ગુજરાત જાહેર સેવા આયોગ ઉર્ફે GPSC ની પરીક્ષામાં ચોક્કસ જાતિના યુવાનોને લેખિતમાં ઓછા માર્ક્સ હોવા છતાં ઈન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપી પાસ કરી દેવાય છે અને લેખિત પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર SC, ST અને OBC યુવકોને ઈન્ટવ્યૂમાં ઓછા માર્ક્સ આપીને અન્યાય કરાઈ રહ્યાંની ચર્ચાએ ગુજરાતમાં ફરીથી જોર પકડ્યું છે.
માંગીલાલ પટેલના ગંભીર આક્ષેપો
છેલ્લાં બે દિવસમાં માણસાના પૂર્વ ધારાસભ્ય અને અખિલ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ હરિભાઈ ચૌધરી અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જીપીએસસી પરીક્ષામાં ચોક્કસ જાતિના યુવકોને પાસ કરી દેવાતા હોવાના અને એસસી, એસટી, ઓબીસી યુવકોને અન્યાય કરાઈ રહ્યો હોવાનું જાહેરમાં કહ્યું છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2020/23માં શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચુકેલા માંગીલાલ પટેલે GPSC પરીક્ષામાં ચોક્કસ જાતિના લોકોને પાસ કરાતા હોવાનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો: ઘેટાં-બકરાં ચરાવતો યુવક UPSC પરીક્ષા પાસ કરી IPS બન્યો
ઓપન કેટેગરીના ઉમેદવારોને મૌખિકમાં વધુ માર્ક્સ અપાય છે
માંગીલાલ પટેલ જણાવ્યું છે કે, ગુજરાત ક્લાસ વન કેડરની GPSCની મૌખિક પરીક્ષા દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. OBC, ST અને SC વર્ગના ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં 100માંથી માત્ર 20થી 50 માર્ક્સ આપવામાં આવ્યા. જ્યારે ઓપન કેટેગરીના ઉમેદવારોને 60થી 90 જેટલા માર્ક્સ આપવામાં આવ્યા. લેખિત પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવનાર ઓપન કેટેગરીના ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં વધુ માર્ક્સ આપીને પાસ કરવામાં આવ્યા છે. તેમાં પણ ચોક્કસ જાતિના લોકોને પાસ કરવામાં આવ્યા છે. જેના કારણે દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના હોનહાર યુવાનો સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે.
હસમુખ પટેલેને બરખાસ્ત કરવાની માંગ
માંગીલાલ પટેલે આ કૌભાંડની ઉંડાણપૂર્વક તપાસની માગ કરી છે. આ સાથે જ તેમણે GPSCના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને બોર્ડ સભ્યોને તાત્કાલિક બરખાસ્ત કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, આ પ્રક્રિયા બંધારણની અવગણના અને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. તેમણે ચેતવણી આપી છે કે, જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવશે. તેમણે માગ કરી છે કે જાતિભેદ વગર, ગુજરાતના હિતમાં કામ કરનારા અને મહેનતુ વિદ્યાર્થીઓના હિતમાં વિચારનારા લોકોને આ મહત્વના હોદ્દા પર નિયુક્ત કરવા જોઈએ.
આ પણ વાંચો: સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે