મહારાષ્ટ્રમાં મરાઠાઓને OBCસામેલ કરવાને લઈને ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. મરાઠાઓને રાજી કરવા તેમને OBCમાં સામેલ કરવાનું સરકારે નક્કી કર્યુ છે, પરંતુ હવે OBC સંગઠનોમાં નારાજગી પ્રવર્તી રહી છે અને તેમણે ચિમકી ઉચ્ચારી છે કે, જો મરાઠાઓને OBCમાં સામેલ કરવામાં આવશે તો મુંબઈ ઠપ્પ કરી દઈશું?
મુંબઈમાં ટૂંક સમયમાં બીજું મોટું અનામત વિરોધી પ્રદર્શન જોવા મળી શકે છે, જે શહેરના રોજિંદા જીવનને મોટી અસર કરી શકે તેમ છે. OBC (અન્ય પછાત વર્ગ) સમાજના નેતાઓએ ચેતવણી આપી છે કે તેઓ OBC કેટેગરીમાં મરાઠાઓને સામેલ કરવા સહિતના સરકારી આદેશ (GR) સામે 8 કે 9 ઓક્ટોબરે મુંબઈમાં આંદોલન કરી શકે છે.
OBC નેતાઓ અને સંગઠનોનું કહેવું છે કે સરકારે તાજેતરમાં એક સરકારી આદેશ જારી કર્યો છે, જેમાં જણાવાયું છે કે મરાઠાવાડા ક્ષેત્રના મરાઠા સમાજના તમામ લોકો હૈદરાબાદ ગેઝેટના આધારે OBC જાતિ પ્રમાણપત્ર મેળવી શકે છે. આનાથી તેમને કોઈપણ પ્રકારની તપાસ વિના OBC પ્રમાણપત્ર મળી જશે. OBC સંગઠનોને લાગે છે કે આનાથી તેમના અનામત ક્વોટા પર અસર પડશે.
આ પણ વાંચો: SC ની 64 ટકા, ST ની 83 ટકા, OBCની 80 ટકા પ્રોફેસરોની જગ્યાઓ ખાલી
સરકાર અને મુખ્યંત્રીનું વલણ મરાઠાઓ તરફી?
આ વિરોધ વચ્ચે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે OBC અનામત સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે GR માં ક્યાંય એવું લખેલું નથી કે બધા મરાઠાઓની સીધી OBC અનામત મળશે. જે કોઈ અરજી કરશે, તેણે પોતાના વંશનો પુરાવો આપવો પડશે અને સંબંધિત અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેટલાક લોકો આ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મનોજ જરાંગેના આંદોલને મુંબઈને બાનમાં લીધું હતું
29 ઓગસ્ટના રોજ, મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરંગેએ મુંબઈમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ શરૂ કરી હતી. જોકે, પાંચમા દિવસે, સરકારે તેમની માંગણીઓ સ્વીકારી અને GR જારી કરી દેતા આંદોલન સમેટાઈ ગયું હતું. એ દરમિયાન, હજારો લોકો મુંબઈ પહોંચ્યા હતા , જેના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને જનજીવન ખોરવાઈ ગયું હતું. આ દરમિયાન, OBC સમુદાયના કેટલાક લોકોએ આ GR ને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે.
કોંગ્રેસ નેતાની સલાહ
આ મામલે વિજય વડેટ્ટીવારે કહ્યું કે ઓબીસી સમાજને આ GR અંગે કેટલીક શંકાઓ છે, જેને દૂર કરવા માટે સરકારે તમામ ઓબીસી સંગઠનો અને નેતાઓની બેઠક બોલાવવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે નવો GR જારી કરતી વખતે સરકારે જૂના મરાઠા અનામત સંબંધિત દસ્તાવેજ રદ કરવાનો ઉલ્લેખ કર્યો નથી, જેના કારણે મૂંઝવણ ઊભી થઈ રહી છે.
આ પણ વાંચો: મરાઠાઓ જેમની OBC અનામતમાં ભાગ માંગે છે તે ‘કુણબી’ કોણ છે?