દિવસ હમણાં જ ઉગ્યો હતો. ચેન્નાઈના ટી નગર વિસ્તારમાં સફાઈ ચાલી રહી હતી. રસ્તા પર ફેલાયેલી ધૂળ, કાગળ અને કચરાની વચ્ચે એક મહિલા પોતાના કામમાં વ્યસ્ત હતી. નામ: પદ્મા… વ્યવસાય: મ્યુનિસિપલ સફાઈકર્મી… જીવન: મર્યાદિત સંસાધનો, ભાડાનું ઘર, કૌટુંબિક જવાબદારીઓ. પરંતુ તે જ સવારે, સમયે પદ્માને એક એવી કસોટી આપી જેણે તેની પ્રામાણિકતાને સમગ્ર રાષ્ટ્ર માટે એક ઉદાહરણ બનાવી દીધી.
સફાઈ કરતી વખતે, પદ્માએ રસ્તાના કિનારે પડેલી એક થેલી જોઈ. સામાન્ય રીતે, લોકો કાં તો આવી થેલીઓને અવગણે છે અથવા તેને કચરો ગણીને આગળ વધી જાય છે. પણ પદ્માએ કંઈક અજુગતું જોયું. તેણે ઝાડુ મારવાનું બંધ કર્યું, થેલી ઉપાડી અને અંદર ડોકિયું કર્યું. થેલી ખોલતાની સાથે જ તે સ્તબ્ધ થઈ ગઈ. કેમ કે, અંદર સોનાના દાગીના…ગળાનો હાર, બંગડીઓ..ચમકતી હતી.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરે ‘નોટબંધી’ વિશે કરેલી આગાહી સાચી પડી
પદ્માના હાથ એક ક્ષણ માટે થીજી ગયા. તેના મનમાં સવાલ થયો: આટલું બધું સોનું? કોનું હશે? પાછળથી, તેને ખબર પડી કે આ દાગીના લગભગ 45 સોવરેન હતા, જેની કિંમત આશરે 45 લાખ રૂપિયા છે. એક એવી રકમ જે કોઈનું આખું જીવન બદલી શકે છે. પરંતુ અહીં જ પદ્માની કહાની ખાસ બની જાય છે.

પદ્માએ એક ક્ષણનો પણ વિલંબ કર્યો નહીં કે કોઈની સલાહ લીધી નહીં. તેણે બેગ બંધ કરી અને સીધી પોંડી બજાર પોલીસ સ્ટેશન ગઈ. ત્યાં તેણે પોલીસને કહ્યું કે શેરીમાં સફાઈ કરતી વખતે તેણીને આ બેગ મળી આવી હતી. પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
જ્યારે બેગ ખોલવામાં આવી અને દાગીના ગણવામાં આવ્યા, ત્યારે તેનું વજન 45 સોવરેન હતું, જેની કિંમત આશરે 45 લાખ રૂપિયા હતી. પોલીસે રેકોર્ડ શોધવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ ખબર પડી કે નંગનલ્લુરના રહેવાસી રમેશે થોડા સમય પહેલા સોનાથી ભરેલી બેગ ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ પછી, રમેશને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો. ઓળખ અને ચકાસણી પછી, બેગ તેને પરત કરવામાં આવી. રમેશની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ ગયા, અને પોલીસ સ્ટેશનમાં બધાનું ધ્યાન પદ્મા પર કેન્દ્રિત થયું… એક મહિલા જે ઇચ્છતી હોત તો બધું બદલી શકતી હતી, પરંતુ તેણે પ્રામાણિકતા પસંદ કરી.
આ પણ વાંચો: ભેંસાણમાં તલાટી,વહીવટદારે સફાઈકર્મીને ધમકાવી ગટરમાં ઉતાર્યો?
આ પહેલીવાર નહોતું જ્યારે પદ્મા અને તેના પરિવારે પ્રામાણિકતાનું ઉદાહરણ આપ્યું હોય. પોલીસે જણાવ્યું હતું કે કોરોના લોકડાઉન દરમિયાન પદ્માના પતિ સુબ્રમણીને મરીના બીચ નજીક રસ્તા પરથી 1.5 લાખ રોકડા મળ્યા હતા. જે તેમણે કોઈ પણ લોભ વિના પૈસા પોલીસને સોંપી દીધા હતા. પદ્મા અને સુબ્રમણ્ય ભાડાના ઘરમાં રહે છે. પરિવારને એક પુત્ર અને એક પુત્રી છે. મર્યાદિત આવક સાથે ઘર ચલાવવું સરળ નથી, પરંતુ બંનેએ એક મિસાલ પુરી પાડી છે.
પદ્માની પ્રામાણિકતાનું સન્માન કરાયું
પદ્માની પ્રામાણિકતા ઝડપથી ચેન્નાઈમાં પ્રસરી ગઈ. મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી, દરેક જગ્યાએ પ્રશ્ન પૂછાવા લાગ્યો કે – શું આવા લોકો હજુ પણ આજની દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે?
આ પણ વાંચો: અમદાવાદમાં સફાઈકર્મીઓની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવી લાખોની ઠગાઈ
આ સમાચાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સુધી પહોંચ્યા. તેમણે પદ્માને સન્માનિત કરવાનો નિર્ણય લીધો. તેમણે તેમને પ્રશસ્તિપત્ર અને ₹1 લાખનું રોકડ ઇનામ આપીને કહ્યું કે પદ્માની જેમ મહિલાઓ સમાજની સાચી તાકાત છે.
પ્રખ્યાત લલિતા જ્વેલરીના માલિકે પણ પદ્માની પ્રામાણિકતાની પ્રશંસા કરી. તેમણે પદ્મ અને તેના પતિને પોતાના ઘરે આમંત્રણ આપ્યું અને તેમનું સન્માન કર્યું.
चेन्नई के टी. नगर में सफाईकर्मी एस. पद्मा को सड़क पर 45 सोने के आभूषण वाला बैग मिला, जिसकी कीमत लगभग 7.45 करोड़ रुपये थी। 😲
उन्होंने बैग पुलिस को सौंप दिया और इसे खुद नहीं रखा, पुलिस ने सही मालिक को उसी दिन आभूषण वापस कर दिए।
उनकी ईमानदारी के लिए मुख्यमंत्री एम. के. स्टालिन ने… pic.twitter.com/V8U7SgDWx4
— JIMMY (@Jimmyy__02) January 17, 2026
પદ્મા માને છે કે જો તેણીએ સોનું રાખ્યું હોત, તો તે કદાચ ક્ષણિક સુખ લાવ્યું હોત, પરંતુ તે જીવનભરનો બોજ પણ લાવ્યું હોત. પદ્મ માને છે કે તેના બાળકો માટે સૌથી મોટો વારસો પ્રામાણિકતા છે, સોનું કે પૈસા નહીં.
લોકોનું કહેવું છે કે આજે પદ્મા એવા ગણતરીના લોકોમાં સામેલ થઈ ગઈ છે જેમનું જીવન સમાજને અરીસો બતાવે છે. આજે જ્યારે લોભ, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી રોજિંદી ઘટના બની ચૂકી છે, ત્યારે પદ્માની જેવી મહિલાઓ આશા બંધાવે છે કે માનવતા હજુ પણ જીવે છે. ચેન્નાઈની તે શેરી પરથી જ્યારે લોકો પસાર થાય છે, ત્યારે કદાચ તેમને યાદ આવે છે કે અહીં જ ક્યાંક પદ્માને 45 લાખ રૂપિયાનું સોનું મળ્યું હતું… અને તેણીએ લાલચમાં આવવાને બદલે પ્રામાણિકતા પસંદ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટ મનપામાં 200 સફાઈકર્મીઓના વારસદારોની નોકરી અટકી













