ગણિત એક એવો વિષય છે જેનાથી મોટાભાગના લોકો ડરે છે. ગામડાની પ્રાથમિક શાળાઓમાં ભણેલા યુવકો-વડીલોને યાદ હશે કે મનુવાદી શિક્ષકો તેમને સૌથી ડર ગણિતનો જ બતાવતા હતા. અંતે મોટાભાગના દલિત વિદ્યાર્થીઓ પાંચમા-છઠ્ઠા ધોરણ બાદ ભણવાનું છોડી દેતા હતા. જે વિદ્યાર્થીઓ પાસ થતા તે પણ ગણિતમાં એટલા નબળાં હોય કે આગળ જતા તેમને સૌથી વધુ સમસ્યા ગણિતમાં જ નડતી. છેલ્લે તેઓ સાયન્સ કે કોમર્સને બદલે આર્ટ્સ પ્રવાહ પસંદ કરી તદ્દન સામાન્ય વિદ્યાર્થીમાં ખપી જતા.
પાટણના દલિત શિક્ષકના પુત્રની કમાલ
જો કે હવે દલિત સમાજ જાગૃત થયો છે અને પોતાના બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં પાવરફૂલ બનાવી રહ્યો છે. અત્યાર સુધી આપણે ગણિત વિષયમાં મોટાભાગે સવર્ણ જાતિના બાળકોને જ વધુ માર્કસ મેળવતા જોયા છે. પરંતુ પાટણ જિલ્લાના એક દલિત શિક્ષકના પુત્રએ છેક દુબઈમાં જઈને ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને 17 દેશોના બાળકો સાથે સ્પર્ધા કરીને ચોથો ક્રમ મેળવી સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે.
આ પણ વાંચો: બ્રાહ્મણ શખ્સે નકલી OBC સર્ટિ. પર 40 વર્ષ પોલીસની નોકરી કરી
પાટણના દલિત બાળકે 17 દેશોના બાળકો સાથે સ્પર્ધા કરી
મળતી માહિતી પ્રમાણે મૂળ પાટણ પરંતુ હારિજના સરેલ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ પરમારના પુત્ર વિવાન પરમારે દુબઈમાં યોજાયેલી ગણિત ઈન્ટરનેશનલ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ પરીક્ષામાં 17 દેશોના બાળકોએ ભાગ લીધો હતો અને તેમણે 6 મિનિટમાં ગણિતના 200 દાખલા ગણવાના હતા. વિવાને આ પરીક્ષામાં ચોથો ક્રમાંક મેળવી સમગ્ર ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
વિવાને દુબઈમાં દેશનું નામ રોશન કર્યું
વિવાનના પિતા સુરેશભાઈ પરમાર શિક્ષક છે અને ડો.આંબેડકરના રસ્તે ચાલીને સમાજને જરૂરી તમામ મદદ કરે છે. વિવાન નાનપણથી જ ગણિતમાં હોંશિયાર હોવાથી પિતા સુરેશભાઈએ તેને આ સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો હતો અને વિવાને તેમને નિરાશ નહોતા કર્યા. તેણે છેક દુબઈમાં જઈને ગણિતની સ્પર્ધામાં દેશ અને સમાજનું નામ રોશન કર્યું હતું.
વિવાને વૈદિક ગણિતની મોનોપોલી તોડી નાખી
સામાન્ય રીતે આપણે ત્યાં અમુક મિનિટો-સેકન્ડોમાં મોટા હિસાબો કરી બતાવવાની વાત આવે ત્યારે વૈદિક ગણિતનું નામ તરત લેવામાં આવે છે. જો કે મનુવાદી તત્વોએ આ ગાણિતિક પદ્ધતિને પણ સવર્ણ જાતિઓના ગૌરવમાં ખપાવવાનું શરૂ કરી દીધું હતું. મોટાભાગે વૈદિક ગણિતના નામે મનુવાદીઓ મનુસ્મૃતિ અને તેના જેવા જ અન્ય ભેદભાવ ફેલાવતા ગ્રંથોને પ્રમોટ કરતા રહે છે.
પણ વિવાને વૈદિક ગણિતનો સહારો લીધા વિના માત્ર પોતાની યાદશક્તિ અને પ્રતિભાના જોરે આ પરીક્ષા જીતી બતાવી છે. એ રીતે તેણે ગણિતના આંકડાઓના હિસાબમાં વૈદિક ગણિતની કથિત મોનોપોલીને પણ તોડી નાખી છે. વિવાનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આ પણ વાંચો: GPSCમાં ‘ચોક્કસ જાતિના’ લોકોને પાસ કરાય છેઃ માંગીલાલ પટેલ