જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડના મુખ્ય આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખ બનાવ્યો

વર્ષ 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ કેસના મુખ્ય આરોપીમાં બાયડના આકાશ પટેલનું નામ સામે આવ્યું હતું. હવે ભાજપે તેને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો.
Junior Clerk Paper Scam

ગુજરાતની ભાજપ સરકાર એક તરફ પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને રોકવા માટે વિધાનસભામાં કડક કાયદાઓ પસાર કરીને ‘ઝીરો ટોલરન્સ’ની વાતો કરે છે, તો બીજી તરફ પક્ષના સંગઠનમાં જ કૌભાંડીઓને ‘રેડ કાર્પેટ’ સન્માન આપવામાં આવતું હોય તેવો ઘાટ સર્જાયો છે. જાન્યુઆરી 2023ના ચકચારી જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં જેની સંડોવણી ખુલી હતી અને જેની ધરપકડ થઈ હતી, તેવા આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા પક્ષની કથની અને કરણી વચ્ચેનો તફાવત ખુલ્લો પડી ગયો છે. આ નિર્ણયથી માત્ર વિરોધ પક્ષ જ નહીં, પરંતુ પક્ષના નિષ્ઠાવાન કાર્યકરો અને લાખો બેરોજગાર યુવાનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપીને પ્રમુખ બનાવાયો

ઘટનાની વિગત એવી છે કે જાન્યુઆરી 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા પેપર લીક થઈ ગયું હતું. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો અને લાખો પરીક્ષાર્થીઓની વર્ષોની મહેનત અને આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થતા ગુજરાત એટીએસ (ATS) એ હૈદરાબાદની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર ચોરી કરનાર આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. આ તપાસના તાર જ્યારે ગુજરાતમાં જોડાયા ત્યારે બાયડના આકાશ પટેલનું નામ મુખ્ય આરોપીઓ પૈકીના એક તરીકે સપાટી પર આવ્યું હતું.

આ પણ વાંચો: બોલો લો! ઉનામાં બે વર્ષથી ચાલતી નકલી બીએડ કોલેજ ઝડપાઈ

ATSની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આકાશ પટેલે કથિત રીતે ₹10 લાખ જેવી મોટી રકમ આપીને જુનિયર ક્લાર્કનું પેપર પરીક્ષા પહેલા જ મેળવી લીધું હતું. આ કેસમાં ATS દ્વારા જે 25 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં આકાશ પટેલનો સમાવેશ થતો હતો અને તેણે જેલની હવા પણ ખાવી પડી હતી.

સત્તાના જોરે ‘શુદ્ધિકરણ’ અને રાજકીય ગોઠવણ

રાજકીય વર્તુળોમાં વહેતી ચર્ચા મુજબ, આકાશ પટેલના કાકા સ્થાનિક કોર્પોરેટર હોવાથી તેમનું સ્થાનિક રાજકારણમાં ખાસ્સું વર્ચસ્વ છે. આ જ રાજકીય વગ અને ‘મોટા માથાઓ’ સાથેના સંપર્કોને કારણે જેલમાં ગયેલા આરોપીએ ભાજપના સંગઠનમાં સીધું પ્રમુખ પદ હાંસલ કરી લીધું હોવાનું મનાય છે. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જેવું જવાબદાર પદ આપીને ભાજપે જાણે એવો સંદેશ આપ્યો છે કે જો તમારી પાસે રાજકીય વગ હોય, તો ગુનાહિત ભૂતકાળ ગૌણ બની જાય છે. એટલું જ નહીં, એવી પણ ચર્ચા છે કે આકાશ પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની લોબી મજબૂત કરી દીધી છે અને તે હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની ગોઠવણ કરી રહ્યો છે.

આ પણ વાંચો: ટોઈલેટ સાફ કરતો છોકરો કેવી રીતે દુનિયાનો ‘સેમિકન્ડક્ટર કિંગ’ બન્યો?

રાજ્યના લાખો મહેનતુ યુવાનો સાથે ક્રૂર મજાક

એક બાજુ રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો લાયબ્રેરીઓમાં રાત-દિવસ એક કરીને સરકારી નોકરીના સપના જોતા હોય છે, ત્યારે બીજી તરફ તે જ સપનાઓને વેચનાર કે ખરીદનાર આરોપીને સત્તાધારી પક્ષ સંગઠનમાં ઉચ્ચ સ્થાન આપે તે લોકશાહીની ક્રૂર મજાક સમાન છે. વિરોધ પક્ષો હવે આ મુદ્દે આક્રમક બન્યા છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ભાજપમાં ‘વોશિંગ મશીન’ જેવી સિસ્ટમ છે કે જેમાં ભ્રષ્ટાચારીઓ પ્રવેશતા જ પવિત્ર થઈ જાય છે?

સોશિયલ મીડિયા પર યુવાનો સવાલ કરી રહ્યા છે કે જો પેપર ફોડનારા કે ખરીદનારાઓને જ યુવા મોરચાના નેતા બનાવવામાં આવશે, તો ભવિષ્યમાં પારદર્શક ભરતીની આશા કઈ રીતે રાખી શકાય? આJunior Clerk Paper Scam ઘટનાથી લોકોમાં એવી છાપ ઉપસી રહી છે કે ભાજપમાં નૈતિકતા કરતા ‘વગ’ અને ‘વર્ચસ્વ’નું મહત્વ વધી ગયું છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપનું પ્રદેશ નેતૃત્વ આ મામલે હસ્તક્ષેપ કરીને પોતાની છબી સુધારે છે કે પછી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જ આગળ વધશે?

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર દલિતો માટે ‘ડેન્જર ઝોન’ બન્યું, 7 દિવસમાં 3 દલિતોની હત્યા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
9 days ago

*બીજેપી ભાજપાની અમૃતકાલની સરકાર બીજું શું કરી શકે? જેની પાસે ત્રિનેત્રની શક્તિ નથી જેની પાસે ત્રીજુ મગજ નથી તેવા પાસે શું અપેક્ષાઓ રાખી શકાય તેમ છે? ખુલ્લાં ભષ્ટ્રાચારી ઓ માટે વોશિંગ મશીન મેન્યુફેક્ચરીન્ગ કંપનીનો મહિમા મોટો છે!
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x