ગુજરાતમાં હાલ એક સડકછાપ કથિત પત્રકારની આદિવાસી સમાજ વિશેની અત્યંત નિમ્ન સ્તરની ટિપ્પણીઓ વિશે ભારે હોબાળો મચેલો છે ત્યારે જ એક આદિવાસી યુવકની ઝળહળતી સફળતાએ સડકછાપ કથિત પત્રકારની બોલતી બંધ કરી દીધી છે. મળતી માહિતી મુજબ સુરતના મહુવા તાલુકાના એક અંતરિયાળ ગામના એક આદિવાસી યુવકે ઈન્ડિગો એરલાઈનમાં કોમર્શીયલ પાયલટ બનીને આદિવાસી યુવાનોની પ્રગતિનો નવો ઈતિહાસ રચ્યો છે. આદિવાસી યુવકની ઇન્ડિગો એરલાઇન્સમાં પાઇલટ તરીકે પસંદગી કરવામાં આવી છે અને તેઓ ટૂંક સમયમાં પોતાની સેવા શરૂ કરશે.
સુરતના દેદવાસણાના મિલન પટેલની સફળતા
વાત છે દેદવાસણના આદિવાસી યુવાન મિલન પટેલની. મિલન પટેલ શિક્ષક માતાપિતાનો પુત્ર છે અને તેણે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે પાઇલટ બનવાનું નક્કી કર્યું હતું. એર ઇન્ડિયામાં ઇન્ટર્નશિપ દરમિયાન જ્યારે તેણે કોકપીટને નજીકથી જોયું ત્યારે તેણે મનોમન નક્કી કર્યું કે હવે પાયલટ બનીને આકાશની ઊંચાઈઓને આંબવી છે. મિલનના આ સ્વપ્નને તેના માતાપિતાનો સંપૂર્ણ ટેકો મળ્યો અને હવે તેનું પરિણામ આપણી સામે છે.
આ પણ વાંચો: ભંગાર વેચતા પિતાની પુત્રીએ માઈક્રોસોફ્ટમાં 55 લાખની નોકરી મેળવી
અમેરિકામાં કોમર્શિયલ પાયલટની તાલીમ લીધી
મિલનને ગુજરાત સરકારની “કોમર્શિયલ પાઇલટ લોન સહાય યોજના” હેઠળ રૂ. 25 લાખની નાણાકીય સહાય મળી હતી. તેણે માંડવી તાલુકાની પ્રોજેક્ટ ઓફિસમાં અરજી કરીને આ સહાય મેળવી અને ત્યારબાદ અમેરિકા જઈને કોમર્શિયલ પાઇલટની તાલીમ લીધી. તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારત પરત ફરીને તેણે ભારતીય નિયમો અનુસાર તેમના પાઇલટ લાઇસન્સને કન્વર્ટ કર્યું.
મિલન પટેલે જલગાંવમાં સ્કાયનેક્સ એરોમાં મલ્ટી-એન્જિન તાલીમ લીધી અને કોલંબિયામાં ભારતીય વિમાન ઉડાવવા સંબંધિત તાલીમ પણ મેળવી છે. આ બધી પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તેણે ઇન્ડિગો એરલાઇન્સમાં પસંદગી પામીને પોતાનું સપનું સાકાર કર્યું છે.
મિલનને નાનપણથી જ પાયલટ બનવું હતું
પોતાનો અનુભવ શેર કરતા મિલન કહે છે, “બાળપણમાં એવું લાગતું હતું કે પાઇલટ બનવું ફક્ત મોટા શહેરોના વિદ્યાર્થીઓ માટે જ શક્ય છે. પરંતુ જ્યારે મને સહાય મળી ત્યારે સમજાયું કે જો ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો રસ્તો આપઆપ બની જતો હોય છે.”
મિલન પટેલે ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ પણ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈને ઉચ્ચ શિક્ષણ મેળવે અને તેમના સપના પૂરા કરે. મિલન તેની સફળતાનો શ્રેય પોતાના માતાપિતાના સંઘર્ષ અને સરકારી સહાયને આપે છે.
મિલનની પ્રેરણાદાયી સફળતા માત્ર તેના ગામ માટે જ ગર્વની વાત નથી, પરંતુ મર્યાદિત સંસાધનો છતાં ઉંચા ઉડાન ભરવાનું સ્વપ્ન જોતા તે બધા આદિવાસી યુવાનો માટે આશાનું કિરણ પણ છે, જેઓ કંઈક અલગ કરવા માંગે છે.
આ પણ વાંચો: દલિત યુવકે રોટલી માંગતા માર મારી, મોંમાં કપડું ઠૂંસી, ખેતરમાં ફેંકી દીધો