જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાં થોડા દિવસ પહેલા બુલંદ શહેરના જે ગામમાં દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો થયો હતો અને કથિત સવર્ણોએ હુમલો કર્યો હતો, એ જ ગામની આ ઘટના છે. અહીં વધુ એક દલિત યુવકના લગ્નના દિવસે પોલીસ સુરક્ષા હેઠળ તેનો વરઘોડો નીકળ્યો હતો. પરિવારને ડર હતો કે કથિત ઉચ્ચ જાતિના લોકો વરઘોડા પર હુમલો કરીને અવરોધો ઉભા કરી શકે છે, તેથી તેમણે પોલીસ સુરક્ષા માંગી હતી. એ પછી બે ગાડીઓ ભરીને પોલીસ કાફલો પહોંચી ગયો હતો, એ પછી જ વરઘોડો નીકળી શક્યો હતો.
દેશની રાજધાનીથી માત્ર 50 કિમી દૂરની ઘટના
આ ઘટના દિલ્હીથી માત્ર ૫૦ કિલોમીટર દૂર બુલંદશહેર જિલ્લાના ધમરાવલી ગામમાં બની હતી. અહીં પૂરણ સિંહ પોતાના પરિવાર સાથે રહે છે. તેમના દીકરા વિજયના લગ્ન 26 ફેબ્રુઆરીના રોજ હતા. લગ્નની પરંપરા મુજબ, વરઘોડો યોજાવાનો હતો, પરંતુ પૂરણ સિંહને ડર હતો કે જો મારો દીકરો લગ્ન દરમિયાન ઘોડી પર સવારી કરશે તો ગામના કેટલાક કથિત ઉચ્ચ જાતિના લોકો અવરોધ ઊભો કરીને હુમલો કરી શકે છે.
બે ગાડી ભરીને 20 થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે પહોંચ્યાં
ગામના જાતિવાદી તત્વોના ડરને લીધે પૂરણસિહે પોતાની પુત્રના લગ્નમાં પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી. આ અરજી પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રેમચંદ શર્માને આપવામાં આવી હતી. એ પછી, 26 ફેબ્રુઆરીના રોજ પીઆઈ સહિત બે વાહનોમાં 20થી વધુ પોલીસકર્મીઓ ધરમાવલી ગામમાં પૂરણ સિંહના ઘરે પહોંચી ગયા હતા અને વિજયને પોલીસ સુરક્ષા વચ્ચે ઘોડી પર બેસાડી વરઘોડો કાઢ્યો હતો.
આ પણ વાંચોઃ દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા
જાનૈયા ‘ઔકાત નહીં’ ગીત પર નાચ્યા
વિજયના વરઘોડા દરમિયાન જાનૈયા મનભરીને નાચ્યા હતા. ખાસ વાત એ હતી કે એ દરમિયાન દલિત સમાજના લોકોએ ‘મૈં તેરી નચાઈ નાચું, ઓરોં કી ઔકત નહીં’ ગીત પર ડાન્સ કર્યો હતો. ગામની શેરીઓમાંથી વરઘોડો પસાર થયો હતો અને દલિત સમાજની મહિલાઓ અને પુરૂષોએ ભારે હર્ષોલ્લાસથી તેમાં ભાગ લઈને ડાન્સ કર્યો હતો.
ધમરાવલીમાં જ દલિત યુવકના લગ્નમાં હિંસા થઈ હતી
અહીં એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, આ જ ધમરાવલી ગામમાં થોડા દિવસ પહેલા એક દલિત યુવકના ઘોડી પર બેસવાને લઈને જાતિવાદી તત્વોએ બબાલ કરી હતી. 20 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યે પરિવારના સભ્યો ઘરની બહાર રસ્તા પર ડીજે પર નાચતા હતા. એવો આરોપ છે કે આ દરમિયાન ગામના ઠાકુર જાતિના લોકો ત્યાં પહોંચ્યા અને તેમણે કહ્યું કે આ રસ્તો તેમના આવવા-જવા માટે છે, તમારા ડીજે વગાડવા માટે નથી.
#Bulandshahr के गांव धमरावली में आजादी के 75 वर्ष बाद भी अगर दलित को बरात चढ़ाने से रोका जा रहा है तो देश में जातिवाद की स्थिति आप समझ सकते हैं। @myogiadityanath जी ने नारा दिया था ‘#BatengeToKatenge‘ लेकिन ये सिर्फ चुनावी शिगूफा है। हकीकत आज भी यही है कि दलितों के साथ अत्याचार… pic.twitter.com/xIuzh38bEW
— ZIAUR RAHMAN (@ZiaurRahmanIYC) February 22, 2025
200 જેટલા ઠાકુરોએ હુમલો કર્યો હતો
એમ કહીને ઠાકુર સમાજના લગભગ 200 લોકોએ જાન પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દલિત પક્ષના 15 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. વરરાજાના પિતા સુરેન્દ્ર સિંહ કહે છે કે માહિતી આપ્યા પછી પણ પોલીસ પહોંચી ન હતી. આ કારણે જ આ ઘટના બની હતી.
આ પણ વાંચોઃ 4 પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો
આ પછી, શુક્રવારે સવારે 8:00 વાગ્યે દલિત સમાજના લગભગ 300 લોકો ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી પોલીસ સ્ટેશનનો ઘેરાવ શરૂ કરી દીધો હતો. દલિત સમાજે ઠાકુર જાતિના આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસ સ્ટેશનની સામે લગભગ 4 કલાક સુધી હાઈ વોલ્ટેજ હંગામો ચાલુ રહ્યો હતો.

યોગીના સીએ બન્યા બાદ ઠાકુરો બેફામ બન્યાં?
અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્ષત્રિય ઠાકુર સમાજમાંથી આવે છે. યુપીના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે યોગીના મુખ્યમંત્રી બન્યા બાદથી આ જાતિના લોકો બેફામ બની ગયા છે. ખાસ કરીને દલિતો પર અત્યાચારની ઘટનામાં આ જાતિના લોકોને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સતત લાગતા રહે છે. અમુક લોકો તો ત્યાં સુધી કહે છે કે, ઉપરથી ઓર્ડર હોવાથી ઠાકુર સમાજના લોકો ગમે તેટલો મોટો અપરાધ કરે તો પણ તેમને કડક સજા થતી નથી કારણ કે મુખ્યમંત્રી તેમની જાતિના છે. અગાઉ એક ગામમાં આ જ સમાજના લોકોએ નહેરનું પાણી પોતાના તળાવ અને ખેતરોમાં વાળી દીધું હતું અને દલિતોના ખેતરો સૂકા રહી ગયા હતા. તેમણે દલિતોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી અમારી જાતિના છે એટલે પહેલા અમારા ખેતરોમાં પાણી પાશું, જો તેમાં વધશે તો તમને મળશે, બાકી તમારાથી જે થતું હોય તે કરવાની છુટ છે. કલ્પના કરો, આવી સ્થિતિ પ્રવર્તતી હોય, ત્યાં દલિતો, આદિવાસીઓ કેવી પરિસ્થિતિમાં જીવતા હશે. આભાર માનો ડો.આંબેડકરના લિખિત ભારતના બંધારણનો, જેણે છેવાડાના ગરીબ માણસની સુરક્ષાની પણ બંધારણમાં વ્યવસ્થા કરી.
આ પણ વાંચોઃ પોલીસે રક્ષણ ન આપતા દલિત યુવતીની જાન પર જાતિવાદીઓનો હુમલો