રાજકોટ મનપામાં સફાઈકર્મીઓના વારસદારોને નોકરીનો પ્રશ્ન ફરી એક વખત ગાજ્યો હતો. ગઈકાલે વાલ્મિકી સમાજ મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે એકત્ર થયો હતો. જેમાં અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાના નિયમોનું પાલન કરવામાં આવે અને રાજીનામામાંથી મેડીકલ સર્ટિફિકેટ રદ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી તો તેમનો પ્રશ્ન નહીં ઉકેલાય તો 15 દિવસ બાદ આંદોલન અને હડતાલની ચીમકી ઉચ્ચારી હતી.
200થી વધારે સફાઈકર્મીઓના રાજીનામાં અટવાયા
રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર નયનાબેન પેઢડીયાને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામું આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમાં છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં વિસંગતતાઓને કારણે 200થી વધારે સફાઈ કામદારોના રાજીનામાં અટવાયેલા પડયાં છે અને ઘણા સફાઈ કામદારો અવસાન પામેલ તથા નિવૃત થઈ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરીના હકકથી વંચીત રહેવુ પડ્યું છે.
આ પણ વાંચો: ‘NDA હોય કે મહાગઠબંધન, તમારો મત લઈ લેશે, પણ વિકાસ નહીં કરે…’
ફોર્મ ભરવામાં આવ્યા પણ ભરતી ન કરાઈ
તા.31 જુલાઈ, 2024ના રોજ સફાઈ કામદારોની રેલીના આવેદન બાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓની તાકીદની મિટીંગ મળી હતી. જેમાં સફાઈ કામદારોની ભરતી તથા રાજીનામાંથી મેડીકલ સર્ટીફીકેટ રદ કરવાના મુદ્દા એક માસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાતા આગેવાનો દ્વારા આંદોલન સમેટવામાં આવ્યુ હતુ. જે બાદ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા અને અનેક બેરોજગાર લોકો દ્વારા ભરવામાં આવ્યુ હતુ પરંતુ, ભરતી કરવામાં આવી નથી.
મેડીકલ સર્ટિફિકેટમાંથી મુકિત આપવા માંગ કરાઈ
આવેદનપત્રમાં જણાવાયું છે કે, આ મુદ્દે અનેક રજૂઆતો બાદ સફાઈ કામદારોના પેન્ડીંગ રાજીનામાઓ મેડીકલ અભિપ્રાય માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવાનું થયું અને દર ગુરૂવારે 30- 30 સફાઈ કામદારોને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે પરંતુ ત્યાં પોતાના કામમાં રજાઓ મૂકી મેડીકલ માટે જતા સફાઈ કામદારોને ધકકા ખવડાવે છે.
આ પણ વાંચો: ‘મારી મરેલી ગાય ખેંચવા કેમ ન આવ્યો? ઉનાકાંડ ભૂલી ગયો!’
હાલ સુધી એકપણ મેડીકલ સર્ટિફિકેટ મનપામાં જમા કરાવવામાં આવેલ નથી. જેથી અમારી વિનંતી છે કે, આ માટે ફરીથી જનરલ બોર્ડમાં ઠરાવ કરી અત્યાર સુધીની તમામ અરજીઓને મેડીકલ સર્ટીફીકેટમાંથી મુકિત આપી મંજુર કરવામાં આવે.
15 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલન-હડતાલની ચીમકી
સફાઈકર્મીઓએ જણાવ્યું છે કે, સફાઈ કામદારોની ભરતી માટે જનરલ બોર્ડમાં 2- 2 વખત ઠરાવ કરવામાં આવ્યો અને 2-2 વખત ફોર્મ ભરવામાં આવ્યા, પરંતુ હજુ સુધી ભરતી કરવામાં આવી નથી. તો ભરાયેલા ફોર્મનો તાત્કાલિક ડ્રો કરી ભરતી કરવામાં આવે. અમારા પ્રશ્નોનો 15 દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો ફરીથી આંદોલન, હડતાલ સહિતના પગલા લેવાની ફરજ પડશે.
આ પણ વાંચો: જૂનાગઢમાં સફાઈકર્મીઓની હડતાળ, તંત્ર કશું સાંભળતું નથી











