કાઠમંડુ: 30 માર્ચ 2026: નેપાળના રાજકીય અને સામાજિક ઇતિહાસમાં આજે એક એવો વળાંક આવ્યો છે જેની કલ્પના દાયકાઓથી કરવામાં આવતી હતી. વડાપ્રધાન બાલેન્દ્ર શાહ (બાલેન શાહ) ના નેતૃત્વમાં મળેલી નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકારે દલિત તથા ઐતિહાસિક રીતે બહિષ્કૃત સમાજો પર સદીઓથી થયેલા અત્યાચારો, જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાના કલંક માટે રાજ્ય વતી ઔપચારિક માફી (Official State Apology) માંગવાની જાહેરાત કરી છે.
સરકારે તેના ‘100-પોઈન્ટ ગવર્નન્સ રિફોર્મ એજન્ડા’ માં પાંચમા ક્રમે આ જોગવાઈને સ્થાન આપ્યું છે. આ એજન્ડામાં સ્પષ્ટપણે સ્વીકારવામાં આવ્યું છે કે અત્યાર સુધીની રાજ્ય વ્યવસ્થા, સામાજિક માળખું અને નીતિગત ખામીઓને કારણે દલિત સમાજ ભારે અન્યાય અને તક વંચિતતાનો સામનો કર્યો છે. સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી સસ્મિતા પોખરેલે જણાવ્યું હતું કે, “અમે ભૂતકાળની ભૂલોને સુધારવા અને સામાજિક ન્યાય, સમાવેશી પુનઃસ્થાપના તેમજ ઐતિહાસિક મેળાપના નવા પાયા નાખવા જઈ રહ્યા છીએ. આગામી 15 દિવસમાં આ માફી પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ કરી વિશેષ સુધારા કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.”

આ પણ વાંચો: ફિઝિક્સવાલાના શિક્ષકે લાઈવ ક્લાસમાં દલિતો માટે અપશબ્દો વાપર્યા
બાલેન શાહ સરકારનો મહત્વનો નિર્ણય
કાઠમંડુના લોકપ્રિય મેયરથી વડાપ્રધાન પદ સુધીની સફર ખેડનાર બાલેન શાહની આ પહેલ દક્ષિણ એશિયાના રાજકારણમાં એક સીમાચિહ્ન રૂપ છે. બાલેન શાહ પોતે મધેશી પૃષ્ઠભૂમિ ધરાવે છે અને તેમણે હંમેશા પરંપરાગત જાતિ-આધારિત રાજનીતિથી અંતર જાળવ્યું છે. તેમની સરકાર યુવા નેતૃત્વ, ભ્રષ્ટાચાર મુક્તિ અને વાસ્તવિક સામાજિક પરિવર્તન પર ભાર મૂકી રહી છે. દલિત અધિકાર કાર્યકર્તાઓ આ નિર્ણયને દાયકાઓના સંઘર્ષનું પરિણામ ગણાવી રહ્યા છે. જોકે, કેટલાક સંગઠનોએ ચેતવણી પણ આપી છે કે આ માફી માત્ર પ્રતીકાત્મક ન બની રહેવી જોઈએ, પરંતુ તેનાથી ગ્રાઉન્ડ લેવલ પર દલિતોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધરવી જોઈએ.
ભારત માટે અરીસા સમાન નિર્ણય
નેપાળના આ હિંમતભર્યા નિર્ણયે પડોશી દેશ ભારત સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો અને ‘વસુધૈવ કુટુંબકમ’ નો નારો આપે છે, પરંતુ વાસ્તવિકતામાં ભારતમાં દલિતો પરના અત્યાચારના આંકડા આજે પણ હચમચાવી દે તેવા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આંકડા મુજબ ભારતમાં દરરોજ સેંકડો દલિતો ભેદભાવ અને હિંસાનો ભોગ બને છે. હાથરસની ઘટના હોય, ઉનાનો અત્યાચાર હોય કે પછી મૂછ રાખવા અથવા ઘોડા પર ચડવા જેવી સામાન્ય બાબતે થતી દલિત યુવાનોની હત્યાઓ – ભારતમાં દલિતો પ્રત્યેની માનસિકતા હજુ પણ મધ્યકાલીન યુગમાં જીવતી હોય તેવું લાગે છે.

આ પણ વાંચો: શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો
ભારતીય રાજનીતિમાં નૈતિકતાનો અભાવ
ભારતમાં કોઈ પણ પક્ષની સરકાર હોય, દલિતોને હંમેશા માત્ર ‘વોટ બેંક’ તરીકે જ જોવામાં આવ્યા છે. ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ દલિતોના ઘરે જઈને ભોજન લેવાના ફોટા પડાવે છે, પરંતુ સત્તામાં આવ્યા બાદ તેમના પર થતા અત્યાચારો વિશે મૌન સેવી લે છે. નેપાળ જેવી નાની અને ઉભરતી લોકશાહીએ જે રીતે રાજ્ય સ્તરે પોતાની ઐતિહાસિક ભૂલ સ્વીકારી છે, તેવી નૈતિક હિંમત ભારતની કોઈ પણ સરકારે આજ સુધી બતાવી નથી.
ભારતના બંધારણના અનુચ્છેદ 17 દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, પરંતુ સામાજિક સ્તરે અને વહીવટી તંત્રમાં બેઠેલા લોકોની માનસિકતામાં દલિતો પ્રત્યેનો તિરસ્કાર હજુ જીવંત છે. નેપાળ સરકારે સાબિત કર્યું છે કે સાચું પરિવર્તન લાવવા માટે પહેલાં સત્યનો સ્વીકાર કરવો જરૂરી છે. જ્યારે ભારતની સરકારો આજે પણ દલિતો પરના અત્યાચારોને ‘સામાન્ય કાયદો અને વ્યવસ્થા’ ની સમસ્યા ગણીને ટાળી દે છે.
Revolutionary decision by new Nepal Govt. under PM Balendra “Balen” Shah who belongs to Madhesi community.
1. Formal apology to SC community for atrocities
2. Diversity in state instt. & policy making
3. Depoliticization of civil service
HOWEVER… the sacrifice of GenZ protests… pic.twitter.com/I9bWDQpYPu— Dr. Ghanshyam (BASF) (@Ghanshyam_BASF) March 29, 2026
નેપાળે ભારત માટે મોટો બોધપાઠ પુરો પાડ્યો
નેપાળના આ ઐતિહાસિક પગલાથી સમગ્ર દક્ષિણ એશિયામાં એક નવો સંદેશ ગયો છે. જો રાજ્ય પોતે માફી માંગે, તો તે સામાજિક નફરતને ઘટાડવા અને સમાનતા લાવવા માટેનું પ્રથમ મજબૂત પગલું બને છે. બાલેન શાહ સરકારનો આ 100-પોઈન્ટ એજન્ડા જો સફળતાપૂર્વક અમલી બનશે, તો તે નેપાળને એક આધુનિક અને ન્યાયપૂર્ણ રાષ્ટ્ર બનાવશે. ભારત માટે આ એક મોટો બોધપાઠ છે.
જ્યાં સુધી ભારત સરકાર દલિતો સાથે થયેલા ઐતિહાસિક અન્યાયને સ્વીકારીને સાર્વજનિક રૂપે પશ્ચાતાપ નહીં કરે અને કડક અમલીકરણ નહીં લાવે, ત્યાં સુધી માત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના નારાઓ પોકળ સાબિત થશે. નેપાળે રસ્તો બતાવ્યો છે, હવે જોવાનું એ છે કે ભારત આ રસ્તે ચાલવાની હિંમત ક્યારે બતાવશે?
આ પણ વાંચો: વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી











