village

માનવતા જ એકમાત્ર સાચી ઓળખનો મંત્ર અપનાવાયો

ગ્રામસભામાં પસાર કરાયેલા આ સંકલ્પ પત્રની શરૂઆત ભારતીય બંધારણ અને તેની પ્રસ્તાવનાના ઉલ્લેખ સાથે કરવામાં આવી છે. જેમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂળ સિદ્ધાંતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઠરાવમાં સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી સૌંદળા ગામમાં જ્ઞાતિ, ધર્મ, પંથ કે વંશના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. ગામના દરેક નાગરિકે ‘માઝી જાત માનવ’ એટલે કે ‘મારી જ્ઞાતિ માનવ છે’ ના મંત્રને પોતાના જીવનમાં ઉતારવાનો નિર્ધાર કર્યો છે. આ સંકલ્પ પત્રમાં લખ્યું છે કે, “હવેથી કોઈ પણ વ્યક્તિ જાતિવાદનું પાલન કરશે નહીં કે કોઈ પણ જાતિગત પ્રથામાં ભાગ લેશે નહીં. માનવતા જ ગામવાસીઓનો એકમાત્ર ધર્મ રહેશે.”

ગામના તમામ જાહેર સ્થળો પર સૌનો એકસમાન અધિકાર

આ ઐતિહાસિક નિર્ણય બાદ ગામના તમામ જાહેર સ્થળો જેવા કે મંદિરો, સ્મશાનગૃહ, શાળાઓ, પાણીના સ્ત્રોતો અને સામાજિક કાર્યક્રમો તમામ નાગરિકો માટે સમાન રીતે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અસ્પૃશ્યતા કે સામાજિક અન્યાયને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, આધુનિક સમયના પડકારને પહોંચી વળવા માટે પણ પંચાયતે મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા (ફેસબુક, વોટ્સએપ વગેરે) પર જાતિગત વૈમનસ્ય ફેલાવતી કે તણાવ પેદા કરતી પોસ્ટ કરશે, તો તેની સામે ગ્રામ પંચાયત દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં જાતિસૂચક 75 જેટલા વિસ્તારોના નામ બદલવામાં આવશે

વર્ષોની વૈચારિક મથામણનું પરિણામ આખરે મળ્યું ખરું

સૌંદળા ગામ માટે સામાજિક સુધારા એ કોઈ અચાનક આવેલું પરિવર્તન નથી, પરંતુ વર્ષોની વૈચારિક મથામણનું પરિણામ છે. આ પૂર્વે પણ ગ્રામસભાએ અનેક પ્રગતિશીલ અને લિંગ સંવેદનશીલ નિર્ણયો લીધા છે. જેમાં બાળ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ, વિધવા મહિલાઓના પુનઃલગ્નને મંજૂરી, ઘરેલું હિંસા અને દહેજ પ્રથા વિરુદ્ધ કડક કાયદાઓનો અમલ સામેલ છે. વધુમાં, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સુવિધાઓ અને ગ્રામ પંચાયતની રાજકીય પ્રક્રિયામાં મહિલાઓની સક્રિય ભાગીદારી વધારવા માટે પણ આ ગામ અગ્રેસર રહ્યું છે.

દેશ માટે એક માર્ગદર્શક ઉદાહરણ પુરું પાડ્યું

એકબાજુ આજે જ્યારે દેશભરમાં મનુવાદીઓ દલિતો, આદિવાસીઓના હકો પર તરાપ મારવા ઉતાવળા થયા છે. યુજીસી નિયમો અને અનામતનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સૌંદળા ગામના ગ્રામજનોએ જે આત્મવિશ્વાસ અને ભાઈચારો દર્શાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. આ પગલું સાબિત કરે છે કે જો સ્થાનિક નેતૃત્વ મજબૂત હોય અને લોકોના વિચારોમાં સ્પષ્ટતા હોય, તો કાયદાઓ કરતા પણ સામાજિક સંકલ્પ વધુ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. સૌંદળાએ માત્ર મહારાષ્ટ્રને જ નહીં, પણ સમગ્ર ભારતને એક નવી દિશા બતાવી છે કે કેવી રીતે ‘માનવતા’ને સર્વોપરી માનીને એક આદર્શ સમાજનું નિર્માણ કરી શકાય છે.

આ પણ વાંચો: શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘જાતિવાદી’ છે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
30 days ago

*આઝાદ ભારતના સંવિધાનનો જય જયકાર હો!
માણસે માનસિક રીતે જાતિમુક્ત થવું અને માનવતાવાદી બનવું એ સંવિધાનની આધ્યાત્મિકતાની સર્વોચ્ચ પરાકાષ્ઠા છે, તે જાતિવાદી માનસિકતા ધરાવતાં લોકો એ ભુલવું જોઈએ નહીં!
*સમ્માનીય સરપંચ શ્રી અને જાગૃત સૌદરળા ગ્રામવાસીઓને ખુબ ખુબ હાર્દિક અભિનંદન સાથે સૌને સપ્રેમ જયભીમ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ અને મંગલમય જીવનની મનોકામનાઓ પાઠવું છું ખુબ ખુબ ધન્યવાદ સાધુવાદ…!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x