મુંબઈ: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ અને મુંબઈ યુનિવર્સિટી વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. મુંબઈ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગ દ્વારા આયોજિત ‘જશ્ન-એ-ઉર્દૂ’ કાર્યક્રમમાં અતિથિ તરીકે આમંત્રિત કર્યા બાદ અંતિમ સમયે નસીરુદ્દીન શાહને આવવાની મનાઈ કરી દેવામાં આવી હતી. આ ઘટના અંગે નસીરુદ્દીન શાહે ગુરુવારે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં એક લેખ લખીને યુનિવર્સિટી પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
શું છે સમગ્ર મામલો?
નસીરુદ્દીન શાહે જણાવ્યું હતું કે, તેમને 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ આ તકને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ કાર્યક્રમના આગલા દિવસે મોડી રાત્રે યુનિવર્સિટી તરફથી તેમને સંદેશ મળ્યો કે તેમણે આવવાની જરૂર નથી. શાહે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીએ તેમને ન આવવાનું કોઈ સ્પષ્ટ કારણ પણ જણાવ્યું નથી અને માફી માંગવાની તસ્દી પણ લીધી નથી.

અભિનેતાએ વધુમાં જણાવ્યું કે, અપમાન તો ત્યારે થયું જ્યારે યુનિવર્સિટીએ સત્તાવાર રીતે એવી જાહેરાત કરી કે નસીરુદ્દીન શાહે પોતે જ કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી છે. શાહના મતે, આ તેમના જખમ પર મીઠું ભભરાવવા જેવું કૃત્ય છે.
આ પણ વાંચો: દલિત પરિવારે કેસ પાછો ન ખેંચતા આરોપીએ ગોળીબાર કર્યો

દેશદ્રોહના આક્ષેપો સામે પડકાર
લેખમાં નસીરુદ્દીન શાહે ઉલ્લેખ કર્યો છે કે યુનિવર્સિટીના એક વરિષ્ઠ અધિકારીએ કથિત રીતે તેમના પર ‘દેશ વિરુદ્ધ નિવેદનબાજી’ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ બાબતે પડકાર ફેંકતા શાહે કહ્યું, “હું પડકાર ફેંકું છું કે દેશ વિરુદ્ધ મેં એક પણ નિવેદન આપ્યું હોય તો તે બતાવવામાં આવે.” તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સરકારની નીતિઓના આલોચક હોઈ શકે છે, પરંતુ દેશના વિરોધી નથી.
વર્તમાન પરિસ્થિતિ અને ‘વિશ્વગુરુ’ પર કટાક્ષ
નસીરુદ્દીન શાહે વર્તમાન શાસન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ‘વિશ્વગુરુ’ ની છબીના ક્યારેય પ્રશંસક રહ્યા નથી. તેમણે છેલ્લા દસ વર્ષમાં સરકારના કોઈ પણ કાર્યથી પોતે પ્રભાવિત થયા હોવાનો ઇનકાર કર્યો છે. શાહે દેશની વર્તમાન દિશા અંગે ચિંતા વ્યક્ત કરતા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, “આ કેવો ન્યાય છે જ્યાં વિદ્યાર્થીઓ અને કાર્યકરોને વર્ષો સુધી ટ્રાયલ વગર જેલમાં રાખવામાં આવે છે, જ્યારે બળાત્કારીઓ અને હત્યારાઓને વારંવાર જામીન આપવામાં આવે છે?”
આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં મોહિન્દર મૌર્યના ભીમ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો
તેમણે ગૌરક્ષકો દ્વારા આચરવામાં આવતી હિંસા, ઇતિહાસનું પુનઃલેખન, પાઠ્યપુસ્તકોમાં ફેરફાર અને વિજ્ઞાન સાથે ચેડાં જેવા મુદ્દાઓ પર પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. શાહે મુખ્યમંત્રી પદ પર બેઠેલી વ્યક્તિઓ દ્વારા ચોક્કસ સમાજને નિશાન બનાવતા નિવેદનોની પણ ટીકા કરી હતી.
Naseeruddin Shah on being disinvited to the Jashn-e-Urdu at Mumbai University and being accused of “openly [making] statements against the country”.
From today’s Indian Express. pic.twitter.com/1AcSNFLbWC
— Sanjay Sipahimalani (@SanSip) February 5, 2026
જ્યોર્જ ઓરવેલની ‘1984’ સાથે સરખામણી કરી
પોતાના લેખના અંતે નસીરુદ્દીન શાહે ભાવુક થતા લખ્યું કે, “આ તે દેશ નથી જ્યાં હું મોટો થયો અને પ્રેમ કરતા શીખ્યો.” તેમણે આજના વાતાવરણને દેખાદેખી અને દંભનું વાતાવરણ ગણાવ્યું હતું. તેમણે સ્થિતિની સરખામણી જ્યોર્જ ઓરવેલની પ્રખ્યાત નવલકથા ‘1984’ સાથે કરતા કહ્યું કે, શું તે પરિસ્થિતિ દૂર નથી જ્યારે ‘મહાન નેતા’ ની પ્રશંસા ન કરવી એ રાજદ્રોહ ગણાશે?
નસીરુદ્દીન શાહના આ લેખ બાદ સોશિયલ મીડિયા અને શૈક્ષણિક જગતમાં મોટી ચર્ચા જાગી છે. યુનિવર્સિટીના આ વલણને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે સત્તાપક્ષના ટેકેદારો તેને સુરક્ષા અને શિસ્તનો મામલો ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: મુંબઈના આર્ટ ફેસ્ટિવલમાં આનંદ તેલતુંબડેના પુસ્તક પરની ચર્ચા રદ










