જૂનાગઢના કાથરોટા ગામમાં કપડાની ફેરી કરનાર દલિત યુવકને તેની જાતિ પૂછી જીવલેણ હુમલો કરનાર જાતિવાદી શખ્સની પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી લીધી છે. આરોપી શખ્સે 32 વર્ષીય લક્ષ્મણભાઈ પરમાર નામના યુવક પર માત્ર એટલા માટે લાકડી વડે હુમલો કર્યો હતો કારણ કે તેઓ દલિત સમાજમાંથી આવતા હતા.
મામલો શું હતો?
ગત શનિવારે લક્ષ્મણભાઈ કાથરોટા ગામમાં કપડાની ફેરી કરવા ગયા હતા. એ દરમિયાન ગામના વિકાસ જમનભાઈ ડાવરીયા નામના જાતિવાદી તત્વે તેમની જાતિ પૂછી હતી. જ્યારે લક્ષ્મણભાઈએ “હું દલિત છું” એમ કહેતા વિકાસ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી લઈને લક્ષ્મણભાઈ પર તૂટી પડ્યો હતો. આરોપીએ લક્ષ્મણભાઈના હાથ, પીઠ અને પગ પર લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં લક્ષ્મણભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસના દલિત નેતાનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળીઓનાં નિશાન
એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ બનાવ બાદ લક્ષ્મણભાઈએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિકાસ ડાવરીયા સામે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ તેમજ IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને પોલીસે આરોપી વિકાસ દાવરીયાની ધરપકડ કરી લીધી છે.
જાતિવાદી શખ્સનો વરઘોડો કાઢવા દલિતોની માંગ
આ ઘટનાને લઈને સ્થાનિક દલિત આગેવાનો અને સમાજના લોકોમાં ભારે રોષ છે. સમાજના આગેવાનોએ માંગ કરી છે કે પોલીસ સવર્ણ જાતિના આરોપીઓને છાવરતી રહે છે. પણ જો આરોપી દલિત, આદિવાસી કે ઓબીસી સમાજમાંથી હોય તો તેની ફુલેકું કાઢે છે. તો વિકાસનું પણ તેના જ ગામ કાથરોટામાં ફૂલેકું કાઢી સરભરા કરવામાં આવે. સ્થાનિકોનું આ પ્રકારનું જાતિવાદી વર્તન જરાય સહન કરવામાં નહીં આવે. વિકાસે લક્ષ્મણભાઈને માત્ર તેમની જાતિ પૂછી હતી અને પછી દલિત હોવાનું જાણવા મળતા જ હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: જૂનાગઢના કાથરોટામાં દલિત યુવકની જાતિ પૂછી જીવલેણ હુમલો