ઈડરના ધારાસભ્ય રમણ વોરાના ખોટા ખેડૂત ખાતેદાર મામલે ભાજપના કાર્યકરે તેમની સામે મોરચો માંડ્યો છે. ભાજપ કાર્યકર રાજુ પટેલે રમણ વોરા સામે કાર્યવાહીમાં વિલંબ થતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. એટલું જ નહીં, તેમણે રમણ વોરા સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નકારજીને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.
ઈડરના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા ખેડૂત ખાતેદાર બની ગાંધીનગરના પાલજ ખાતે જમીન ખરીદ્યા બાદ ઈડરના દાવડમાં પણ તેજ પ્રકારની મોડસ ઓપરેન્ડી થકી જમીન ખરીદી હતી. પોતે ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખોટી રીતે ખેડૂત બન્યા હોવાનો વિવાદ સામે આવતા ભાજપના સ્થાનિક કાર્યકરો સહિત પ્રદેશ અગ્રણીઓમાં પણ હડકંપ મચી ગયો હતો.
તેઓએ ધારાસભ્ય તરીકે વર્ષ ૨૦૦૭,૨૦૧૨ અને ૨૦૧૭ માં ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે એફિડેવિટમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે વડીલો કે સ્વપાર્જીત કોઈ જમીન ધરાવતા નથી, તેમ છતાં ખેડૂત ખાતેદારના બનાવટી દસ્તાવેજ તૈયાર કરી આ બંને ઠેકાણે જમીન ખરીદી સરકારની આંખમાં ધૂળ નાખવાનો હિન પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: મોદી સરકારે 60% બહુજન વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસ શિષ્યવૃત્તિ અટકાવી
જોકે ત્યારબાદ આ સમગ્ર મામલો ભાજપના જ એક કાર્યકર અને બીજા એક તેઓના સાથી નેતા થકી બહાર આવતા તપાસ ઊભી થઈ હતી. પાલેજ અને દાવડ બંને ઠેકાણેની જમીન ખોટા ખેડૂત ખાતેદાર બની ખરીદી હોવાનો સામે આવ્યા છતાં તંત્ર દ્વારા કાર્યવાહીમાં વિલંબ થતા તંત્રના બેવડા ધોરણો બાબતે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઈડરના એક તબીબને ખોટા ખેડૂત ખાતેદારનો મામલો સામે આવ્યા બાદ જેલમાં પૂરી દેવાતા હોય તો ધારાસભ્યને કેમ નહીં તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
ઈડરથી માંડીને ગાંધીનગર સુધી રજૂઆતો છતાં અધિકારીઓ કાર્યવાહીને બદલે બચવામાં લાગી જતા હોઈ આખરે અરજદાર રાજુ પટેલે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરને રજૂઆત કરી ઈડરના ધારાસભ્ય રમણ વોરા સામે કાર્યવાહી કરવાની તાત્કાલિક ધોરણે માંગ કરી હતી. રાજુ પટેલે ભૂતકાળમાં ભાજપે ગણા મોટા નેતાઓ સામે કાર્યવાહી થઈ હોવાના દાખલા આપી રમણ વોરાને કેમ છાવરવામાં આવે છે તેવા વેધક સવાલો પણ કર્યા હતા.
ઈડર મામલતદારે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
ઈડરના ધારાસભ્ય રમણ વોરાના ખોટા ખેડૂત ખાતેદાર થકી દાવડની સીમમાં જમીન ખરીદીના કૌભાંડ બાબતે ઈડરના નવનિયુક્ત મામલતદાર પૂજાબેન જોશીએ જણાવ્યું હતું કે, ‘હું આજે જ હાજર થઈ છું અને આ પ્રકરણના કાગળ મંગાવ્યા છે તેના અભ્યાસ બાદ થતી યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.’
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટના પીડિતોએ કહ્યું, ‘અમારો વિશ્વાસ તૂટી ગયો છે’