કેન્દ્ર સરકારે આ વર્ષે જેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મશ્રીથી સમ્માનિત કર્યા હતા તે સ્વામી પ્રદિપ્તાનંદ ઉર્ફે કાર્તિક મહારાજ પર એક યુવતી પર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દેવાનો કેસ નોંધાયો છે. મહિલાએ આરોપ લગાવ્યો કે બળાત્કાર પછી જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેને ગર્ભપાત કરાવવા માટે સ્વામી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળની એક મહિલાએ સ્વામી પ્રદિપ્તાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે સ્વામી પ્રદિપ્તાનંદે નોકરી અપાવવાના બહાને ઘણી વખત તેના પર બળાત્કાર કર્યો હતો. મહિલાની ફરિયાદ પર પોલીસે એફઆઈઆર નોંધી છે.
શું છે સમગ્ર મામલો?
સ્વામી પ્રદિપ્તાનંદ ઉર્ફે કાર્તિક મહારાજને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જે દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તેઓ મુર્શિદાબાદમાં ભારત સેવાશ્રમ સંઘના બેલડાંગા એકમ સાથે સંકળાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસે શુક્રવારે, 27 જૂને આ કેસની માહિતી આપી હતી. FIR મુજબ, ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે તેણે ભારત સેવાશ્રમ સંઘમાં શિક્ષક તરીકે નોકરી માંગી હતી.
મહિલાએ કહ્યું, ‘કાર્તિક મહારાજે મને નોકરી અપાવવાની ખાતરી આપી હતી. મને 2013 માં ચાણક આદિવાસી બાલિકા વિદ્યાપીઠ છાત્રાલયના ચોથા માળે રાખવામાં આવી હતી. જ્યાં કાર્તિક મહારાજે મને કાયમી નોકરી અપાવવાનું વચન આપીને મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.’
મહિલાએ આરોપ લગાવ્યો કે, જ્યારે તે જૂન 2013 માં ગર્ભવતી થઈ, ત્યારે તેને બહેરામપુરની એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું. મહિલાએ દાવો કર્યો હતો કે તેણીને છાત્રાલય ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું અને વચન આપવામાં આવ્યું હતું કે તેણીને ઘરે પગાર મળશે. પરંતુ ટૂંક સમયમાં ચુકવણી બંધ થઈ ગઈ.
આ પણ વાંચો: 16 વર્ષની દલિત દીકરીનું અપહરણ કરી ચાલતી કારમાં બળાત્કાર
પીડિતાએ તેના નિવેદનમાં કહ્યું કે, ‘મેં 12 જૂને મહારાજને ફોન કર્યો હતો અને તેમણે મને બીજા દિવસે સાંજે મળવા કહ્યું હતું. 13 જૂને, બે લોકો મને ફોર વ્હીલરમાં બેસાડીને લઈ ગયા અને વચન આપ્યું હતું કે તેઓ મને મહારાજ પાસે લઈ જશે. પરંતુ થોડે દૂર ગયા પછી તેઓએ મને SUV માંથી ધક્કો મારીને ચેતવણી આપી કે હું તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ ન કરું.’
બળાત્કારના આરોપ પર કાર્તિક મહારાજે શું કહ્યું?
કાર્તિક મહારાજે બધા આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, ‘સમય બધું જ કહી દેશે. આ મારા નામ અને ખ્યાતિને બદનામ કરવાનું કાવતરું છે. અમારા આશ્રમમાં ઘણી સ્ત્રીઓ કામ કરે છે અને ઘણી બધી સ્ત્રી શિષ્યાઓ છે. તેમને પૂછો, બધા કહેશે કે અમે સ્ત્રીઓને અમારી માતાઓની જેમ માન આપીએ છીએ. તમે ફરિયાદીના પિતા અથવા પરિવારના સભ્યોનો પણ સંપર્ક કરી શકો છો.’
કોણ છે સ્વામી પ્રદીપ્તાનંદ?
સ્વામી પ્રદીપ્તાનંદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મહત્વપૂર્ણ નામ રહ્યા છે. ખાસ કરીને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ મુખ્યમંત્રી મમતા બેનરજી સાથેના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમનો મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે જાહેર વિવાદ થયો હતો. મમતાએ તૃણમૂલના કાર્યકરોને તેમના આશ્રમમાં બેસવા ન દેવા બદલ તેમની ટીકા કરી હતી અને તેમના પર ‘રાજકારણ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. એ વખતે ભાજપે તેમનો બચાવ કર્યો હતો.
આ ઉપરાંત, સ્વામી પ્રદીપ્તાનંદ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં ચમકતા રહે છે. તેમના એક નિવેદનમાં, તેમણે કહ્યું હતું કે, “ભારતનું દુર્ભાગ્ય છે કે મોહનદાસ ગાંધીને રાષ્ટ્રપિતા માનવામાં આવે છે”. આ ઉપરાંત, તેમણે હિન્દુઓને અપીલ કરી હતી કે તેઓ ચક્રધારી કૃષ્ણની પૂજા ‘રોમેન્ટિક કૃષ્ણ’ તરીકે કરવાને બદલે ‘યોદ્ધા સ્વરૂપમાં’ શરૂ કરે.
કાર્તિક મહારાજનો RSS અને હિન્દુત્વ સાથે સંબંધ
કાર્તિક મહારાજ હિન્દુ સંહતિ નામના RSS થી અલગ થયેલા હિન્દુત્વવાદી જૂથના કાર્યક્રમોમાં સામેલ થયા હતા અને 2023માં કોલકાતામાં ભાજપ અને RSS સાથે જોડાયેલા નેતાઓની હાજરીમાં ગીતા પાઠ કર્યા હતા. તેમના બેલડાંગા આશ્રમનું RSS સાથે જોડાણ હોવાનું પણ કહેવાયું છે. આ ઉપરાંત, તેઓ હિન્દુ રક્ષણ દળ (Hindu Protection Force) ની સ્થાપના માટે પ્રયાસ કરી રહ્યા હતા, જે RSS અને ભાજપના હિન્દુત્વવાદી એજન્ડા સાથે મેળ ખાય છે.
પદ્મશ્રી એવોર્ડ અને વિવાદ
2025માં કાર્તિક મહારાજને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે TMC, કોંગ્રેસ અને CPI(M) દ્વારા ટીકા કરવામાં આવી હતી. વિપક્ષોએ તેને રાજકીય એજન્ડાથી પ્રેરિત ગણાવ્યો હતો પરંતુ ભાજપે તેમનો બચાવ કર્યો હતો. કાર્તિક મહારાજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓના વિરોધમાં રેલીઓ અને બેલડાંગા વિસ્તારમાં કોમી તણાવને ઉત્તેજન આપવાના આરોપોમાં સામેલ હતા, જે RSS ના હિન્દુ સંગઠનના એજન્ડા સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો: નિવૃત્ત જજે પોતાની જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો?