ફૂલે દંપતી એટલે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેને મરણોત્તર ભારતરત્ન આપવાની માંગ ગુજરાતમાં ધીરેધીરે તેજ બની રહી છે. ગઈકાલે નડિયાદ ખાતે ખેડા જિલ્લાના રામી માળી સમાજ દ્વારા એક વિશાળ રેલી સ્વરૂપે એકત્રિત થઈને ફૂલે દંપતી માટે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક જણાવ્યા અનુસાર, ફૂલે દંપતીએ પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા અને કચડાયેલા વર્ગના ઉત્થાન અને સમાનતા માટે સમર્પિત કર્યું હતું. આ દંપતીએ એવા સમયે સામાજિક સુધારણાના કાર્યો કર્યા હતા જ્યારે સમાજમાં શૂદ્ર અને સ્ત્રી શિક્ષણ પર અનેક જડ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. મહાત્મા જ્યોતિરાવ ફૂલેના વિચારો અને કાર્યો એટલા ગહન અને પ્રભાવશાળી હતા કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ તેમને પોતાના સાચા ગુરૂ અને પ્રેરણામૂર્તિ તરીકે સ્વીકાર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ફૂલે દંપતીને ‘ભારત રત્ન’ આપવાની માંગ તેજ બની
સ્ત્રી શિક્ષણના પાયા નાખવામાં સાવિત્રીબાઈ ફૂલેનું યોગદાન સમગ્ર વિશ્વ માટે મિશાલ સમાન છે. તેમણે વિપરીત પરિસ્થિતિઓ, આર્થિક સંકડામણ અને રક્ષણ વિનાના સામાજિક બહિષ્કાર વચ્ચે પણ હિંમત હાર્યા વગર મહિલાઓ માટે 17 થી વધુ શાળાઓ શરૂ કરી હતી. શિક્ષણની સાથે તેમણે સાહિત્ય ક્ષેત્રે પણ અત્યંત મહત્વનું પ્રદાન કર્યું હતું, જેમાં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાવ્ય ફૂલે’ આજે પણ પ્રેરણાદાયી ગણાય છે. સામાજિક સુધારણાના ભાગરૂપે તેમણે માત્ર શાળાઓ જ નહીં, પરંતુ ‘બાળહત્યા નિષેધ ગૃહ’ અને વિધવા મહિલાઓ તેમજ અનાથો માટે આશ્રમો સ્થાપીને જે ક્રાંતિ કરી હતી તે અદ્વિતીય છે.

ગુજરાત માળી સમાજના આગેવાનોએ આ તકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફૂલે દંપતીને ‘ભારતરત્ન’ આપવો એ માત્ર માળી સમાજનું જ સન્માન નથી, પરંતુ તે દેશના કરોડો અતિ પછાત અને શોષિત વર્ગને સાચા અર્થમાં ન્યાય આપવા સમાન ગણાશે. આ વર્ગના લોકો માને છે કે જો સામાજિક સમરસતા લાવવી હોય તો આવા મહાપુરૂષોના ઋણને સ્વીકારવું અનિવાર્ય છે. નોંધનીય છે કે, ફૂલે દંપતીને આ સર્વોચ્ચ સન્માન અપાવવા માટે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સુઆયોજિત અને વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે.
આ પણ વાંચો: જ્યોતિબા ફૂલેને જ્યારે ગાંધીજીએ ‘સાચા મહાત્મા’ ગણાવ્યા..
અગાઉ પણ રાજ્યના અલગ-અલગ જિલ્લા મથકો જેવા કે અમદાવાદ, વડોદરા, મહેસાણા અને અમરેલીમાં માળી સમાજ દ્વારા કલેક્ટર કચેરીઓમાં જઈ આવેદનપત્રો આપીને આ સમાન માંગણી રજૂ કરવામાં આવી ચૂકી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે ખેડા જિલ્લા માળી સમાજે પણ કલેક્ટરને આવેદન આપીને સરકાર પાસે નમ્ર અપીલ કરી છે કે દેશના સાચા અને પાયાના સમાજ સુધારકોને તેમનું યોગ્ય સન્માન મરણોત્તર રીતે વહેલી તકે એનાયત કરવામાં આવે. જો ફૂલે દંપતીને આ સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવે તો તે ભારતીય લોકશાહીમાં સામાજિક ન્યાય અને શિક્ષણના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે.
આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી સમાજના અગ્રણીઓ, વડીલો અને ઉત્સાહી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પછાત વર્ગની એકતાના સૂત્રોચ્ચાર સાથે પોતાની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: Phule Review: શું ફિલ્મ ખરેખર બ્રાહ્મણ વિરોધી છે?










