માતા રમાબાઈ આંબેડકર: ત્યાગ, સમર્પણ અને સામાજિક ક્રાંતિની મૌન યોદ્ધા

બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના સંઘર્ષમય જીવનમાં મજબૂત આધારસ્તંભ બની રહેનારા માતા રમાબાઈના ત્યાગ અને સમર્પણની કહાની.
Mata Ramabai Ambedkar

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવનની સફળતા પાછળ જે વ્યક્તિનું સૌથી મોટું અને મૂક બલિદાન છુપાયેલું છે, તે છે માતા રમાબાઈ ભીમરાવ આંબેડકર. તેમનો જન્મ 7 ફેબ્રુઆરી 1897ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના દાપોલી તાલુકાના વાણંદ ગામમાં થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલા રમાબાઈનું બાળપણ અનેક આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ વચ્ચે વીત્યું હતું. નાની ઉંમરે જ માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેમનો ઉછેર તેમના કાકાએ મુંબઈમાં કર્યો હતો.

1906માં મુંબઈના ભાયખલાના શાક માર્કેટમાં એક અત્યંત સાદગીપૂર્ણ સમારોહમાં તેમના લગ્ન ડૉ.આંબેડકર સાથે થયા. તે સમયે રમાબાઈની ઉંમર માત્ર 9 વર્ષની હતી અને ભીમરાવની ઉંમર 14 વર્ષની હતી. આ એ સમય હતો જ્યારે દલિત અને વંચિત સમાજ માટે શિક્ષણ અને માનવ અધિકારોના દ્વાર બંધ હતા.

લગ્ન બાદ રમાબાઈના જીવનમાં જવાબદારીઓનો પહાડ તૂટી પડ્યો, પરંતુ તેમણે ક્યારેય હિંમત હારી નહીં. ડૉ.આંબેડકર જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા, ત્યારે ઘરની આખી જવાબદારી રમાબાઈના ખભા પર હતી. આર્થિક સંકડામણ એટલી હદે હતી કે ક્યારેક તેમણે છાણાં વેચીને તો ક્યારેક મજૂરી કરીને ઘર ચલાવવું પડતું હતું. પોતે ભૂખ્યા રહીને પણ તેમણે બાબાસાહેબના અભ્યાસમાં ક્યારેય રુકાવટ આવવા દીધી નહીં.

આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો

બાબાસાહેબને વિદેશમાં પત્રો લખતી વખતે રમાબાઈ ક્યારેય પોતાની મુસીબતોનો ઉલ્લેખ કરતા નહોતા, જેથી બાબાસાહેબ ચિંતિત ન થાય અને પોતાનું પૂરું ધ્યાન અભ્યાસમાં આપી શકે. આ તેમની મહાનતા અને દૂરદ્રષ્ટિનો પરિચય આપે છે.

ચાર સંતાનોનું બાળપણમાં જ અવસાન થયું

માતા રમાબાઈનું જીવન કરુણા અને વેદનાથી ભરેલું હતું. તેમને પાંચ સંતાનો હતા — યશવંત, ગંગાધર, રમેશ, ઇન્દુ અને રાજરત્ન. દુર્ભાગ્યવશ, યોગ્ય સારવાર અને આર્થિક અભાવને કારણે યશવંત સિવાયના ચાર સંતાનોનું બાળપણમાં જ અવસાન થયું. એક માતા માટે પોતાના સંતાનોને પોતાની નજર સામે ગુમાવવા એ અસહ્ય પીડા હતી, છતાં રમાબાઈએ આ વ્યક્તિગત દુઃખને ગળી જઈને બાબાસાહેબને સામાજિક ક્રાંતિના માર્ગે અવિરત ટેકો આપ્યો.

Mata Ramabai Ambedkar

બાબાસાહેબની સફળતામાં સિંહફાળો

ડૉ. બાબાસાહેબ આંબેડકર પોતે માનતા હતા કે જો રમાબાઈએ ઘરની જવાબદારીઓ સંભાળી ન હોત અને ત્યાગ ન આપ્યો હોત, તો તેઓ ક્યારેય ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા ન હોત. બાબાસાહેબના જીવનમાં રમાબાઈનું સ્થાન એક પત્ની કરતા પણ વધારે એક સાથી અને પ્રેરણારૂપ હતું. તેમની સહનશીલતા અને અતૂટ આત્મબળના કારણે જ ભીમરાવ એક સામાન્ય યુવાનમાંથી વિશ્વવિખ્યાત વિદ્વાન અને ક્રાંતિકારી નેતા બની શક્યા.

આ પણ વાંચો: મેંદરડા તા.પં. કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવાતા દલિતોમાં રોષ

બાબાસાહેબે તેમના પુસ્તક “Thoughts on Pakistan” (૧૯૪૧) માં રમાબાઈ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેને અર્પણ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે રમાબાઈની પવિત્રતા, મનોબળ અને ત્યાગના કારણે જ તેઓ સમાજ માટે કંઈક કરી શક્યા છે.

અંતિમ વિદાય અને રાષ્ટ્રીય સન્માન

લાંબી માંદગી અને અનેક શારીરિક કષ્ટો સહન કર્યા બાદ, ૨૭ મે ૧૯૩૫ના રોજ મુંબઈના ‘રાજગૃહ’ (હિન્દુ કોલોની, દાદર) ખાતે માતા રમાબાઈનું અવસાન થયું. તેમના અવસાનથી માત્ર બાબાસાહેબને જ નહીં, પરંતુ સમગ્ર દલિત અને વંચિત સમાજને મોટી ખોટ પડી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ૩૦ મે 2018 ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પુણે ખાતે તેમની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, જે તેમના રાષ્ટ્રીય મહત્ત્વને દર્શાવે છે.

માતા રમાબાઈઃ સામાજિક ક્રાંતિના મૌન યોદ્ધા

માતા રમાબાઈ, જેમને દુનિયા ‘રમાઈ’ તરીકે ઓળખે છે, તે સ્ત્રી શક્તિ અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે. આજના દિવસે આપણે તેમના જીવનમાંથી એ શીખવાની જરૂર છે કે કઈ રીતે સામાજિક પરિવર્તન માટે પોતાનું સુખ બલિદાન કરી શકાય છે. તેઓ સામાજિક ક્રાંતિના મૌન યોદ્ધા હતા, જેમણે પડદા પાછળ રહીને ભારતના ભવિષ્યને ઘડવામાં અમૂલ્ય યોગદાન આપ્યું. આજે તેમના જન્મદિવસ નિમિત્તે, આપણે સૌ તેમના ત્યાગને નમન કરીએ અને તેમના આત્મબળમાંથી પ્રેરણા લઈએ. માતા રમાબાઈ આંબેડકરને કોટી કોટી વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ.

આ પણ વાંચો: માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પરમાર નિલેશ
પરમાર નિલેશ
1 day ago

માતા રમાબાઈ ખરેખર મૌન યોદ્ધા હતા

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x