અમદાવાદ સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં એક વ્યક્તિને પંડિતજી પર વિશ્વાસ કરવો ભારી પડી ગયો. સેટેલાઈટમાં રહેતા રોશન ધોબીએ ફરિયાદ નોંધાવી છે કે, 12 જાન્યુઆરીના રોજ તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના સોસાયટીમાં એક સાધુ આવ્યા હતા. તેમણે પ્રભુ ભાવથી સાધુને દસ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ સાધુએ કહ્યું હતું કે તે પંડિત છે અને તેનું નામ ભરત છે. ભરતે રોશનભાઈને કહ્યું હતું કે, તમને નાગદોષ છે તમારે તેની વિધિ કરવી પડશે. તમારો મોબાઈલ નંબર આપો હું તમને કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે ફોન કરીને જણાવીશ. થોડા દિવસ પછી રોશનભાઈએ ભરત પંડિતને ફોન કરીને તેની સાથે વાતચીત કરી હતી. એ વખતે ભરતે જણાવ્યું કે નાગદોષની 35 દિવસની વિધિ થશે અને એક દિવસનો ખર્ચ રૂ. 485 થશે, એમ 35 દિવસમાં કુલ 17હજાર રૂપિયા થશે. જેથી રોશનભાઈએ 17000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ રોશન ભાઈ ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે પંડિતના ગુરુ બોલું છું. તમારે રાજસ્થાનમાં જૂની જમીન છે અને જૂના દાગીના છે. જે તમારા નસીબમાં છે પહેલા તેની વિધિ કરવી પડશે અને ગોગા મહારાજ જ્યારે મુહૂર્ત આપશે ત્યારે તમારે ત્યાં આવું પડશે.
આ પણ વાંચો: ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ
ત્યારબાદ 26 જાન્યુઆરીએ રોશનભાઈને સોના ચાંદીના દાગીના અને રોકડા લઈને અડાલજ ત્રિમંદિર સામેના ખેતરમાં બોલાવ્યા હતા. રોશનભાઈ તેમની પત્ની અને બે દીકરી સાથે અડાલજ ગયા હતા. જ્યાં તેમણે સોનાના દાગીના 41 હજાર રોકડા અને મોબાઈલ પંડિતના કહ્યા મુજબ એક માટલીમાં મૂકી દીધા હતા.
પંડિતે તેમને આટલું કહીને અગરબત્તી સળગી છે ત્યાં જવા કહ્યું હતું અને પાછું વળીને ન જોતા તેવું કહ્યું હતું જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે પંડિતે માટલા ઉપર ચુંદડી બાંધીને આપી હતી અને કહ્યું હતું કે હમણાં માટલી ખોલવાની નથી હું કહીશ ત્યારે માટલી ખોલજો.
વધુમાં તેણે રોશનભાઈને કહ્યું કે તમારે બે કિલો કેસર લાવવું પડશે તેનો હવન કરવાનો છે જેના 11 લાખ રૂપિયા થશે. ત્યારે રોશનભાઈ કહ્યું કે મારી પાસે એટલા પૈસા નથી. એ પછી રોશનભાઈને શંકા જતા તેમણે માટલી ખોલીને જોઈએ તો તેમાં ફૂલ હતા અને તેમના દાગીના-રોકડા ગાયબ હતા. એ પછી તેમણે ભરત પંડિતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં પંડિતજી બધું લઈને ગાયબ થઈ ગયા હતા. પોતે છેતરાયા હોવાની જાણ છતા રોશનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભરત પંડિત અને તેના ગુરુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન
આને કહેવાય ‘લોભિયાનું ધન ધૂતારા ખાય.’