બેફામ કારે રસ્તા પર કામ કરતા 8 મનરેગા મજૂરોને કચડ્યાં

રોડ પર કામ કરી રહેલા મનરેગા મજૂરો પર કાર ફરી વળતાં 8 નાં મોત. સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ.
punjab sangrur mmnrega workers caraccident

રોડ પર કામ કરતા મજૂરો માટે પણ રસ્તાઓ કેટલા જોખમી બની ગયા છે તેનો પુરાવો આ ઘટના છે. પંજાબના સંગરૂર જિલ્લામાં લહેરાગાગા-જખાલ રોડ પર રસ્તાના સમારકામ તેમજ સાફ-સફાઈનું કામ કરી રહેલા મનરેગા (MNREGA) શ્રમિકોને એક પુરઝડપે આવતી બેફામ કારે ભયાનક રીતે અડફેટે લીધા હતા. આ કાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ પળવારમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

પૂરપાટ ઝડપે દોડતી શેવરોલે મેગ્નમ કારે મજૂરોને કચડી નાખતાં કુલ 8 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રવિવારની સવારે સર્જાયો કાળમુખો અકસ્માત

મળતી વિગતો અનુસાર, આ ભયાનક હોનારત પંજાબના સંગરૂર જિલ્લાના લહેરાગાગા-જખાલ રોડ પર રવિવારે, 18 ઓક્ટોબરના રોજ સર્જાઈ હતી. ઘટના સમયે રસ્તા પર આશરે 23 જેટલા મનરેગા મજૂરો દૈનિક કામગીરી કરી રહ્યા હતા. શ્રમિકો પોતાના રોજીંદા કામમાં પરોવાયેલા હતા ત્યારે જ અચાનક એક પૂરઝડપે આવતી કારે તેમને કચડી નાખ્યા હતા.

આ પણ વાંચો: એટ્રોસિટીનો મજબૂત કાયદો છતાં ન્યાય કેમ નથી મળતો?

કારની સ્પીડ એટલી વધારે હતી કે મજૂરોને બચવાનો કે બાજુમાં ખસવાનો સહેજ પણ મોકો મળ્યો નહોતો. કારની જોરદાર ટક્કર વાગતાં જ શ્રમિકો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને 5 મજૂરોના તો ઘટનાસ્થળે જ તરફડીને મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય મજૂરોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા બાદ મૃત્યુઆંક વધીને 8 સુધી પહોંચી ગયો હતો.

મૃતકોની ઓળખ સામે આવી, પરિવારોમાં અરેરાટી

આ કાળમુખા અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ 8 શ્રમિકોની સત્તાવાર ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોમાં મોટા ભાગે ગરીબ પરિવારના કમાનારા સભ્યો અને મહિલાઓ સામેલ છે. મૃતકોની ઓળખ કરમજીત કૌર, જીવન સિંહ, નિકી, સરબજીત કૌર, રણજીત કૌર, કરમજીત, રાની કૌર અને દેસરાજ તરીકે થઈ છે. એકસાથે 8 શ્રમિકોના કરુણ મોતથી તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા અન્ય ઘાયલ મજૂરોની સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ગાંધી જયંતિના કાર્યક્રમમાં દલિતોને અલગ ભોજન પીરસાયું!

તંત્ર અને પોલીસ સામે સ્થાનિકોનો વિરોધ

અકસ્માતના તુરંત બાદ સ્થળ પર એકઠા થયેલા સ્થાનિક લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાઓની અવ્યવસ્થાને લઈને ભારે નારાજગી અને રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનો આરોપ છે કે જો સમયસર યોગ્ય તબીબી મદદ અને એમ્બ્યુલન્સ મળી ગઈ હોત તો કદાચ કેટલાક શ્રમિકોના જીવ બચાવી શકાયા હોત. ઘટનાની ગંભીરતાને જોતાં પંજાબ સરકારના કેબિનેટ મંત્રી બરિન્દર કુમાર ગોયલે આ દુર્ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચો: મોહમ્મદ શમીની બેન-બનેવી MNREGAમાં મજૂર, માંડ રૂ. 237 કમાય છે

પોલીસે આરોપી કારચાલકની ઓળખ કરી

સંગરૂરના એસપી પલવિંદર સિંહ ચીમાએ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક ઝડપી ગાડીએ મનરેગા મજૂરોને કચડી નાખ્યા હતા. ઘટનાસ્થળેથી પ્રાથમિક તપાસમાં 5 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા હતા અને બાદમાં મૃત્યુઆંક વધીને 8 થયો છે. અકસ્માત સર્જનારી ગાડી શેવરોલે મેગ્નમ હતી, જેનો રજિસ્ટ્રેશન નંબર PB11 CP 0080 છે.

પોલીસ તપાસમાં કારચાલકની ઓળખ રાયધરાના ગામના રહેવાસી પરગટ સિંહ કાલા તરીકે થઈ છે. અકસ્માત સમયે કારમાં તેના પરિવારજનો અને અન્ય લોકો પણ સવાર હતા. ઘટના બન્યા બાદ આરોપી ડ્રાઈવર વાહન મૂકીને કે સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.

એસપી ચીમાએ વધુમાં ઉમેર્યું હતું કે આરોપી સામે એફઆઈઆર (FIR) નોંધી દેવામાં આવી છે અને તેની ધરપકડ માટે અલગ-અલગ ટીમ બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમણે ખાતરી આપી હતી કે આ સમગ્ર મામલે અત્યંત પારદર્શક રીતે તપાસ કરવામાં આવશે અને દોષિત ડ્રાઈવરને કડકમાં કડક સજા અપાવાશે.

આ પણ વાંચો: MNREGA નું નામ બદલી VB-G RAM G કરાતાં જ ગ્રામીણ રોજગાર અડધો થયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x