ગાય, ગોબર અને ગૌમૂત્ર મામલે ભાજપના નેતાઓ વારંવાર અતાર્કિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિરુદ્ધના સાવ વિચિત્ર નિવેદનો આપતા રહે છે. અગાઉ પીએમ મોદીથી લઈને ભાજપના અનેક નેતાઓ આ પ્રકારના અતાર્કિક નિવેદનો આપતા રહ્યાં છે. હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે. પોતાના વિચિત્ર નિવેદનો માટે જાણીતા રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર ફરી એકવાર પોતાના અજીબોગરીબ નિવેદનને કારણે ચર્ચામાં છે. કોટામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે વિજ્ઞાન અને તર્કને નેવે મૂકીને ગાય અને ભેંસના દૂધ અંગે જે તુલના કરી, તેનાથી તેઓ હાસ્યાસ્પદ ઠર્યા છે. મંત્રીએ દાવો કર્યો હતો કે ગાયનું દૂધ પીનારા બાળકો બુદ્ધિશાળી બને છે, જ્યારે ભેંસનું દૂધ પીનારા બાળકોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
મદન દિલાવરની હાસ્યાસ્પદ દલીલ
મંત્રી દિલાવરે પોતાની વાત સાબિત કરવા માટે જે ‘પશુ પ્રયોગ’ રજૂ કર્યો તે સાંભળીને સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, “જો તમે પાંચ-સાત ગાયો અને ભેંસોના બચ્ચાને એકસાથે છોડો, તો ગાયનું વાછરડું તરત પોતાની માને શોધી લેશે, જ્યારે ભેંસનું બચ્ચું મૂંઝાઈ જશે.” મંત્રીના મતે બચ્ચાની આ ‘શોધવાની ક્ષમતા’ સીધી રીતે દૂધની ગુણવત્તા સાથે જોડાયેલી છે. મંત્રીએ એમ પણ ઉમેર્યું કે ગાયનું બચ્ચું ચંચળ હોય છે અને ભેંસનું બચ્ચું મંદબુદ્ધિ જેવું વર્તે છે, માટે બાળકોને ગાયનું જ દૂધ પીવડાવવું જોઈએ.

આ પણ વાંચો: ‘અહીં ગાયો કાપો છો?’ કહી દલિતો પર હિંદુ સંગઠનોનો હુમલો
શિક્ષણ મંત્રીના જ્ઞાન પર ઉઠ્યા સવાલ
એક બાજુ જ્યારે દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે શિક્ષણ મંત્રી જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે આ પ્રકારના અવૈજ્ઞાનિક નિવેદનો આપે છે, ત્યારે પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે શું કોઈ પણ પશુનું દૂધ પીવાથી માણસની બુદ્ધિના સ્તરમાં ફેરફાર થાય તેવું કોઈ વૈજ્ઞાનિક સંશોધન છે ખરું? મંત્રીએ જે રીતે ગાય અને ભેંસ વચ્ચે ‘બુદ્ધિના ભેદભાવ’ ઊભા કર્યા છે, તેને લોકો માત્ર રાજકીય સ્ટંટ અને બુદ્ધિનું પ્રદર્શન ગણાવી રહ્યા છે.

યોજનાની જાહેરાત પણ વિવાદમાં
પોતાના નિવેદન બાદ મંત્રીએ 14 ગામોમાં પારંપરિક ગોવાળ પદ્ધતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં 70 ગાયો પર એક ગોવાળ રાખવાની અને તેને 10,000 રૂપિયા માનદ વેતન આપવાની વાત કરી છે. જોકે, લોકો આ યોજના કરતાં મંત્રીના ‘બુદ્ધિ ભ્રષ્ટ’ વાળા નિવેદન પર વધુ કટાક્ષ કરી રહ્યા છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે મંત્રીને ઘેર્યા છે અને શિક્ષણ મંત્રીને ‘શિક્ષણ’ પર ધ્યાન આપવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: AMC એ ખોદેલા ખાડામાં એક સાથે 5 ગાયો ખાબકી, બે ના મોત
हमारे शिक्षा मंत्री जी….!!!
श्री मान मदन दिलावर साहब….
इनकी बुद्धि का आँकलन करके बताइए….
ये किसका दूध पीकर बड़े हुए है….??
गाय का दूध पीकर…??
या भैंस का दूध पीकर….?? pic.twitter.com/BfejLyESml
— kapil bishnoi (@Kapil_Jyani_) February 23, 2026
મંત્રીજી ટ્રોલ થયા
ઇન્ટરનેટ પર લોકો મંત્રીના આ નિવેદનને જોક્સ અને મીમ્સ (Memes) દ્વારા ઉડાવી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે જો ભેંસનું દૂધ પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થતી હોત, તો દેશના અડધાથી વધુ ભાગની હાલત કેવી હોત? પશુપાલકોમાં પણ આ નિવેદનને લઈને છૂપો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ભેંસનું દૂધ વ્યાપારી દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. હવે જોવાનું એ રહે છે કે આટલા મોટા વિવાદ બાદ મંત્રી પોતાના નિવેદન પર કાયમ રહે છે કે પછી સ્પષ્ટતા કરે છે.
આ પણ વાંચો: ગાયો ચરાવતા રોકતા દલિત પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ










