CJI ને જૂતું મારવાના વિરોધમાં ‘નવસર્જન’ 5000 વિદ્યાર્થીઓને જૂતાં વહેંચશે

CJI B R Gavai પર મનુવાદી રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું. જેના વિરોધમાં નવસર્જન ટ્રસ્ટે અનોખો વિરોધ કાર્યક્રમ શરૂ કર્યો.
Navsarjan Trust donate shoes

થોડા દિવસ પહેલા ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર.ગવઈ(CJI B R Gavai) પર મનુવાદી શખ્સ રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને દલિત-બહુજન સમાજના લોકોએ રાકેશ કિશોર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. હવે ગુજરાતના નવસર્જન ટ્રસ્ટ(Navsarjan Trust) દ્વારા આ મામલે એક અનોખો વિરોધ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. એ મુજબ નવસર્જન ટ્રસ્ટ દ્વારા આ ઘટનાના વિરોધમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આશરે 5000 જોડી જૂતાં દાન કરવામાં(distribute shoes to 5000 students) આવશે.

26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી અભિયાન ચાલશે

નવસર્જન ટ્રસ્ટે 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી જૂતાં દાનની યોજના ઘડી કાઢી છે. 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 6 ડિસેમ્બર ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે. આ અભિયાન અંતર્ગત અનામતનો લાભ મેળવનારી વ્યક્તિઓ શાળાના વિદ્યાર્થીઓને જૂતાંનું દાન કરશે. ઉલ્લેખનીય છે કે, સીજેઆઈ બી.આર. ગવઈ દલિત સમાજમાંથી બીજા ચીફ જસ્ટિસ છે. ગયા મહિને મનુવાદી શખ્સ રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટમાં તેમના પર જૂતું ફેંકવાનો આક્ષેપ લાગ્યો છે. જેના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો: ‘CJI ગવઈ પર જૂતું ફેંકવા બદલ મને કોઈ ડર કે અફસોસ નથી’

અનેક રાજ્યોમાં અભિયાન ચલાવવામાં આવશે

નવસર્જન ટ્રસ્ટે તેની સાથી સંસ્થાઓ દલિત શક્તિ કેન્દ્ર અને દલિત ફાઉન્ડેશન સાથે મળીને ગુજરાત અને અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આશરે 5000 જોડી જૂતાં દાન કરવાની યોજના ઘડી છે. આ જૂતાં દાન અભિયાન માટે નારા પણ ઘડવામાં આવ્યા છે. જેમ કે, “બંધારણને સોનેરી સલામ” અને “ધિક્કારનો એક જ જવાબ, અધિકાર અને મારું આરક્ષણ, સમાજનું સંરક્ષણ” આ નારા જૂતાંના બોક્સ પર છાપવામાં આવશે.

નવસર્જન ટ્રસ્ટના સ્થાપક માર્ટિન મેકવાને શું કહ્યું?

આ અભિયાન વિશે વાત કરતા નવસર્જન ટ્રસ્ટના સ્થાપક માર્ટિન મેકવાને કહ્યું હતું, કે તેઓ “અનામતનો લાભ મેળવનારા” લોકો સુધી પહોંચી રહ્યા છે, તેમને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જૂતાં દાન કરવા કહી રહ્યાં છે.

માર્ટિન મેકવાને કહ્યું, “અમે જૂતા દાન માટે અનામતનો લાભ લેનાર લોકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. અમે તેમને કહીએ છીએ કે આ તમારી સામાજિક જવાબદારી છે. અમારું માનવું છે કે, ઘણાં એવા લોકો છે, જેઓ અનામતનો લાભ લીધા બાદ પોતાની સામાજિક નિસબતથી દૂર થઈ ગયા છે. જેના કારણે સમાજની સંગઠન શક્તિ નબળી પડી છે. અનામતનો લાભ લીધા બાદ સમાજ મજબૂત બનવાને બદલે નબળો પડી રહ્યો છે, અને તે અમે સીજેઆઈ પર જૂતું ફેંકવાના કેસમાં જોયું છે. આટલી મોટી ઘટના છતાં તેનો સમાજ પર કોઈ પ્રભાવ જોવા મળ્યો નહોતો. તેથી અમે વિચાર્યું કે આ ઘટનાના જવાબમાં, શ્રેષ્ઠ કાર્યક્રમ એ હશે કે જેમણે અનામતના લાભ મેળવ્યા છે તેઓને કહેવું કે તેઓ તેમની સામાજિક જવાબદારી તરીકે ગરીબ પરિવારોમાંથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને જૂતાં આપે.”

આ પણ વાંચો: CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં બ્રાહ્મણ વકીલે હુમલો કર્યો!

અનામતનો લાભ મેળવનાર લોકોને દાન કરવા અપીલ કરાશે

અભિયાનમાં જુતાના પ્રતીકની સમજૂતી આપતા માર્ટિન મેકવાને કહ્યું, “અભિયાનમાં જૂતાંને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે કારણ કે વિવાદ જૂતાં વિશે જ હતો.”

માર્ટિન મેકવાનના જણાવ્યા મુજબ, ગુજરાતથી માંડીને સંસ્થા દ્વારા અન્ય રાજ્યોમાં પણ અભિયાન ચલાવવામાં આવશે. જેમ કે મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ખાસ કરીને જ્યાં તેમના કર્મચારીઓ અથવા સ્વયંસેવકો છે.

સ્વયંસેવકો પસંદગીના ગામોમાં જઈને અનામતનો લાભ મેળવનાર લોકો પાસે જશે અને તેમને ઓછામાં ઓછા રૂ.200 જૂતાં માટે દાન કરવા માટે સમજાવશે, જે શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. દાન નવસર્જન ટ્રસ્ટ દ્વારા મેળવવામાં આવશે, જે એક સાથે જૂતાંનો ઓર્ડર આપીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે.

5000 જોડી જૂતાં વહેંચવાનો ટાર્ગેટ, 50 ટકા જૂતા વિદ્યાર્થીનીઓને અપાશે

માર્ટિન મેકવાનના જણાવ્યા મુજબ, હાલ જૂતાંની સાઈઝ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જૂતા ધો. 5 થી 10ના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અને 50 ટકા જૂતાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

માર્ટિન મેકવાને વધુમાં જણાવ્યું હતું કે, “શરૂઆતમાં, અમે 1000 જોડી જૂતાનું લક્ષ્ય રાખ્યું હતું. જો કે, અમને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને અત્યાર  સુધીમાં અમને 2000 થી વધુ જોડી જૂતાના દાનની ખાતરી મળી છે. હવે, અમે ટાર્ગેટ વધારી દીધો છે અને તેને 5000 જોડી સુધીનો નક્કી કર્યો છે.”

આ પણ વાંચો: CJI પર જૂતું ફેંકનાર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધોઃ રામદાસ આઠવલે

3 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x