મથુરામાં જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજાની જાન પર હુમલો કરી હોબાળો મચાવ્યો હોવાના સમાચાર છે. જાટ સમાજના લુખ્ખા તત્વોએ જાનૈયાઓને લાકડી-દંડા અને લોખંડના સળિયા લઈ દોડાવી દોડાવીને માર્યા હતા. એટલું જ નહીં બગીમાં બેઠેલા વરરાજાનો કોલર પકડીને તેમને ખેંચીને નીચે ઉતાર્યા હતા અને તેમને ફરીથી જો બગીમાં બેઠા તો ગોળી મારી દેવાની ધમકી આપી હતી. કન્યા પક્ષ દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એ પછી પોલીસ સુરક્ષા વચ્ચે લગ્ન સંપન્ન થઈ શક્યા હતા. જો કે, એ પછી પણ આરોપીઓએ કન્યા વિદાય દરમિયાન યુવતીના ઘરમાં ઘૂસીને હુમલો કરી અનેક લોકોને ઘાયલ કર્યા હતા.
ગામમાં 80 ટકા વસ્તી દલિતોની છતાં જાટોએ હુમલો કર્યો
ઘટના મથુરાના ભુરેકા ગામની છે. અહીં એક દલિત કન્યાના લગ્ન દરમિયાન જાટ સમાજના ત્રણ યુવકો સાથે 25-30 લોકોના ટોળાએ વરરાજા અને જાન પર હુમલો કરી દીધો હતો. જેમાં જાનૈયાઓને દોડાવી દોડાવીને માર માર્યો હતો.
એ ઘટના પછી પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી. જેમ છતાં કન્યા વિદાય વખતે ફરીથી એ જ આરોપીઓએ ઘાતક હથિયારો સાથે કન્યાના ઘરમાં ઘૂસી જઈને હુમલો કરી અનેક લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. કન્યાના કાકાએ પોલીસ સ્ટેશનમાં 3 લોકો વિરુદ્ધ નામજોગ અને અન્ય 20-25 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ ગામમાં ૮૦ ટકા વસ્તી દલિતોની છે, તેમ છતાં બહાર ગામથી આવેલા જાટ સમાજના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.
વરરાજાનો કોલર પકડી બગીમાંથી ઉતારી માર માર્યો
ભૂરેકા ગામના રહેવાસી પૂરણ સિંહે જણાવ્યું હતું કે, “મારી ભત્રીજી કલ્પનાના લગ્ન અલીગઢના નાગલા પદમ ગામના રહેવાસી આકાશ સાથે નક્કી થયા હતા. 20મી મેની રાત્રે જાન ગામમાં આવી પહોંચી હતી. રાત્રે લગભગ ૧૨:૩૦ વાગ્યે વરઘોડો નીકળી રહ્યો હતો. એ દરમિયાન બાજુના ગામ નવલી અને મહારામગઢીના જાટ સમાજના ત્રણ યુવાનો તેમના 20-25 સાગરિતો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે જાનૈયાઓને ડીજે બંધ કરવા કહ્યું. પરંતુ ડીજે બંધ ન કર્યું ત્યારે આ તેમણે અપશબ્દો અને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું. ડીજેચાલકને ડીજેવાનમાંથી નીચે ઉતારી લોખંડના સળિયાથી માર્યો. એ પછી વરઘોડામાં નાચતા જાનૈયાઓ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ વરરાજાને કોલર પકડીને બગીમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને જો ફરીથી બગીમાં ચડ્યાં તો ગોળી મારી દઈશું તેવી ધમકી આપી હતી.
“દલિત થઈને તારી બગીમાં બેસવાની હિંમત કેમ થઈ?”
પૂરણ સિંહે કહ્યું કે, “હુમલાખોરોએ વરરાજાને કહ્યું કે દલિત થઈને તારી બગીમાંથી બેસીને અહીંથી નીકળવાની હિંમત કેવી રીતે થઈ? જો ફરીથી ડીજે વગાડીને બગીમાં બેસીને અહીંથી નીકળ્યા તો ગોળી મારી દઈશું. એ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતા હસનપુર ચોકીના ઇન્ચાર્જ આશિષ કુમાર પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસને આવતી જોઈને હુમલાખોરો ભાગી ગયા. એ પછી આખી રાત પોલીસકર્મીઓ તૈનાત રહ્યા ત્યારે લગ્ન થઈ શક્યા હતા. બુધવારે સવારે 6 વાગ્યે પોલીસ રવાના થઈ ગઈ.”
આ પણ વાંચો: RSS ના ચામૂ કૃષ્ણ શાસ્ત્રીની લાયકાત કેમ છુપાવાઈ રહી છે?
કન્યા વિદાય વખતે કન્યાના ઘરમાં ઘૂસી હુમલો કર્યો
ચોંકાવનારી વાત એ છે કે, મધરાતે આટલી મોટી બબાલ થયા પછી પણ હુમલાખોરો બીજા દિવસે સવારે કન્યા વિદાય વખતે તમંચા અને ચાકુ લઈને કન્યાના ઘરમાં ઘૂસી ગયા હતા. ફરીથી સવારે 8 વાગ્યે હુમલાખોરો 6 બાઇક પર આવ્યા હતા. બધાએ પોતાના ચહેરા ઢાંકેલા હતા અને તેમની પાસે પિસ્તોલ, છરી અને લાકડીઓ હતી. હુમલાખોરો કન્યાના ઘરમાં ઘૂસી ગયા અને તેના પરિવારના સભ્યો સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો. જેમાં પુરણ, મનીષકુમાર, પ્રહલાદ, ધીરજ, સુરેશ ચંદ અને સૂરજમુખી વગેરે ઘાયલ થયા હતા. આરોપીઓએ બગીચાલકને પણ રસ્તામાં રોકીને તેને પણ માર મારીને પૈસા છીનવી લીધા હતા.
કન્યાને વિદાય આપવા પોલીસે સરહદ સુધી જવું પડ્યું
હુમલાખોરોની ધાકનો એના પરથી પણ અંદાજ લગાવી શકાય તેમ છે કે કન્યાને વિદાય આપવા માટે પોલીસે તેને છેક સરહદ સુધી મૂકવા જવું પડ્યું હતું. એ પહેલા હુમલાખોરોએ કન્યાના ઘરની બહાર પાર્ક કરેલી ઇકો કાર, બાઇક, ખાટલો અને ખુરશીઓ વગેરે તોડી નાખી હતી.
ઘટનાની જાણકારી મળતા જ ભીમ આર્મીના કાર્યકરો ગામમાં પહોંચી ગયા હતા. તેમણે પોલીસને જાણ કરતા બપોરે બાદ પોલીસ અને ભીમ આર્મીના કાર્યકરોની હાજરીમાં કન્યાને વિદાય આપવામાં આવી હતી. પોલીસ વરરાજા અને કન્યાને અલીગઢ જિલ્લાની સરહદ સુધી મૂકવા ગઈ હતી.
પિતા-ભાઈ વિનાની દીકરીના લગ્ન બગડ્યાં
કન્યાના કાકાના જણાવ્યા પ્રમાણે કન્યાના પિતાનું વર્ષો પહેલા અવસાન થયું છે. તેનો કોઈ ભાઈ પણ નથી. તેની માતાએ મહેનત-મજૂરી કરીને દીકરીને ઉછેરી છે અને સમાજના લોકોની મદદથી તેના લગ્ન કરાવ્યા હતા. જેમાં જાતિવાદી જાટોએ હુમલો કરી જિંદગીના એકમાત્ર સુખદ પ્રસંગમાં પણ શોકનું મોજું ફેરવી દીધું હતું. આ મામલે પોલીસે કેસ નોંધ્યો છે પરંતુ હજુ સુધી એકેય આરોપીની ધરપકડ કરી નથી.
આ પણ વાંચો: ઉનાકાંડ પોલીસકર્મી મૃત્યુ કેસમાં તમામ 10 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં