કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ યોજના હેઠળ પસંદ કરાયેલા 106 ઉમેદવારોમાંથી ફક્ત 40 ઉમેદવારોને કામચલાઉ શિષ્યવૃત્તિ પત્રો પૂરા પાડ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાકીના 66 ઉમેદવારોને ‘ભંડોળની ઉપલબ્ધતા અનુસાર’ શિષ્યવૃત્તિ પ્રમાણપત્રો આપવામાં આવશે. આ સંદર્ભમાં, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તેને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ તરફથી મંજૂરી મળી નથી. અહીં એ નોંધવું રહ્યું કે, આ સમિતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરે છે.
મોદી સરકાર દ્વારા 1 જુલાઈના રોજ કરવામાં આવેલી જાહેરાતને ટાંકીને, હિંદુસ્તાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે પસંદ કરાયેલી યાદી (નંબર 41 થી 106) ના બાકીના ઉમેદવારોને યોગ્ય સમયે કામચલાઉ શિષ્યવૃત્તિ પત્રો જારી કરવામાં આવી શકે છે, પરંતુ તે ભંડોળની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.
નેશનલ ઓવરસીસ સ્કોલરશીપ કાર્યક્રમ શું છે?
ઉલ્લેખનીય છે કે, નેશનલ ઓવરસીસ સ્કોલરશીપ(NOS) કાર્યક્રમ 1954-55 માં શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના અનુસૂચિત જાતિ (SC), વિમુક્ત વિચરતી જનજાતિ (DNT), અર્ધ-વિચરતી જનજાતિ, ભૂમિહીન ખેતમજૂરો અને પરંપરાગત કારીગર સમાજના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમની કુટુંબની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય છે. આ યોજના હેઠળ, સામાન્ય રીતે બધા પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને કામચલાઉ શિષ્યવૃત્તિ પત્રો આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે મંત્રાલયે તબક્કાવાર પત્રો જારી કરવાની પ્રક્રિયા કરવાનો નિર્ણય લીધો છે, જે સંપૂર્ણપણે ભંડોળની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો: માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ
મીડિયા રિપોર્ટ મુજબ, મંત્રાલયના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે. જોકે, મંત્રાલયે ભંડોળના અભાવને લગતો મામલો આર્થિક બાબતોની કેબિનેટ સમિતિને મોકલ્યો છે. આ બાબતે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘શિષ્યવૃત્તિ યોજનાઓ માટે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા ભંડોળ ફાળવણીને મંજૂરી ન આપવી એ એક મોટો મુદ્દો છે. અમારી પાસે ભંડોળ ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટે અમને ઉચ્ચ સ્તરની મંજૂરીની જરૂર છે.’
મૌલાના આઝાદ ફેલોશિપમાં પણ ગેરરીતિઓ થઈ હતી
નોંધનીય છે કે અગાઉ, મૌલાના આઝાદ રાષ્ટ્રીય ફેલોશિપ (MANF) માં પણ આવી જ ગેરરીતિઓ નોંધાઈ છે. જાન્યુઆરી 2025 થી 1,400 થી વધુ પીએચડી સંશોધકોને સ્ટાઇપેન્ડની ચુકવણીમાં અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ધ વાયર દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, આમાંથી મોટાભાગના સંશોધકોને ડિસેમ્બર 2024 થી મે 2025 સુધી સ્ટાઇપેન્ડ મળ્યું નથી. કેટલાક સંશોધકોએ જણાવ્યું હતું કે તેમને આ સમયગાળા પહેલા પણ ચૂકવણી કરવામાં આવી ન હતી.
લઘુમતી બાબતો મંત્રાલય દ્વારા સંચાલિત મૌલાના આઝાદ રાષ્ટ્રીય ફેલોશિપ યોજના, ભારતના છ સૂચિત લઘુમતી સમાજો – મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસીના સંશોધકોને નાણાકીય સહાય પૂરી પાડે છે. જૂન ૨૦૨૪ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય ફેલોશિપ યોજનામાં પણ અસમંજસ હોવાનું જાણવા મળે છે, જો કે તેની પસંદગી યાદી આ વર્ષે એપ્રિલમાં જ પ્રકાશિત કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ શરૂઆતમાં માર્ચ ૨૦૨૫માં ૮૬૫ વિદ્વાનોની પસંદગી યાદી જાહેર કરી હતી. જોકે, એપ્રિલમાં જાહેર કરાયેલ સુધારેલી યાદીમાં, પસંદ કરાયેલ સંખ્યા ઘટાડીને ૮૦૫ કરવામાં આવી હતી અને અગાઉ પસંદ કરાયેલા ૪૮૭ ઉમેદવારોને યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
વિપક્ષે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો
આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૧૦ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે આવાસ અને શિષ્યવૃત્તિ યોજનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે દલિત, અનુસૂચિત જનજાતિ (ST), અત્યંત પછાત વર્ગ (EBC), અન્ય પછાત વર્ગ (OBC) અને લઘુમતી વિદ્યાર્થીઓ માટે રહેણાંક છાત્રાલયોની સ્થિતિ દયનીય છે. આ ઉપરાંત, મેટ્રિક પછી શિષ્યવૃત્તિ આપવામાં વિલંબ થવાથી આ વર્ગોના લગભગ 90 ટકા વિદ્યાર્થીઓની શૈક્ષણિક તકોમાં અડચણો પેદા થઈ રહી છે.
શિષ્યવૃત્તિની રકમ 1.36 લાખથી ઘટી 0.69 લાખ થઈ ગઈ
બિહારનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શિષ્યવૃત્તિ પોર્ટલ લગભગ ત્રણ વર્ષથી કામ કરી રહ્યું નથી, જેના કારણે શૈક્ષણિક વર્ષ 2021-22માં કોઈ શિષ્યવૃત્તિ આપી શકાઈ નથી. શિષ્યવૃત્તિ મેળવનારા લાભાર્થીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડા તરફ ધ્યાન દોરતા તેમણે લખ્યું હતું કે દલિત વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિની સંખ્યા નાણાકીય વર્ષ 2023માં 1.36 લાખથી ઘટીને નાણાકીય વર્ષ 2024માં માત્ર 0.69 લાખ થઈ ગઈ છે. ઉપરાંત, વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે શિષ્યવૃત્તિની રકમ અપમાનજનક રીતે ઓછી છે.
આ પણ વાંચો: આદિવાસીની શિષ્યવૃત્તિ મુદ્દે પ્રશ્ન કરાતા 4 આદિવાસી ધારાસભ્યો સસ્પેન્ડ